આપણે આજ દિન સુધી સોનું, ચાંદી, મકાન, મોટર કાર વગેરે ખરીદતી બેન્ક જોઈ છે, પણ દેવું ખરીદે તેવી બેન્ક નથી જોઈ. મોદી સરકારે કોથળામાંથી બિલાડું કાઢતા હોય તેમ ફળદ્રુપ ભેજાંમાંથી બેડ બેન્ક નામનું ગતકડું શોધી કાઢ્યું છે. આ બેડ બેન્ક ફડચામાં જવાની તૈયારી કરતી નેશનલાઇઝ્ડ બેન્કોનું દેવું ખરીદી લેશે. બેન્કોનું દેવું એટલે બેન્કો દ્વારા આડેધડ આપવામાં આવેલી લોન, જે પાછી ફરવાની હવે કોઈ આશા નથી. આ ખોટી થઈ ગયેલી લોનને સંપત્તિ ગણીને ખરીદવાની મૂર્ખાઈ કોણ કરે? ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) આ ધૂળધોયાનું કામ કરવાની છે. બેન્કોની ખોટી થયેલી લોન આ કંપની ખરીદી લેશે, જેને કારણે બેન્કોની બેલેન્સ શીટ ચોખ્ખી થઈ જશે અને બેન્કના સંચાલકો હળવાફુલ બની જશે. તેઓ ફરીથી ઉદ્યોગપતિઓને લોન આપવા સક્ષમ બની જશે. બેડ બેન્કનો ફાયદો ઉદ્યોગપતિઓને પણ થશે. તેમને પહેલાંની જેમ છૂટથી લોન મળવાનું શરૂ થઈ જશે.
ભારતમાં કોવિડ-૧૯નું આગમન થયું તે પહેલાં બેન્કિંગ સેક્ટરની હાલત ખરાબ હતી. બેન્કો દ્વારા આપવામાં આવેલી આશરે દસ ટકા લોન ખોટી થઈ ગઈ હતી. કોવિડ-૧૯ દરમિયાન તો બેન્કોની હાલત ઓર કથળી છે. જો સાચો હિસાબ બહાર પાડવામાં આવે તો આજની તારીખમાં બેન્કો દ્વારા આપવામાં આવેલી ૨૫ ટકા જેટલી લોન પાછી આવે તેમ નથી. જો બેન્કોમાં રૂપિયા મૂકનારા મધ્યમ વર્ગના માણસો પોતાના રૂપિયા પાછા લેવા જાય તો બેન્કોને ઉઠમણું જ કરવું પડે.
હકીકતમાં ઘણી બેન્કોની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે ઉઠી જાય તેમ છે. જો બેન્કો ઉઠી જાય તો લોકોનો સરકારમાં વિશ્વાસ પણ ઉઠી જાય અને સરકારનું પતન થઈ જાય. આવું ન બને તે માટે સરકાર દ્વારા બેડ બેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. બેડ બેન્ક શંકર મહાદેવની જેમ ઢચુપચુ થઈ રહેલી બેન્કોનું બધું ઝેર ચૂસી લેશે. બેડ બેન્ક ડૂબી જશે તો પણ બાકીની બેન્કો બચી જશે.બેડ બેન્કની કાર્ય કરવાની પદ્ધતિ સમજવા જેવી છે. તે નેશનલાઇઝ્ડ બેન્કોની લગભગ ડૂબી ગયેલી બે લાખ કરોડ રૂપિયાની લોન ખરીદી લેશે. બેડ બેન્ક માત્ર ૫૦૦ કરોડ રૂપિયા અથવા તેથી વધુની ડૂબી ગયેલી લોન જ ખરીદશે.
