પરવાળા ગામમાં મંદિર તો હતું પણ સાવ નાનકડું. ગામ લોકોની ઈચ્છા એવી કે એક સરસ મોટું મંદિર જો ગામના તળાવની પાળે બને તો દર્શન કરવાની, કીર્તનની અને ગામમાં અવારનવાર આવતા સાધુસંતોને રહેવાની વ્યવસ્થા ત્યાં થઈ શકે.એવું નથી કે અત્યારે આ બધી વ્યવસ્થા નથી થઈ શકતી, વ્યવસ્થા તો થાય છે, પણ એ માત્ર ગામના સરપંચ અખુભા કરે ત્યારે જ થાય. એ પણ માત્ર એમને ત્યાં કોઈ રસોઈ કરી આપે અથવા આવેલ સાધુસંત જાતે રસોઈ બનાવી લે તો થાય, બાકી રહેવા માટે તો અખુભાનું હવેલી જેવું મકાન ખાલી જ પડ્યું છે.
હવે આ હવેલી ખાલી પડવાનું કારણ પણ જોઈ લઈએ. અખુભાના પિતા ગનુભા ગામના સૌથી શ્રીમંત માણસ. એમને એકનો એક દીકરો એ આપણા અખુભા. એક જ દીકરો હોવા છતાં ગનુભાએ હવેલી જેવું મોટું મકાન બનાવડાવેલું. ગનુભાની જમીન પણ ગામમાં બસો વિંઘા જેટલી એટલે ગામના ખેતમજૂરોનું ભરણપોષણ લગભગ એની મજૂરીમાંથી જ થઈ જતું.
ગનુભાનું અવસાન થયું ત્યારે અખુભાની ઉંમર હશે સોળેક વરસની. એમના લગ્નની તૈયારી હજી એમનાં બા કરે કરે ત્યાં તો એક સવારે સર્પદંશથી એમનું પણ અવસાન થયું. નાનકડા પરવાળા ગામમાં સોપો પડી ગયો.જો કે અખુભા હવે જુવાન હતા એટલે ઘર કે ખેતીવાડી સંભાળવાની કોઈ ચિંતા ગામનાં લોકોને ન હતી, એમણે જાતે જ બધું સંભાળી લીધું. બાજુના ગામની હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પણ એમણે કરેલો એટલે હિસાબકિતાબમાં પણ એ પાવરધા.
એક જ વાતનો ગામલોકોને અફસોસ હતો. અખુભા પરણવાની ના પાડ્યા કરતા.‘‘અખુભા,” કોઈ વખત ગામની નિશાળના માસ્તર રવિભાઈ એમને સમજાવતા, “હવે તમારી ઉમર પરણવા જેવડી થઈ ગઈ છે, ક્યાં સુધી કુંવારા રહેવું છે ?”‘‘સાહેબ,” અખુભા હસીને કહેતા, “મારું મન તો સંસારમાં લાગતું જ નથી, મારે તો બસ ગામલોકોની ને સાધુ અભ્યાગતોની સેવા કરવી છે.”‘‘પણ એમ આખી જિંદગી કેમ જાશે અખુભા?” રવિભાઈ પૂછતાં.
‘‘જિંદગી ને પાણીનો પરપોટો બેય સરખા છે માસ્તર,” અખુભા કહેતા, “ક્યારે એ ફૂટી જાય એ કોણે જાણ્યું છે? બસ, તમે લોકોએ સરપંચ બનાવ્યો છે, તો મને તન,મન ને ધનથી ગામલોકોની સેવા કરવા દો, એ જ મારી જિંદગી છે.”માગાં તો એમનાં કેટલાંય ઠેકાણેથી આવતાં પણ બધાંને એ હસીને વિદાય કરી દેતા. એમનું ચારિત્ર્ય પણ એટલું સારું કે કોઈનેય એમની સામે કદી ફરિયાદ રહેતી નહીં.
