સુરત: ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલો હોલ્ડિંગ એરિયા ચોમાસાની શરૂઆત સાથે જ મુશ્કેલીનું કેન્દ્ર બની ગયો છે. આ વિસ્તાર જે મુસાફરોને આરામ અને સુરક્ષા આપવા માટે રચાયો હતો, તે હવે વરસાદના પાણીથી ભરાઈ જવાને કારણે ‘શોભાના ગાંઠિયા’ જેવો થઈ ગયો છે.
ચોમાસાની શરૂઆત થતાં જ આ એરિયામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, જેના લીધે ગંદકી અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. આના કારણે મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ફૂટ ઓવર બ્રિજ પર બેસવા મજબૂર બન્યા છે.
- ચોમાસું શરુ થયું અને ઉધના રેલવે સ્ટેશનનો બેકાર કારભાર દેખાઈ આવ્યો
- હોલ્ડિંગ એરીયા પાણી ભરાઈ જતાં મુસાફરો ફુટ ઓવર બ્રિજ પર બેસવા મજબુર
- હોલ્ડિંગ એરીયામાં વરસાદનું પાણી એકઠું થતાં જાણે ખાડો હોય તેવી સ્થિતિ, પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર નવીનીકરણ દરમિયાન મોટા ભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ઊભી રાખવામાં આવતી હતી. જેના કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વધેલી ભીડને સંભાળવા અને મુસાફરોને આરામદાયક સ્થળ પૂરું પાડવા માટે રેલવે વહીવટી તંત્ર દ્વારા હોલ્ડિંગ એરિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે સુરત રેલવે સ્ટેશન રાબેતા મુજબ કાર્યરત થઈ ગયું છે. ત્યારે ઉધના સ્ટેશનના આ હોલ્ડિંગ એરિયાની ઉપયોગીતા પર પ્રશ્નો ઊભા થયા છે.

ચોમાસાના આગમન સાથે જ આ એરિયામાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો સ્પષ્ટ અભાવ છે. વરસાદનું પાણી એકઠું થવાને કારણે હોલ્ડિંગ એરિયા ખાડા જેવો બની ગયો છે. જેના લીધે મુસાફરોને બેસવાની જગ્યા મળતી નથી. પાણી ભરાવાને કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા ઊભી થઈ છે. જેનાથી મુસાફરોની હાલત કફોડી બની છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને આ સ્થિતિમાં વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરોને ફૂટ ઓવરબ્રિજ પર બેસીને ટ્રેનની રાહ જોવી પડે છે, જે સલામતીની દૃષ્ટિએ પણ ચિંતાજનક છે.
સ્થાનિક મુસાફરો અને નિયમિત રેલવે પ્રવાસીઓએ આ સ્થિતિ અંગે રેલવે વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે, હોલ્ડિંગ એરિયાનું નિર્માણ ચોમાસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું નથી. જેના લીધે આ સમસ્યા સર્જાઈ છે.

રેલવે અધિકારીઓને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મુસાફરોની માંગ છે કે, હોલ્ડિંગ એરિયામાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવે અને સ્વચ્છતા જળવાય. જેથી ચોમાસા દરમિયાન આવી હેરાનગતિ સહન કરવી નહીં પડે.
ઉપરાંત હોલ્ડિંગ એરિયાને વધુ સારી રીતે સંચાલિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે રેલવે વહીવટી તંત્રે ઝડપી પગલાં લેવા જોઈએ. જેથી ઉધના રેલવે સ્ટેશન ફરીથી મુસાફરો માટે સુવિધાજનક અને આરામદાયક બની શકે.