કેટલાંક ડૉક્ટરો અને ન્યુટ્રીશન નિષ્ણાંતો કહે છે કે ઇંડાં આરોગ્ય માટે લાભકારક છે કારણ કે તેમાં ચરબી, પ્રોટિન અને વિટામિન-ઇ ભરપૂર માત્રામાં મળે છે. ભારતમાં અને વિશ્વભરમાં પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ હવે મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં આવી ગયો છે, જેઓ ઇંડાંમાં પોષણ બાબતે લોભામણી જાહેરાતો આપીને પોતાનો ધંધો વધારવા પ્રયત્નશીલ રહે છે. આ કંપનીઓ પોતાનું વેચાણ વધારવા તબીબોને અને આરોગ્ય વિજ્ઞાનીઓને પણ સાધી લેતા હોય છે. તાજેતરમાં હોલિવૂડના કેટલાક જાણીતા કલાકારો દ્વારા ઇંડાં અને માંસાહારનાં દુષ્પરિણામોથી દુનિયાને સજાગ કરવા ‘વ્હોટ ધ હેલ્થ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે, જે ચર્ચાનો વિષય બની છે. આ જ કલાકારો દ્વારા ઇ.સ.૨૦૧૪માં કાઉસ્પીરસી નામની ફિલ્મ બનાવવામાં આવી હતી, જેમાં ગાયનાં માંસના ઉત્પાદન દ્વારા પર્યાવરણને અને માનવ આરોગ્યને કેટલું નુકસાન થાય છે? તે દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતાઓ પોતે વેગાન છે, માટે તેઓ માંસાહાર અને મત્સ્યાહાર ઉપરાંત ઇંડાં કે દૂધની કોઇ બનાવટો પણ વાપરતા નથી. વિશ્વભરમાં વેગાન લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે.
કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા નિયમિત ઇંડાં ખાનારા ૧,૨૦૦ લોકોનો સર્વે કરીને જાહેર કરવામાં આવ્યું હતું કે હૃદયને ધૂમ્રપાનથી જેટલું નુકસાન થાય છે તેટલું નુકસાન ઇંડાં ખાવાથી થાય છે, કારણ કે ઇંડાંના જર્દામાં કોલેસ્ટરોલ હોય છે, જે લોહીનું વહન કરતી ધમનીની દિવાલને સાંકડી બનાવે છે, જેને કારણે હાર્ટ એટેક આવે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન કહે છે કે મનુષ્ય રોજનું ૩૦૦ મિલિગ્રામ કરતાં વધુ કોલેસ્ટરોલ ખોરાકમાં લે તો તેને હૃદય રોગનો હુમલો આવવાની સંભાવના વધી જાય છે. હવે એક ઇંડાંમાં જ ૧૮૫ મિલિગ્રામ જેટલું કોલેસ્ટરોલ હોય છે. ઇંડાં ખાનારા બીજો કોલેસ્ટરોલયુક્ત આહાર પણ લેતા હોવાથી તેમનું જોખમ વધી જાય છે. આજે બજારમાં જેટલાં ઇંડાં મળે છે તે બધાં પોલ્ટ્રી ફાર્મમાં પેદા કરવામાં આવતાં હોય છે. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ ચેપી રોગનો ભોગ ન બની જાય તે માટે તેમને જાતજાતની એન્ટિબાયોટિક દવાનાં ઇન્જેક્શનો આપવામાં આવતાં હોય છે. વળી ઇંડાંનું ઉત્પાદન વધારવા મરઘીને હોર્મોનનાં ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. આ બધાં કેમિકલ્સ ઇંડાંમાં પ્રવેશી જાય છે. ઇંડાં ખાનારા આ કેમિકલ્સની હાનિકારક અસરોથી બચી શકતા નથી. ઇંડાં ખાનારાને બર્ડ ફ્લૂ થવાની સંભાવના પણ રહે છે.
