સુરત: કોઈ પણ જાતના તબીબી પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટનું વેચાણ કરતા સુરતના લિંબાયત સંજયનગર વિસ્તારના મેડિકલ સ્ટોરના સંચાલકને સુરત એસઓજીએ પકડી પાડ્યો છે. નશાકારક સિરપ, ટેબ્લેટ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીને એવી બાતમી મળી હતી કે પુણા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે એસઓજી દ્વારા અલગ અલગ ટીમ બનાવી વોચ રાખ્યા બાદ પુરાવા એકત્ર કરી રેઈડ કરવામાં આવી હતી. દરોડા કાર્યવાહી દરમિયાન સંજયનગરના મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ થતા હોવાનો ખુલાસો થયો હતો.
એસઓજી પોલીસના જણાવ્યા અનુસાર ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર એસ.એસ.સાવલીયાને સાથે રાખીને સંજયનગર ઝુંપડપટ્ટીમાં ગલી નં. 37માં આવેલી શંકાસ્પદ દુકાન 2 હરીઓમ મેડિકલ સ્ટોર્સમાં રેઈડ કરવામાં આવી હતી. મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક આલોકકુમાર ચંદ્રાનંદ શાહ (રહે, ઘર નં- 71, દેવીદર્શન સોસાયટી બમરોલી રોડ પાંડેસરા સુરત)વાળા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કર્યું હતું, જેથી ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેઇડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્કીપ્શન વગર વેચાણ કરાતી REXON-T સિરપ બોટલ નંગ-68, ALPRAZOLAM TAB નંગ-1230 તથા ગર્ભપાતની ટેબ્લેટ નંગ 30 જેની કુલ કિંમત રૂપિયા 15,530 થાય છે તે કબ્જે લીધી હતી.
મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલા અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.