સુરત : સુરત (Surat) મનપામાં એસઆરપીની (SRP) ટીમ આવ્યા બાદ કર્મચારીઓ પર હુમલાના બનાવો ઘટ્યા છે. પરંતુ સોમવારે નવસારી બજાર અને અમરોલીમાં દબાણો હટાવવા ગયેલી ટીમ પર માથાભારે દબાણકર્તાઓએ હુમલો કરતા મામલો ગરમાયો હતો. ગોપીતળાવ પાસે તો દબાણકર્તાઓએ દાદાગીરી કરી મનપાની ટીમે જપ્ત કરેલી લારીઓ મનપાના સ્ટાફ સાથે મારામારી કરી છોડાવી ગયા હતા તેમજ લારીઓ જપ્ત કરશો તો શરીરે પેટ્રોલ છાંટીને સળગી જઇશ એવી ધમકી આપી હતી, ઉપરાંત એક દબાણકર્તા ચોથા માળના ધાબા ઉપર ચઢી ગયો હતો અને કૂદી જવાની ધમકી આપતા મેલો ડ્રામા સર્જાયો હતો તેમજ પોલીસ બોલાવી મામલો કાબુમાં લેવો પડ્યો હતો.
સુરત મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને ગોપીતળાવને પુન:જીવિત કર્યું છે પરંતુ આસપાસના ન્યુસન્સને કારણે આ ઐતિહાસિક ધરોહરની મુલાકાતે શહેરનો ક્રીમ વર્ગ ઉદાસીન છે. ત્યારે સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ સોમવારે ગોપીતળાવના ગેટ પાસેના લારી-ગલ્લાના દબાણો હટાવવા પહોંચી ગયો હતો, ત્યારે કાર્યવાહી દરમિયાન રશીદ નામના દબાણકર્તાએ દાદાગીરી કરી દબાણખાતાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં રશીદે ટેમ્પો ઉપર ચઢાવેલી લારીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. તેમજ ટોળુ ભેગુ કરી મનપાના સ્ટાફને ઘેરી લીધો હતો. દરમિયાન મનપાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી
રશીદ નામના શખ્સે બોટલમાં પેટ્રોલ લઈને સળગી જવાની ધમકી આપી
રશીદ એક બોટલમાં પેટ્રોલ લઇને આવી અને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી ધમકી આપી હતી કે, તમે અહીંથી લારીઓ લઈ જશો તો હું સળગીને મરી જઇશ દરમિયાન પોલીસ આવી જતા રશીદ ગોપી તળાવના ગેટની બાજુમાં આવેલ ધાબા ઉપર ચઢી કૂદી જવાની ધમકી આપી હતી. જો કે પોલીસે મામલો થાળે પાડયો હતો તેમજ રશીદ સામે કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી.