Vadodara

કોંગ્રેસના પૂર્વ પ્રમુખના ગુમ પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો

સાવલી : ત્રણ દિવસ અગાઉ સાવલી મંજુસર ગામે રહેતા માજી કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન વિજય સિંહ વાઘેલા નો ૨૨ વર્ષીય પુત્ર કુલદીપ સિંહ વાઘેલા અચાનક ગુમ થયો હતો ગુમ થવાના પગલે ભારે તર્કવિતર્ક ફેલાયા હતા. મંજુસર જીઆઇડીસી માં ચાલતા માટીકામની સાઇટ ઉપરથી રાત્રિના નવ વાગે પોતાની કાર બિનવારસી હાલતમાં મૂકીને યુવક ગુમ થયો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં શોધખોળ આદરી હતી અને ભાદરવા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. પોલીસ સહિતની વિવિધ ટીમો ગુમ થયેલ યુવકને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા પરંતુ યુવકનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. તેવામાં આજરોજ ઝૂમ કાલ ગામની સીમમાં આવેલ તળાવમાં ગુમ થયેલ કુલદીપસિંહ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ભાદરવા પોલીસે શબનો કબજો લઈને પી એમ કરાવવા અને મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. જ્યારે આશાસ્પદ યુવકના ગુમ થયા બાદ અચાનક મૃતદેહ મળતા ભારે સનસનાટી મચી ગઇ હતી અને મૃતકના પરિવારજનો ભારે આક્રંદ કરતા જોવા મળી રહ્યા હતા જ્યારે તાલુકાના રાજકીય-સામાજિક આગેવાનોના ટોળે ટોળા તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા જ્યારે હજુ પણ યુવકના ગુમ થવાની અને મોત બાબતે સમગ્ર તાલુકામાં તર્કવિતર્કો ફેલાઈ રહ્યા છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મોતનું ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું નથી.

Most Popular

To Top