નાનકડી જીયાએ રસોડામાં રોટલી બનાવતી મમ્મીને જઈને પૂછ્યું, ‘મમ્મી, ‘તૃપ્તિ’ એટલે શું?’ સીમા કામમાં હતી એટલે તેણે જીયાને કહ્યું, ‘જા બેટા, તારા પપ્પાને જઈને પૂછ.’ ગેલેરીમાં ચા ના કપ સાથે છાપું વાંચતા નિમેશ પાસે જઈને જીયાએ પૂછ્યું, ‘પપ્પા, મને કહો ને આ ‘તૃપ્તિ’ એટલે શું?’ નિમેશે હાથમાંનું છાપું બાજુ પર મૂકતાં કહ્યું, ‘અરે વાહ, મારી દીકરી જીયાને નવો શબ્દ ‘તૃપ્તિ’ આવડી ગયો અને તેનો અર્થ સમજવો છે પણ પહેલાં મને કહે કે તને આ શબ્દ કઈ રીતે મળ્યો?’
જીયાએ કહ્યું, ‘પપ્પા, આજે ઓનલાઈન ક્લાસમાં ટીચરે કહ્યું, તમને બધાને આમ ઓનલાઈન સરસ બનતા જોઇને મને તૃપ્તિ મળે છે.પપ્પા, મને કંઈ સમજણ ન પડી. તેઓ દૂર તેમના ઘરે છે અને અમે બધા પોતપોતાના ઘરે અને મોબાઈલ ફોન દ્વારા કોઈ તેમને કંઈ આપી શકે નહિ તો પછી તેમને તૃપ્તિ મળી કઈ રીતે અને કોણે આપી? કેવી રીતે આપી?’
જીયાની વાત સાંભળી પપ્પા હસ્યા અને સમજાવતા બોલ્યા, ‘બેટા, આ કપરી પરિસ્થિતિમાં પણ તમે બધા ઘરના સુરક્ષિત વાતાવરણમાં ઓનલાઈન ભણો છો અને એટલે તમારા ભણતરને કોઈ નુકસાન થતું નથી તેથી તેમને જે આનંદ અને ખુશી ભરેલા સંતોષનો અનુભવ થાય છે.’ જીયાને બહુ કંઈ સમજ ન પડી. તે તેના મોઢા પરથી જ સમજાઈ ગયું.નિમેશે પાસે બેસાડતાં કહ્યું, ‘બેટા, ન સમજાયું? જો મમ્મી શું કરે છે?’ જીયાએ કહ્યું, ‘રસોડામાં રોટલી કરે છે.’ નિમેશે આગળ કહ્યું, ‘બેટા, જો તારી મમ્મી આટલી ગરમીમાં પણ ગેસ પાસે ઊભી રહી આપણા બધા માટે જમવાનું બનાવે છે અને આપણા સ્વાદ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. વિચાર, તે આમ શા માટે કરે છે? કારણ કે આપણા પોતાનાને ખુશ જોઇને આપણા મનને એક શાંતિ મળે છે. એક સુખનો અનુભવ થાય છે. તેને તૃપ્તિ કહેવાય છે.’
જીયા સમજવાની કોશિશ કરી રહી હતી.મમ્મી સીમાએ કહ્યું, ‘બેટા કૈંક સમજાયું કે નહિ?’ નિમેશે કહ્યું, ‘હજી જીયા નાની છે, ધીમે ધીમે સમજી જશે.જિંદગી સ્વયં શબ્દોના અર્થ સમજાવે છે’ આ વાત કરી તેઓ બજાર ગયા.બજારમાં જીયાએ પપ્પાને કહ્યું, ‘મારે કેરી લેવી છે.’મમ્મીએ ના પાડી પપ્પાએ કહ્યું, ‘મારી દીકરીને ભાવે છે એટલે ચલ લઈએ.’ નિમેશ અને સીમા કેરી ખરીદી રહ્યાં હતાં ત્યારે જીયાની નજર થોડે દૂર ઊભેલા બે નાનાં ભાઈ-બહેન પર પડી. તેઓ લાલચભરી નજરે કેરીની લારી તરફ જોઈ રહ્યાં હતાં.જીયાએ પપ્પા પાસેથી બે કેરી લીધી અને પેલા બે નાના ભાઈ-બહેનને આપી. તેઓ ખુશ થઇ તરત કેરી ચૂસવા લાગ્યા.જીયાના મોઢા પર ખુશી હતી. તેણે મમ્મી પપ્પાને કહ્યું, ‘મને કેરી ખાધા વિના તૃપ્તિ મળી ગઈ અને તૃપ્તિનો અર્થ પણ બરાબર સમજાઈ ગયો.’આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.