મતલબ કે જો સરેરાશ ૫૦૦ કરોડની લોન ખરીદવામાં આવે તો કુલ ૪૦૦ ઉઠી ગયેલા ઉદ્યોગપતિઓની બેડ લોન તે ખરીદી લેશે. આ લોન સાથે તે તે ઉદ્યોગપતિઓ દ્વારા ગિરવે મૂકવામાં આવેલી સંપત્તિઓ ઉપર પણ બેડ બેન્કનો અધિકાર પ્રસ્થાપિત થઈ જશે. બેડ બેન્ક દ્વારા નેશનલાઈઝ્ડ બેન્કની ઝેરી લોન ખરીદવામાં આવે ત્યારે તેની સામે પૂરા રૂપિયા નહીં ચૂકવાય, પણ માત્ર ૧૫ ટકા રકમ ચૂકવવામાં આવશે. તેનો અર્થ એવો પણ કરી શકાય કે ઉદ્યોગપતિઓ દ્વારા લોન લેવા માટે જે ૧૦૦ રૂપિયાની મિલકત ગિરવે મૂકવામાં આવી હતી તેની સરેરાશ વાસ્તવિક કિંમત માત્ર ૧૫ રૂપિયા જ છે.
બીજા શબ્દોમાં નેશનલાઈઝ્ડ બેન્કો દ્વારા માત્ર ૧૫ રૂપિયાની સંપત્તિના બદલામાં ઉદ્યોગપતિઓને ૧૦૦ રૂપિયાની લોન આપવામાં આવી હતી. બેડ બેન્ક દ્વારા જે બેડ લોન ખરીદવામાં આવશે તેની સામે બેન્કને ૧૫ ટકા રૂપિયા રોકડા આપવામાં આવશે અને બાકીના ૮૫ ટકાના બોન્ડ આપવામાં આવશે. આ બોન્ડનો મતલબ એવો થશે કે બાકીના ૮૫ ટકા પૈકી જેટલા રૂપિયાની વસૂલાત થાય તેટલા રૂપિયા બેન્કને ચૂકવવામાં આવશે. બેડ બેન્ક પોતાની પાસે ખરીદવામાં આવેલી ઝેરી લોનની વસૂલાતનું કામ જાતે નહીં કરે. તે કામ ડેટ રિસોલ્યુશન કંપની લિમિટેડ નામની બીજી કંપનીને સોંપવામાં આવશે.
આ કંપની દ્વારા લોનની વસૂલાત માટે ખાસ તાલીમ પામેલો સ્ટાફ રાખવામાં આવશે. તેઓ લોન લેનાર ઉદ્યોગપતિઓ પાસે કડક ઉઘરાણી કરશે. જરૂર પડે કાયદાની કોર્ટમાં તેમને લઈ જઈ તેમની પાસેથી લોનની વસૂલાત કરશે. બેન્કોને ફાયદો એ થશે કે તેનો સ્ટાફ લોનની વસૂલાત કરવાના કંટાળાજનક કામોમાં રોકાયેલો નહીં રહે. તેઓ નવી લોનો આપવાનું રસપ્રદ કાર્ય સુખેથી કરી શકશે.
ભારત સરકારે બેડ બેન્કની રચના કરી અને તેને વર્કિંગ કેપિટલ તરીકે ૩૦,૬૦૦ કરોડ રૂપિયાની બેન્ક ગેરેન્ટી પણ આપી છે. બેડ બેન્ક જે બોન્ડ આપશે તેનો આધાર આ ગેરન્ટી હશે. જો બેડ બેન્ક પાંચ વર્ષમાં લોનની વસૂલાત નહીં કરે તો નેશનલાઈઝ્ડ બેન્કો આ ગેરન્ટી વટાવીને રોકડા રૂપિયા પ્રાપ્ત કરી શકશે. બીજા શબ્દોમાં કેન્દ્ર સરકારે ડૂબી રહેલી બેન્કોને બચાવવા ૩૦,૬૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બૂસ્ટર ડોઝ આપ્યો છે, જે પાંચ વર્ષ પછી કામ લાગવાનો છે. આ પાંચ વર્ષ દરમિયાન ધારો કે બેડ લોનની સંખ્યા વધી ગઈ તો સરકાર નવો બૂસ્ટર ડોઝ પણ આપશે.