‘‘અલી સમુડી,” એક વાર પાણીશેરડે પાણી ભરવા ગયેલી યુવતીઓમાં અખુભાની વાત નીકળી ને રેવા બોલી, “અખુભા ખરેખર પરણવાના જ નથી?”‘‘હવે શું પરણે?” તારાએ જવાબ આપ્યો, “પાંત્રીસેક વરસ થયા હશે એમને, હવે તો કન્યાયે કોણ આપે?”‘‘વાતેય સાચી,” સમુડીએ વાતમાં ઝંપલાવ્યું, “પણ, ગામની ઉતાર જેવી ઓલી રમલીને મેં બે-ત્રણ વખત એમની હવેલીએથી નીકળતા જોઈ’તી.”‘‘સમુડી,” રેવાએ ગુસ્સાથી કહ્યું, “અખુભા ભલે પરણ્યા નથી પણ ઈ માણસ દેવ જેવા છે. કોઈનીય સામે આંખ ઊંચી કરીને એમણે ક્યારેય જોયું નથી. એમના વિશે આવી વાત હવે પછી જો કરી છે, તો અડબોથ એક મારીશ.”એ પછી ક્યારેય એમના વિશે યુવતીઓમાં પણ એલફેલ વાતો થતી નહીં.
એ વરસે ચોમાસું પૂરું થયું ને ઘઉંની વાવણી શરૂ થઈ એટલે મંદિર બનાવવા માટે ગામના સરપંચ અખુભાને ત્યાં મીટિંગ મળી.“જુઓ ભાઈઓ,” અખુભાએ કહ્યું, “મંદિર અને બે-ત્રણ રૂમ તો આપણે તળાવની પાળે બનાવીશું જ. પંચાયતની ગામતળની જમીન પણ છે એ હું કાઢી આપીશ. આપણે ફાળો શરૂ કરી દઈએ અત્યારથી જ, તો આવતા મહિને કામ શરૂ થાય.”‘‘લખો મારા પચીસ હજાર રૂપિયા,” શેઠ કાન્તિભાઈએ ફાળાની શરૂઆત કરી.‘‘કાન્તિભાઈ,” ગામના શિક્ષક રવિભાઈ બોલ્યા, “ફાળો તો અખુભાસાહેબના નામથી જ શરૂ થવો જોઈએ ને?”
“ના, ના, માસ્તર,’’ અખુભા બોલ્યા, “ફાળો ભલે કાન્તિભાઈ શેઠ તરફથી શરૂ થયો, પછી બીજા બધાનો ફાળો પણ લખી લો ને છેલ્લે મારું નામ રાખજો ને મારા નામ સામે રકમ ખાલી રાખજો.”‘‘કેમ ખાલી અખુભાભાઈ?” કાન્તિભાઈએ પૂછી લીધું.‘‘એટલા માટે,” અખુભાએ જવાબ આપ્યો “કે, ધારો કે ખરચ બે લાખ થાય ને ફાળો સિત્તેર હજાર થાય તો એ વખતે મારા નામ પાસે ખાલી રાખેલ રકમમાં ફાળો એક લાખ ત્રીસ હજાર લખી નાખવાનો- બરાબર છે ને? ગમે તેટલી રકમ મારે આપવાની આવે, હું તૈયાર છું.”‘‘ધન્યવાદ અખુભા,” માસ્તર રવિભાઈએ કહ્યું ને ફાળો લખાવીને સૌ છૂટા પડ્યા. એ પછી તો પંદરેક દિવસ સુધી ફાળાનું દૂધ દોવાતું રહ્યું ને બોઘરણી ભરાતી રહી.
