તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા અર્બન કો.ઓપરેટીવ બેંકના ડાયરેકટર નહીં બની શકે. આ ઉપરાંત ડાયરેકટર તરીકે નિમાયેલી વ્યકિત કોઇ અન્ય બેંક અથવા કંપનીમાં હોદ્દો નહીં સંભાળી શકે. ડાયરેકટરપદે નિમાયેલી વ્યકિત પર કોઇ ગુનો નોંધાયેલો નહીં હોવો જોઇએ તેમ જ મેનેજીંગ ડાયરેકટર અને ચીફ એકિઝકયુટીવ પદ માટે વ્યકિતનું ઇકોનોમિકસ, ફાઇનાન્સ અથવા બેંકિંગમાં ગ્રેજયુએટસ હોવું આવશ્યક રહેશે. 2020 માં કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા દેશમાંની 1482 કો.ઓપરેટિવ બેંકો અને 58 બહુ રાજય કો.ઓપરેટીવ બેંકો પર દેખરેખ રાખવાનો નિર્ણય લીધો હતો.
હવે રિઝર્વ બેંકે કો.ઓપરેટીવ બેંકોથી નેતાઓને દૂર રાખવાનો નિર્ણય લીધો છે. પી.એચ.સી. બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય અને ડિપોઝીટરોના હિતોનું રક્ષણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તે ખૂબ જ આવકારદાયક છે. આ નિર્ણયના અમલથી કો.ઓપરેટીવ બેંકોની બેંકિંગ પ્રણાલી વધુ શકિતશાળી, વધુ સંગીન અને વધુ સુરક્ષિત બનશે. બેંકોની કામગીરીમાં વધુ પારદર્શકતા આવવાથી થાપણદારોમાં બેંકો પ્રત્યેના વિશ્વાસમાં વધારો થશે.
પાલનપુર -મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.