બેડ બેન્કની ખૂબી એ હશે કે તેના ૫૧ ટકા શેરો નેશનલાઇઝ્ડ બેન્કોના હાથમાં હશે. બાકીના ૪૯ ટકા શેરો માર્કેટમાં વેચવામાં આવશે. બેડ બેન્ક નફો કરે તેવી આશા તો બહુ ઓછી છે. માટે તેના ૪૯ ટકા શેરો ખરીદવા કોણ તૈયાર થશે તે મોટો સવાલ છે. હાલમાં તો નેશનલાઈઝ્ડ બેન્કો દ્વારા બે લાખ કરોડ રૂપિયાની ઝેરી લોન તારવી લેવામાં આવી છે, જેને બેડ બેન્કના ખાતાંમાં પધરાવી દેવામાં આવશે. બેડ બેન્ક દ્વારા આ મિલકતોનું મૂલ્યાંકન કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં બે લાખ કરોડ રૂપિયાનો સવાલ એ છે કે જે બેન્ક દ્વારા ઉદ્યોગપતિને લોન આપવામાં આવી હોય, તેની સામે મિલકત ગિરવે મૂકવામાં આવી હોય, તેનું મૂલ્યાંકન વધારે કરવામાં આવ્યું હશે તો લોન મંજૂર કરનારા બેન્કના અધિકારીને કોઈ સજા થશે ખરી?
તેવી જ રીતે પોતાની મિલકતની વધુ કિંમત બતાડીને લોન લેનારા ઉદ્યોગપતિને કોઈ સજા થશે ખરી? કે પછી લાંચિયા બેન્ક ઓફિસરો અને બેઇમાન ઉદ્યોગપતિઓને બચાવી લેવા માટે બેડ બેન્કનું તરકટ કરવામાં આવ્યું છે? ભારતના બેન્કિંગ ક્ષેત્રની હાલત ખરેખર બહુ ખરાબ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ હાલમાં ભારતમાં કુલ ૨૯.૬૩ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટો ચલણમાં છે. તેની સામે રિઝર્વ બેન્ક પાસે હાલમાં માત્ર ૭૦૦ મેટ્રિક ટન જેટલું સોનું છે. જો એક કિલોગ્રામ સોનાની કિંમત ૫૦ લાખ રૂપિયા ગણીએ તો એક મેટ્રિક ટન સોનું ૫૦૦ કરોડ રૂપિયાનું થાય અને ૭૦૦ મેટ્રિક ટન સોનાની કિંમત ૩.૫ લાખ કરોડ રૂપિયા થાય. જો વાસ્તવિક રીતે વિચારીએ તો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૩.૫ લાખ કરોડ રૂપિયાના સોના સામે ૨૯.૬૩ લાખ રૂપિયાની કરન્સી નોટો છાપીને ચલણમાં દાખલ કરી દેવામાં આવી છે.
બીજા શબ્દોમાં સોનાની સામે ૨૯.૬૩ લાખ કરોડની ચલણી નોટોની વાસ્તવિક કિંમત માત્ર ૩.૫ લાખ કરોડ રૂપિયા છે. બીજા શબ્દોમાં આપણા પોકેટમાં જે ૧૦૦ રૂપિયાની ચલણી નોટ છે તેની ખરી કિંમત ૧૩ રૂપિયા જ છે. જો આપણે ૧૦૦ રૂપિયાની ચલણી નોટ લઈને રિઝર્વ બેન્ક પાસે જઈએ તો તે આપણને માત્ર ૧૩ રૂપિયાનું જ સોનું કે ચાંદી આપી શકે તેમ છે. આટલું ઓછું હોય તેમ રિઝર્વ બેન્ક સરકારના આદેશ મુજબ નવી ચલણી નોટો છાપીને સરકારને આપ્યા કરે છે. સરકાર તેનો ઉપયોગ બૂસ્ટર ડોઝ આપવા માટે કર્યા કરે છે, જેનો લાભ માત્ર ઉદ્યોગપતિઓને જ થાય છે. સરકાર નોટો છપાવ્યા કરે તેને કારણે રૂપિયાની કિંમત ઘટે છે અને મોંઘવારી વધે છે, જેનો માર સમાજના નીચલા વર્ગને પડે છે. ગરીબોને લૂંટીને શ્રીમંતોનાં ગજવાં ભરવાની સરકારની નીતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.