હોલિવૂડના નિર્માતા કીપ એન્ડરસને ત્રણ વર્ષ પહેલાં બનાવેલી કાઉસ્પરસી નામની ફિલ્મને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડો મળ્યા હતા. આ ફિલ્મનો હેતુ અમેરિકામાં વધી રહેલા હૃદયરોગ અને કેન્સર જેવા જીવલેણ રોગોનાં કારણો જાણવાનો હતો. કીપ એન્ડરસનને જાણવા મળ્યું કે અમેરિકાની મીટ ઇન્ડસ્ટ્રી, પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી અને ડેરી ઇન્ડસ્ટ્રી પ્રજાના આરોગ્યના સૌથી મોટા દુશ્મનોની ભૂમિકા ભજવી રહી છે. ફેક્ટરીની જેમ ફાર્મમાં માંસના ઉત્પાદન માટે ઉછેરવામાં આવતી ગાયો, પોલ્ટ્રી ફાર્મમાં યાંત્રિક ઢબે ઉછેરવામાં આવતાં ચિકન અને તેમનાં ઇંડાં તેમ જ ડેરી ઉદ્યોગમાં હોર્મોનનાં ઇન્જેક્શનો આપીને મેળવવામાં આવતું સંકર ગાયનું દૂધ જીવલેણ રોગોનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગો મલ્ટિનેશનલ કોર્પોરેશનો દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ રાજકારણીઓને ચૂંટણી લડવા માટે કરોડો ડોલરનું ફંડ આપે છે, માટે અમેરિકાની સરકારનું આરોગ્ય ખાતું પણ તેમનાં કૌભાંડો છાવરે છે.
ભારતમાં આજે પોલ્ટ્રી ફાર્મના ઉદ્યોગનો જે વિકાસ થયો છે તે યુરોપ અને અમેરિકાના ‘ફેક્ટરી ફાર્મિંગ’ ઉપરથી જ પ્રેરણા લઇને થયો છે. ઇંડાં અને મરઘાઓ પેદા કરવા માટે જે આશરે ૨૫,૦૦૦ પોલ્ટ્રી ફાર્મ સ્થાપવામાં આવ્યાં છે તેને સરકાર તરફથી અનેક સબસિડીઓ અને રાહતો આપવામાં આવે છે. ભારતનાં પોલ્ટ્રી ફાર્મમાં પણ મરઘીઓ જલદી પુખ્ત બને તે માટે તેમને અનેક એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે. મરઘીમાં જંતુનાશક દવાઓની બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ ત્રણ PPM (પાર્ટ્સ પર મિલિયન) જેટલું છે. ભારતની મરઘીઓમાં આ ધોરણના પાંચ ગણી કરતાં વધુ એન્ટિબાયોટિક દવાઓ જોવા મળે છે. ભારતના પોલ્ટ્રી ફાર્મ્સ તો ગંદકીથી ખદબદતાં હોય છે. અહીં એકાદ એકર જેટલી ઓછી જમીનમાં ૧૦-૧૨ હજાર પક્ષીઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. આ પિંજરાઓમાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો ન હોવાને કારણે ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેક્ટેરિયા પેદા થાય છે. આ પક્ષીઓ માણસમાં અનેક ચેપી રોગોના વાહક બને છે. આ ગંદકી વચ્ચે પેદા થનારાં ઇંડાં અને ચિકન ખાનારા જીવલેણ રોગોનો ભોગ બને તો તેમાં કોઇ આશ્ચર્ય નથી.
વ્હોટ ધ હેલ્થ દસ્તાવેજી ફિલ્મમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોમાંસનું ઉત્પાદન અને વિતરણ કરતી કંપનીઓ, ડેરી ઉદ્યોગ અને પોલ્ટ્રી ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે મળીને અમેરિકન પ્રજાના આરોગ્યનું સત્યાનાશ કાઢીને તેમાંથી કમાણી કરે છે. આ કંપનીઓ દ્વારા નામાંકિત વિજ્ઞાનીઓને કરોડો ડોલરની સ્કિલરશિપ આપીને તેમની પાસે હેવાલો તૈયાર કરાવડાવાય છે કે માંસાહાર અને ઇંડાંનો આહાર આરોગ્ય માટે સલામત છે. આ પદાર્થોના સેવનથી પ્રજાને જીવલેણ રોગો થાય અને કંપનીઓને કોર્ટમાં ઘસડી જવામાં આવે ત્યારે તેમનો બચાવ કરવા જાણીતા વકીલો તૈયાર હોય છે. એટલે સુધી કે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી બિનસરકારી સંસ્થાઓને પણ આ કંપનીઓએ ખરીદી લીધી હોય છે, માટે તેઓ આરોગ્યના નુકસાન બાબતમાં વિરોધ કરતી નથી. વ્હોટ ધ હેલ્થ જેવી દસ્તાવેજી ફિલ્મો જોઇને અમેરિકાના કરોડો નાગરિકો માંસાહારનો ત્યાગ કરી ચૂક્યા છે.