ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના રોયલ મની એન્ડ ફાયનાન્સના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોનધારકોના નામે લાખો રૂપિયા લોન લઈને રફુચક્કર થઇ ગયા હતા. ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાયનાન્સના સંચાલક દ્વારા પર્સનલ અને બિઝનેસ લોન આપવાનું કામ કરી રહ્યા હતા. જરૂરિયાતમંદો તેમના આધારકાર્ડ અને પાનકાર્ડ આપી લોન લેતા હતા. આ કંપની ૩૦થી ૪૦ હજારની લોન આપતી હતી. લોનના બદલામાં લોકો કંપનીમાં હપ્તા પણ ભરી રહ્યા હતા.
હાલમાં આઈડીએફસી બેંક તરફથી તેમના લોનના હપ્તા ભરવાની નોટિસ મળતાં લોનધારકો જોઇને ચોંકી ઊઠ્યા હતા. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી કીમની રોયલ મની એન્ડ ફાયનાન્સમાંથી લોન લેવામાં આવી હતી. લોનધારકોએ કંપનીની અંકલેશ્વર સ્થિત ઓફિસે હોબાળો મચાવ્યો હતો, પણ સંચાલક ફરાર થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસમથકે લઇ ગઈ હતી. હાલ તો પોલીસ સ્ટેશનમાં ૭ જેટલા લોનધારકોએ પોલીસમાં છેતરપિંડી અંગે અરજી આપી છે. પોલીસે કંપનીના સંચાલક અને તેમણે કેટલા રૂપિયાની લોન લીધી હતી અને કેટલા રૂપિયા લોનધારકોને આપ્યા હતા સહિતની બાબતો અંગે કર્મચારીઓની પૂછપરછ કરી માહિતી મેળવવાના પ્રયાસ આદર્યા છે.
લોનધારક મનીષા રાવલે જણાવ્યું હતું કે, અમને ૩૦ હજારની લોનની જરૂર પડતાં અમે રોયલ મની એન્ડ ફાઇનાન્સ લોન લેવા ગયા હતા. અમને કીમ લઇ ગયા હતા. જ્યાં અમારા નામે ૧.૫0 લાખની લોન લીધી હતી અને અમને ૩૦ હજાર આપ્યા હતા અને તેના અમે હપ્તા પણ ભરીએ છીએ. હાલમાં અમને કીમની ફાયનાન્સ કંપનીમાંથી હપ્તા ભરવાની નોટિસ આવતાં અમે છેતરપિંડી અંગે પોલીસને જાણ કરી છે.