uncategorized

આપણે ઘરે આવતો પૈસો ટકોરા મારીને તપાસતા રહેવું જોઇએ

કેટલાય પાસે અન્યાયી સંપત્તિ આવી હોય તેથી એવા લોકોના પગ જમીન પર ઠરતા જ નથી. ખોટે માર્ગે આવેલા પૈસામાંથી બીજા ધંધાનો વિકાસ કરાતો હોય છે અને તેમાંથી આવા લોકો માલામાલ થઇ જતા હોય છે. આવા લોકોનાં સંતાનોએ તો બસ પૈસો જ જોયો છે. સત્તા અને બાહ્ય સુખ સિવાય તેઓએ બીજું કંઇ જોયું નથી. સંપત્તિ જયારે યોગ્ય માર્ગે આવેલી ન હોય ત્યારે સુખ નહીં પણ દુ:ખ જ લાવે છે. આમ પણ લોકો જાણે જ છે કે, ખોટે માર્ગે  આવેલો પૈસો દુ:ખના ડુંગરો જ લાવે છે. જયારે આવા લોકો પાયમાલ થઇ જાય ત્યારે તેને ખ્યાલ આવે છે કે ખોટે માર્ગે આવેલો પૈસો દુ:ખમાં જ પરિવર્તિત થતો હોય છે. આવો અનીતિથી મળેલો પૈસો શરૂમાં તો બુધ્ધિને જ ભ્રષ્ટ કરે છે. જો આવા લોકો હૃદયથી માને કે આ પૈસામાં અન્યનો પણ ભાગ છે જ તો પછી એ પૈસામાંથી પ્રાયશ્ચિત્તરૂપે મોટા પાયે દાન થાય, અપાય તો દાતાના મનને પ્રાયશ્ચિત્તરૂપે આ કરું છું તેથી થોડી શાન્તિ મળશે.

ઋષિ વિચારોમાં આ તો પાયાનો વિચાર છે કે આપણે ઘરે આવતો પૈસો ટકોરા મારીને તપાસતા રહેવું જોઇએ કે, આ પૈસો ખોટે માર્ગે તો આવ્યો નથી ને? તેથી જ યથાશકિત દાન કરવાનું સૂચન કરેલું છે.  મનુસ્મૃતિમાં મનુમહારાજે સૂચવ્યું છે કે, બ્રાહ્મણને શુદ્ધ પ્રતિગ્રહથી – જ્ઞાનથી, ક્ષત્રિયને શસ્ત્રથી અને વૈશ્યને ખરીદ વેચાણથી જે મળ્યું હોય તે ધન ન્યાયથી મેળવ્યું એમ ગણાય. (મનુસ્મૃતિ અધ્યાય ૩) ખોટે માર્ગે આવેલું ધન બે પેઢીથી વધુ ચાલતું નથી. આવું ખોટું ધન તેની એકાદ પેઢી પછીથી ઘરમાં ઘણા પ્રશ્નો ઊભા કરે છે. ખરેખર તો મળેલો પૈસો સંપત્તિમાં પરિવર્તિત કરવો હોય તો તેમાં અન્યનો ભાગ છે એનો મનથી સ્વીકાર કરી દાન કરતા જવું. ખોટે માર્ગે આવેલો પૈસો પાછલી પેઢીને  મહા દુ:ખમાં મૂકી દે છે.

ઘરે આવતા પૈસાને ટકોરા મારીને જોવામાં જો આવે તો તેમાં ખોટે માર્ગે આવેલો પૈસો ટકવાનો નથી અને તેનો તરત જ ત્યાગ થવો જોઇએ તથા હવે પછી આ ઘરમાં ખોટું ધન આવશે નહીં તેવો સંકલ્પ કરી તેનું ચુસ્ત રીતે પાલન થવું જોઇએ. ચાણકય નીતિના ત્રીજા અધ્યાયના અંતિમ શ્લોકમાં સ્પષ્ટ કહેલું છે કે ‘જયાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી ત્યાં અન્નભંડાર ભરેલા રહે છે તથા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી ત્યાં મહાલક્ષ્મીનો નિવાસ હોય જ છે.

Most Popular

To Top