બીજા જ મહિને મંદિરનું બાંધકામ શરૂ થયું ને એ વરસની આખરમાં બધું પૂરું થયું. અખુભાના ભાગે ફાળાના અઢી લાખ રૂપિયા આવ્યા. ધંધુકાથી રાજુભાઈ આચાર્યને બોલાવીને શંકર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ ને એક એક બ્રાહ્મણની પૂજારી તરીકે નિમણૂક પણ કરવામાં આવી. પૂજારી રમેશભાઈએ મંદિરની એક રૂમમાં જ રહેવાનું શરૂ કર્યું ને રોજ સાંજના કીર્તન પણ શરૂ કરી દીધાં.મંદિર શરૂ થયું એટલે ગામનું વાતાવરણ પણ બદલાઈ ગયું. સાંજના હવે મંદિરે ગામલોકોની ભીડ જામતી.“બાપુ,” એક રાત્રે મંદિરના પૂજારી રમેશભાઈ અખુભાની હવેલીએ આવ્યો, “મારે થોડું કામ હતું.”‘‘બોલો ભૂદેવ,” અખુભા બોલ્યા, “શું કામ હતું?”
‘‘મારો પગાર તો હજાર રૂપિયા મળી ગયો છે,” રમેશભાઈએ સંકોચથી કહ્યું, “ પણ….પણ..મારી મા બીમાર છે એટલે દવાદારૂ માટે પાંચ હજાર રૂપિયાની જરૂર હતી. તમે મારા પગારમાંથી પાંચસો પાંચસો કરીને કાપી લેજો સાહેબ, પણ..”‘‘અરે ભૂદેવ,” અખુભા બોલ્યા, “એમાં સંકોચ શું પામો છો? બ્રાહ્મણની સેવા કરવી એ તો મારો ધર્મ છે. તમારે પચાસ હજાર જોઈતા હોય તો ય લઈ જાવ તમતમારે.”“ના સાહેબ,” રમેશભાઈ બોલ્યા, “પાંચ હજાર જોઈએ છે.”
“લ્યો આ પાંચ હજાર,” અખુભાએ ઊભા થઈને તિજોરીમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને રમેશભાઈને આપતાં કહ્યું, “અને ફરી વખત ગમે તે જરૂર પડે તો પણ મને કહેવામાં સંકોચ ન પામતા. બ્રાહ્મણ માટે તો મારી જાત ફના થઈ જાય તોય હું હરફ ન કાઢું રમેશભાઈ, જલસા કરો ને માદેવની સેવા કરો અને આ પાંચ હજારેય તમારે પાછા આપવાના નથી, મારા તરફથી બક્ષિસ માની લેજો.”અખુભાને પગે લાગીને રમેશભાઈ વિદાય થયા.
નવરાત્રી આવી ને આ વખતે તો મંદિરના ચોકમાં જ ગરબાની રમઝટ જામી. નવેનવ દિવસ ગામલોકો ઉત્સવવારિમાં સ્નાન કરતા રહ્યા.મહા મહિનો આવ્યો ને ગામના બે-ત્રણ માણસો અખુભા પાસે આવ્યા.‘‘અખુભાસાહેબ,” એક જણે કહ્યું, “ગામ આખું વાતું કરે છે કે, ઓલી ગામની ઉતાર રમલીને ઓધાન રહ્યા છે ને એ ઘરની બહાર નીકળતી નથી. આ પાપ કોનું હશે એની તપાસ તો પંચાયતે કરવી જોઈએ.”અખુભા તો સજ્જડ થઈ ગયા. ક્રોધથી એમની આંખોમાં લાલચટક ટશિયા ફૂટ્યા.
‘‘તમે ફિકર ન કરો,” એમણે કહ્યું, “હું આજે જ રમલીને ઘેર બોલાવીશ ને તપાસ કરીશ. કાલે તો ભાંડો ફૂટી જ જશે. પાપીને છોડવામાં નહીં આવે એની ખાતરી રાખજો.”એ સાંજે એમણે રમલીને પોતાના ઘેર બોલાવી અને ખાસ્સી કલાકેક એની સાથે વાતો કરી.બીજા દિવસે સવારે ગામના તળાવમાં અખુભાનું મૃત શરીર લોકોએ તરતું જોયું. બે ત્રણ જુવાનિયાઓએ અખુભાનું શરીર બહાર કાઢ્યું ને એમને હવેલીએ લાવ્યા, એ જ વખતે રમલી ગામની બજારમાંથી દોડતી હવેલી પાસે આવી.
