Charchapatra

ઘસાતા રૂપિયાને જરૂર છે ટેકાની

યુ.એસ. ડોલર સામે રૂપિયાનો વિનિમય દર અત્યાર સુધીની બધી સપાટી વટાવી ૮૭ની નજીક પહોંચ્યો. આઝાદી પહેલાં ભારતીય ચલણનું મૂલ્ય બ્રિટનની આર્થિક પરિસ્થિતિ સાથે સંકળાયેલ રહેતું. હવે દુનિયાનાં અન્ય ચલણોની જેમ ભારતીય રૂપિયાની સરખામણી પણ યુ એસ ડોલર સાથે જ થાય છે. ભારત સને ૧૯૪૭માં આઝાદ થયો ત્યારે એક યુ.એસ. ડોલર સામે રૂપિયાનો દર લગભગ ૩.૩૦ જેટલો હતો જે આજે ૮૬.૭૦ પર ઘણાં કારણોને લીધે પહોંચ્યો છે. ૧૯૭૩માં ઓપેકે ઓઇલ પ્રોડક્શન (જેની ચુકવણી યુ.એસ. ડોલરમાં જ થતી એના) પર કાપ મુકાતાં રૂપિયા પર દબાણ વધતાં રૂપિયો ઘસાતો ગયો જેનો યુ.એસ. ડોલર સામે વિનિમય દર ૧૯૯૦માં ૧૭.૫૦ ના લેવલે પહોંચ્યો. વ્યાજની ચુકવણી સરકારની કુલ આવકના ૩૯% જેટલી હતી જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડીફોલ્ટરની કેટેગરીમાં આવી ગયેલ ત્યાર પછી ભારતીય ચલણનું સતત અવમૂલ્યન થતુ રહ્યું જે ૧૯૯૨માં એક યુ.એસ. ડોલર સામે રૂપિયો ૨૫.૯૨ના દરે પહોંચ્યો.

ભારતીય અર્થકારણની વણસતી જતી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવા ૧૯૯૧માં દેશે મુક્ત અર્થકારણની નીતિને અપનાવેલ જેને કારણે સમય જતાં વિદેશી રોકાણકારો આકર્ષાયાં અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરનો વ્યાપ અને નિકાસ વધતાં વિદેશી ચલણના રીઝર્વમાં પણ વધારો થયો પરંતુ આયાત પરનાં નિયંત્રણો સમય જતાં ઓછાં થતાં વિદેશી માલ/મશીનરીની આયાત પણ વધી જે ૨૦૨૩-૨૪ દરમિયાન નિકાસના પ્રમાણમાં અંદાજે ૮૩૦૦ કરોડ જેટલી વધુ રહેવાને કારણે રૂપિયો સતત ઘસાતો રહી આજે એક યુ.એસ. ડોલરના ૮૬.૭૦ રૂપિયાના દરે પહોંચ્યો છે. ઘસાતા રૂપિયાની અસર મોંઘવારી વધારવામાં પણ પડે છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સમાચારમાં આંકડાઓ
ભારતમાં 72 ટકા શહેરી ગંદુ પાણી સ્વચ્છ કર્યા વિના જ નદી-તળાવોમાં ઠલવાય છે. દેશમાં 2023માં માર્ગ અકસ્માતમાં કુલ 1.73 લાખ લોકોનાં મોત થયાં છે. લગભગ 64 કરોડ ભારતીયો ઓપન ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. 2023માં ભારતમાંથી વાળની નિકાસ અંદાજે 57 અબજ રૂપિયાની હતી. દેશના 85 ટકા જિલ્લાઓ ખરાબ હવામાનની લપેટમાં છે.  દેશની 1 અબજ 44 કરોડ વસતીમાંથી 24 કરોડ લોકો જ એવાં છે, જે અર્થતંત્રમાં વિવિધ રીતે શ્રમિકો તરીકે ભાગીદાર છે. ભારતમાં સરેરાશ દરેક લગ્ન પાછળ 12.5 લાખ રૂપિયા ખર્ચાય છે.
અમદાવાદ- જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top