Columns

મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત વિશ્વના ભાવિ માટે બહુ મહત્ત્વપૂર્ણ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ રશિયાની મુલાકાતે ગયા છે. વડા પ્રધાન મોદીની રશિયા મુલાકાતના સમય અને ઉતાવળ પર સવાલો ઊઠી રહ્યા છે. સામાન્ય રીતે ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર પરિષદનું આયોજન મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે પરંતુ આ મુલાકાતની જાહેરાત ઘડિયાં લગ્નની જેમ છેક છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી. ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ દ્વિપક્ષીય હેતુ માટે નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. સામાન્ય શિરસ્તો એવો છે કે ભારતના વડા પ્રધાન શપથ ગ્રહણ કર્યા પછી પહેલાં ભૂતાનની મુલાકાતે જાય છે. આ વખતે વડા પ્રધાન મોદીએ એ શિરસ્તો તોડીને રશિયાની મુલાકાતે જવાનો નિર્ણય કર્યો છે.

કેટલાક સમયથી રશિયા તરફથી એવી ચિંતાઓ વધી રહી હતી કે ભારત રશિયા સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું નથી. મોસ્કોને લાગતું હતું કે ભારત અમેરિકાના દબાણમાં આવું કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની શરૂઆત થઈ હતી, તેથી નવી દિલ્હી માટે આવી આશંકાઓ દૂર કરવી જરૂરી હતી. મોદીની મોસ્કોની મુલાકાત વિશ્વને સ્પષ્ટ સંદેશ આપશે કે ભારતના વ્યૂહાત્મક ભાગીદારોમાં રશિયાનું આગવું સ્થાન છે અને તે સંબંધોને પ્રભાવિત કરવાના પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે. રશિયા સાથે ભારતના સંબંધો ખૂબ વ્યાપક છે.

વર્ષ ૨૦૦૦માં બંનેએ વ્યૂહાત્મક ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેને ૨૦૧૦માં સ્પેશ્યલ એન્ડ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં અપગ્રેડ કરવામાં આવી હતી. તેમની પાસે વાર્ષિક દ્વિપક્ષીય શિખર પરિષદની ગોઠવણ છે જે, બંને દેશો વચ્ચેના સહકારના સ્તરને પ્રગટ કરે છે. આવી સ્થિતિમાં પુતિન અને મોદી વચ્ચે યુક્રેન યુદ્ધ, સંરક્ષણ પુરવઠો, કનેક્ટિવિટી, ઊર્જા વેપાર, અંતરિક્ષ, પરમાણુ અને સાંસ્કૃતિક સહયોગ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. બંને દેશો ૨૦૨૧માં યોજાયેલી શિખર પરિષદમાં જ્યાં રોકાયા હતા ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ કરશે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી મોદી-પુતિનની આ પહેલી મુલાકાત છે. આ મુલાકાત યુક્રેન યુદ્ધના ભવિષ્ય અને વર્લ્ડ વોરની સંભાવના પર પ્રભાવ પાડનારી બની રહેશે.

ભારતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ અને યુદ્ધ દ્વારા વિવાદોનો ઉકેલ લાવી શકાય નહીં. જ્યાં સુધી યુદ્ધવિરામની વાત છે તો ભારત આ અંગે સજાગ છે. ભારતને એવું લાગતું નથી કે વર્તમાન વાતાવરણ યુદ્ધવિરામ માટે અનુકૂળ છે. અમેરિકાએ હજુ સુધી યુદ્ધવિરામનો વિષય ઉઠાવ્યો નથી. તેણે ગાઝામાં યુદ્ધવિરામની વાટાઘાટો શરૂ કરી છે પરંતુ યુક્રેનમાં આવા કોઈ પ્રયાસો કર્યા નથી. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદી યુક્રેન યુદ્ધની અસર અંગે ચર્ચા કરશે પરંતુ રશિયા પર યુદ્ધવિરામ કરવા માટે વિશેષ દબાણ કરશે નહીં.

INSTC (આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર) એ યુરેશિયન ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે જે ભારતને રશિયા અને મધ્ય એશિયાના દેશો સાથે જોડે છે. આ રૂટમાં મુખ્યત્વે ભારત , ઈરાન , અઝરબૈજાન અને રશિયન ફેડરેશનથી જહાજ, રેલ અને માર્ગ દ્વારા માલસામાનની હેરફેરનો સમાવેશ થાય છે. યુક્રેનમાં યુદ્ધની અસર INSTC પર પડી છે. અગાઉ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે ભારત INSTC દ્વારા યુરોપમાં પણ તેનાં ઉત્પાદનો મોકલશે પરંતુ હવે યુક્રેન-રશિયાના સંઘર્ષને કારણે આવી શક્યતા ઓછી થઈ ગઈ છે.