“અરેરે અખુભા…” એણે પોક મૂકીને, માથું પછાડતાં કહ્યું, “મારા પેટમાં તમારી નિશાની મૂકીને તમે મને ને તમારા આવનારા દીકરાને નોંધારો મૂકીને ક્યાં લાંબી જાતરાએ ઊપડી ગયા….”“ચૂપ મર રમલી,” કાન્તિભાઈએ એને થપ્પડ મારીને કહ્યું, “શું બોલે છે એનું ભાન છે તમને?”“હું સાચું જ બોલું છું શેઠ” રમલીએ કહ્યું, “કાલે રાત્રે જ એમણે મને કહેલું કે, કાલે સવારે તું ગામમાં જાહેર કરી દેજે કે આ બાળક મારું છે, પણ હું જાહેર કરું કરું ત્યાં તો…”
ગામલોકો અત્યાર સુધી જેને દેવતા માનતા હતા એ અખુભાનું નામ હવે તિરસ્કારથી લેવા માંડ્યા. પણ, ગમે તેમ, અગ્નિસંસ્કાર તો કરવો જ પડે કેમ કે એમનું બીજું કોઈ નહોતું એટલે ગામલોકો બધી વિધિ પતાવીને પાછા હવેલી પર આવ્યા.‘‘રવિભાઈ,” કાન્તિભાઈએ સ્મશાનેથી આવીને કહ્યું, “આજે રાત્રે તમે ને બીજા પાંચેક જણ આવો, તો આપણે હવેલીએ જઈને અખુભાના કોઈ કાગળિયા હોય તો તપાસીએ.”‘‘ભલે કાન્તિભાઈ,” રવિભાઈએ કહ્યું ને બધા છૂટા પડ્યા.
રાત્રે કાન્તિભાઈની આગેવાનીમાં બધા હવેલીમાં અખુભાના રૂમમાં ગયા. એમના કબાટમાં આગળ જ થોડા કાગળ હતા એ એમણે હાથમાં લીધા. એક કાગળમાં એમણે લખેલું કે, “મને ભવિષ્યમાં કંઈ થાય તો મારી જમીન, હવેલી ને તમામ મિલકત હું ગામની સેવા માટે અર્પણ કરું છું. મારું તમામ હું દાનમાં આપું છું.”“રવિભાઈ,” કાન્તિભાઈ બોલ્યા, “અખુભા જો આટલા બધા સારા હતા તો આ રમલીના લફરામાં કેમ ફસાયા હશે?”
એટલી વારમાં તો હરિભાઈએ બીજી એક ફાઈલમાંથી એક લેબોરેટરીનો રિપોર્ટ શોધી કાઢ્યો ને બધાને બતાવ્યો- એમાં અખુભાનો મેડિકલ અહેવાલ હતોઃ શુક્રાણુ એકદમ ઓછા હોવાથી એ પિતા બની શકે એમ નથી! “એટલે જ અખુભાએ લગન નહીં કર્યા હોય.” હરિભાઈ બોલ્યા. “તો પછી રમલી જે ફરિયાદ કરે છે એ વાત તો સાવ ખોટી!” કાન્તિભાઈ બોલ્યા, “ હવે કાલે આપણે તપાસ કરવી પડશે.” બીજા દિવસે તપાસ શરૂ થઈ અને ત્રીજા દિવસે ગામમાં ફરી ધડાકો થયો -મંદિરનો પૂજારી રમેશ અને રમલી ગામ છોડીને ભાગી ગયાં હતાં! આખા ગામમાં નીરવ શાંતિ છવાઈ રહી! (શીર્ષકપંક્તિઃ હર્ષદ સોલંકી)