2008ના મુંબઈ આતંકવાદી હુમલા પાછળના ચહેરાઓમાંથી એક તહવ્વુર રાણાએ ભારત લાવવામાં આવ્યા બાદ પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લાંબા સમયથી અમેરિકા, કેનેડા અને પાકિસ્તાન વચ્ચે સક્રિય રહેલા રાણાએ માત્ર તેની પૃષ્ઠભૂમિ વિશે જ નહીં પરંતુ ડેવિડ હેડલી અને લશ્કર-એ-તૈયબા સાથેના તેના સંબંધો વિશે પણ વિગતવાર માહિતી આપી છે.
તહવ્વુરે પૂછપરછ દરમિયાન કહ્યું, હું મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચિચાવતનીનો છું. મારા સ્વર્ગસ્થ પિતા, રાણા વલી મોહમ્મદ બી.એ. ગ્રેજ્યુએટ હતા અને ભારતના પંજાબ રાજ્યના જલંધરના નવાશહરના વતની હતા. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના પછી તેમણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સાહિવાલ જિલ્લાના ચિચાવતની ગામમાં તેમના પરિવાર સાથે સ્થાયી થવાનું નક્કી કર્યું હતું.
તેના નિવેદનમાં રાણાએ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ વ્યક્તિ હતો. તેણે કહ્યું કે ઈરાકના કુવૈત પરના આક્રમણ દરમિયાન તેને સાઉદી અરેબિયામાં ગુપ્ત મિશન પર પણ મોકલવામાં આવ્યો હતો જે પાકિસ્તાની લશ્કરી સ્થાપના માટે તેમનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે.
રાણાએ જણાવ્યું હતું કે તેણે ૧૯૮૬માં રાવલપિંડીની આર્મી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ તેને ક્વેટામાં કેપ્ટન (ડોક્ટર) તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે સિંધ, બલુચિસ્તાન, બહાવલપુર અને સિયાચીન-બાલોત્રા સેક્ટર સહિત પાકિસ્તાનના અનેક સંવેદનશીલ લશ્કરી વિસ્તારોમાં પણ સેવા આપી હતી.
16/11ના અન્ય કાવતરાખોરો સાથેના સંબંધો કબૂલ્યા હતા
પૂછપરછ દરમિયાન રાણાએ અબ્દુલ રહેમાન પાશા, સાજિદ મીર અને મેજર ઇકબાલને ઓળખતો હોવાનું પણ કબૂલ્યું હતું. ત્રણેય પાકિસ્તાની નાગરિક છે અને 26/11ના મુંબઈ હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. રાણા હિન્દી, અંગ્રેજી, અરબી અને પશ્તો જેવી ઘણી ભાષાઓ જાણે છે.
હેડલી અંગે ઘણા ખુલાસા કર્યા
ક્રાઈમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં રાણાએ ડેવિડ હેડલી વિશે પણ ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે ૨૦૦૩ થી ૨૦૦૪ દરમિયાન હેડલીએ લશ્કર-એ-તૈયબા સાથે ત્રણ તાલીમ અભ્યાસક્રમોમાં ભાગ લીધો હતો જોકે તેને બધા અભ્યાસક્રમોના નામ યાદ નથી. મુંબઈમાં પહેલું ઈમિગ્રેશન સેન્ટર ખોલવાનો વિચાર કોનો હતો તે અંગે પૂછવામાં આવતા રાણાએ દાવો કર્યો હતો કે તે સંપૂર્ણપણે તેનો પોતાનો વિચાર હતો, હેડલીનો નહીં. હેડલીને મોકલવામાં આવેલા પૈસા અંગે રાણાએ કહ્યું હતું કે આ રકમ વ્યવસાયિક ખર્ચ તરીકે મોકલવામાં આવી હતી. રાણાએ એ પણ સ્વીકાર્યું હતું કે મુંબઈમાં ઓફિસ હોવા છતાં ગ્રાહકો મેળવવામાં પડકારો હતા.
મુંબઈ હુમલામાં કોણ કોણ સામેલ હતું?
રાણાએ કહ્યું હું જાણું છું કે મેજર ઈકબાલની પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. હેડલીએ અબ્દુલ રહેમાન પાશા સાથે મારી મુલાકાત ગોઠવી હતી. રાજારામ રેગે વિશે પૂછવામાં આવ્યું ત્યારે, જેનો ડેવિડે ઉલ્લેખ કર્યો હતો મેં તેમને કહ્યું કે તે લાંચ માંગી રહ્યો હતો પરંતુ કયા હેતુ માટે કહ્યું નહીં. જ્યારે મને મેજર ઈકબાલનું ઈમેલ આઈડી મોકલવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં કોઈ કારણ આપ્યું નહીં અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. જ્યારે હેડલીએ યુએસ ઈન્ડિયન એમ્બેસીમાં સબમિટ કરેલા વિઝા ફોર્મમાં ખોટી માહિતી આપી તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે તે દૂતાવાસની ભૂલ હતી તેઓએ તપાસ કરવી જોઈતી હતી.
હાફિઝ સઈદ વિશે પણ ખુલાસો કર્યો
તેણે જણાવ્યું કે જ્યારે હેડલીએ મને મુંબઈમાં ઉતરાણ સ્થળો વિશે માહિતી આપી તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે મેં તેનો ઇનકાર કર્યો. જ્યારે હાફિઝ સઈદને મળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ હું જાણું છું કે લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જેહાદ અને જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો છે. ભારતના બશીર શેખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં તેને કહ્યું કે તે મને કેનેડામાં મળ્યો હતો અને હેડલીને મુંબઈમાં રહેવા માટે જગ્યા શોધવામાં મદદ કરી હતી.