નવી દિલ્હી: સ્વિસ કોર્ટે બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોમાંના એક એવા હિન્દુજા પરિવારના ચાર સભ્યોને ભારતમાંથી લાવવામાં આવેલા ઘરેલુ સહાયકો એટલે કે નોકરોનું શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યા છે અને તેમને ચારથી સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, કોર્ટે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દીધા છે. આ મામલો લેક જીનીવામાં હિન્દુજા પરિવારના બંગલાનો છે.
સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ સ્વિસ કોર્ટે પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ હિન્દુજાને 4.5 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમના પુત્ર અજય હિન્દુજા અને તેમની પત્ની નમ્રતા હિન્દુજાને ચાર-ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આ આદેશ સામે ચારેય આરોપીઓ ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે હિન્દુજા પરિવારના સભ્યો તેમના ઘરેલુ સહાયકોનું શોષણ કરવા અને તેમને નજીવા સ્વાસ્થ્ય લાભો આપવા માટે દોષિત છે. કોર્ટે એમ પણ કહ્યું કે હિંદુજા પરિવાર તેના કર્મચારીઓને તેમના કામ માટે જે પગાર ચૂકવી રહ્યો છે તે સ્વિત્ઝર્લેન્ડમાં આવી નોકરીઓ માટેના પગારના દસમા ભાગ કરતાં પણ ઓછો છે. જોકે, કોર્ટે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે નોકરો જાણતા હતા કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને તેઓ ત્યાં શું કરવાના છે.
નોકરોના પગાર કરતાં કૂતરા પાછળ વધુ ખર્ચ કરવાનો આરોપ
ફરિયાદ પક્ષે બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવાર પર તેમના ઘરેલુ સહાયકોના પાસપોર્ટ જપ્ત કરવાનો આરોપ મૂક્યો હતો. એવો પણ આરોપ હતો કે તેણે કર્મચારીના પગાર કરતાં તેના કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો હતો. વધુમાં કર્મચારીઓને સ્વિસ ફ્રેંકને બદલે રૂપિયામાં ચૂકવવામાં આવતા હતા.
હિન્દુજા પરિવારે કથિત રૂપે તેમના ઘરના નોકરોને બંગલો છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને લાંબા સમય સુધી કામ કરવા દબાણ કર્યું હતું. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે હિંદુજા પરિવારના સભ્યો દ્વારા નોકરોને રોજના 18 કલાક સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી જેમાં રજા આપવામાં આવી ન હતી.
હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ 20 અબજ ડોલર છે
હિંદુજા પરિવાર પર આરોપ છે કે તેઓ તેમના ઘરેલુ નોકરોને 18 કલાકના કામ માટે ભારતીય રૂપિયામાં માત્ર 6.19 ફ્રેંકની બરાબર ચૂકવણી કરે છે. તે જ સમયે પરિવારે તેમના પાલતુ કૂતરા પર વાર્ષિક 8554 ફ્રેંક ખર્ચ્યા છે. પ્રકાશ હિંદુજા અને કમલ હિંદુજા તેમની ઉંમર અને નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે કોર્ટમાં રૂબરૂ હાજર થયા ન હતા, જ્યારે કોર્ટે અજય હિંદુજા અને નમ્રતા હિંદુજાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
ભારતમાં મૂળિયા ધરાવતો હિન્દુજા પરિવાર 1980ના દાયકાના અંત ભાગમાં સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થયો હતો. હિન્દુજા ગ્રૂપ આઇટી, મીડિયા, વીજળી, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવે છે. ફોર્બ્સ અનુસાર હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ 20 અબજ ડોલર છે.