યુક્રેન યુદ્ધની એક અસર એ રહી છે કે ભારત સાથે રશિયાનો ઊર્જા વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે. આ લાંબા ગાળે ટકાઉ રહેશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી પરંતુ જો તે ચાલુ રહેશે તો INSTC ખૂબ જ ઉપયોગી થશે. તાજેતરમાં રશિયાએ INSTC દ્વારા ભારતને કોલસો મોકલ્યો હતો, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત ચાબહારને લઈને પણ ગંભીર છે. ભારત ચાબહારને INSTCનો ભાગ બનવા ઈચ્છે છે. આ ઉપરાંત ઈરાન રેલ-રોડ નેટવર્ક વિકસાવે તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આમાં એક સમસ્યા એ પણ છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ઈરાન પર ફરીથી દબાણ આવશે. ગૌણ પ્રતિબંધોથી બચવા માટે ભારતે અમેરિકા સાથે વાતચીત કરવી પડશે.

રશિયા અને ભારત વચ્ચે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર બંને તરફથી તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પહેલો મુદ્દો વેપાર ખાધ અને ભારત તરફથી ચૂકવણીનો છે. ગયા નાણાંકીય વર્ષમાં ભારતનો રશિયા સાથેનો વેપાર વધીને ૬૪ અબજ ડોલર થયો છે. ભારતની આયાત ૬૦ અબજ ડોલરની હતી, જ્યારે નિકાસ માત્ર ૪ અબજ ડોલરની હતી. બંને પક્ષો વચ્ચે વેપાર અસંતુલન મોટું છે. વધુમાં, રશિયા યુરો અથવા રેનમિન્બી જેવી કરન્સીમાં ચૂકવણીનો આગ્રહ રાખે છે, જ્યારે ભારત અહીંથી વધુ ઉત્પાદનો ખરીદવાનો અને રોકાણનો આગ્રહ રાખે છે. બીજો મહત્ત્વનો મુદ્દો રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે શસ્ત્રો અને સ્પેરપાર્ટ્સના સપ્લાયમાં વિલંબનો છે. ભારત રશિયા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનો આગ્રહ રાખશે. આ સિવાય INSTC અને વ્લાદિવોસ્તોક-ચેન્નઈ વચ્ચે દરિયાઈ જોડાણના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. અવકાશ અને પરમાણુ સહયોગ પર પણ વધુ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સાત દાયકા જૂના છે અને વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા છે. આખી દુનિયા પણ જાણે છે. સોવિયેત યુનિયન એ પહેલો દેશ હતો, જેની સાથે ભારતે આઝાદીના ચાર મહિના પછી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. નવેમ્બર ૧૯૫૫માં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો નવો યુગ શરૂ થયો, જે બાદ સોવિયત સંઘે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. ખાસ કરીને કાશ્મીર મુદ્દે. સોવિયેત સંઘે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની તરફેણમાં ઘણી વખત વીટોનો ઉપયોગ કર્યો હતો.

વર્ષ ૧૯૭૧માં ભારત મુસીબતોથી ઘેરાયેલું હતું. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ભારતે બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ યુદ્ધ દરમિયાન રશિયાએ ન માત્ર ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું પરંતુ સંરક્ષણ સહાય પણ આપી. ભારતને વિવિધ પ્રકારની સંરક્ષણ સામગ્રી અને યુદ્ધ સામગ્રી મોકલવામાં આવી હતી. રશિયાએ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ રાજકીય સમર્થન મેળવવાથી રોકવામાં પણ મદદ કરી હતી. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની નીતિનું સમર્થન કર્યું હતું.

એવું માનવામાં આવે છે કે ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની જીતમાં રશિયાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રશિયા અને ભારતના સંબંધોમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેના સારા સંબંધો પણ મહત્ત્વપૂર્ણ છે. બંને નેતાઓ છેલ્લાં દસ વર્ષમાં ૧૬ વખત મળ્યા છે. બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. યુક્રેનમાં યુદ્ધના કારણે વિક્ષેપમાં પડેલી મંત્રણા આ બેઠક સાથે ફરી શરૂ થવા જઈ રહી છે. આ પછી, બંને નેતાઓ ઓક્ટોબરમાં યોજાનારી બ્રિક્સ શિખર પરિષદ દરમિયાન ફરી મુલાકાત કરશે. આવી સ્થિતિમાં મોદીની આ મુલાકાતને રશિયા-ભારત સંબંધોમાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે.

મોસ્કોની મોદીની મુલાકાત એ રશિયાને ખાતરી આપવાનો પ્રયાસ છે કે બંને દેશો વચ્ચેના સંબંધો અકબંધ છે અને ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ૨૦૨૨ માં યુક્રેન પર હુમલો થયો ત્યારથી મોદીએ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર ઘણી વખત વાત કરી છે અને યુદ્ધ સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે. હવે રશિયામાં મોદી અને પુતિન વચ્ચે શું કરાર થાય છે તેના પર આખી દુનિયાની નજર છે. સંભવિત વર્લ્ડ વોરની પરિસ્થિતિ પર પણ આ મુલાકાતની અસર પડવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top