Columns

માલેગામ બ્લાસ્ટ કેસ હિન્દુઓને આતંકવાદી સાબિત કરવા માટે ઉપજાવી કાઢવામાં આવ્યો હતો

ઈસ્લામમાં જેમ આતંકવાદને જિહાદનું નામ આપીને ધાર્મિક માન્યતા આપવામાં આવી છે, તેવી કોઈ માન્યતા હિન્દુ સંસ્કૃતિમાં નથી, કારણ કે હિન્દુ પ્રજા મૂળભૂત રીતે શાંતિપ્રિય પ્રજા છે. કોંગ્રેસના રાજમાં કેટલાક હિન્દુ સંગઠનોને આતંકવાદી જાહેર કરવા દ્વારા હિન્દુ આતંકવાદની કથા ઉપજાવી કાઢવામાં આવી હતી. ૨૦૦૦ના દાયકામાં માલેગામ બોમ્બ બ્લાસ્ટ અને સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટ જેવી કેટલીક ઘટનાઓ બની હતી, જેમાં મુસ્લિમ કોમને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.

સ્વાભાવિક રીતે આ કેસોમાં શંકાની સોય કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો તરફ તાકવામાં આવી હતી, જેઓ યુવાનોમાં સ્વદેશાભિમાન જાગ્રત કરવાનું કામ કરતા હતા. માલેગામ બ્લાસ્ટ કેસમાં તો પ્રખર હિન્દુત્ત્વ માટે જાણીતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને મુખ્ય આરોપી બનાવીને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યાં હતાં. હવે ૧૭ વર્ષ પછી માલેગામ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો છે, જેમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદાથી પુરવાર થઈ ગયું છે કે હિન્દુ આતંકવાદ માત્ર કપોળકલ્પના છે.

મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ એક મસ્જિદ પાસે પાર્ક કરેલી મોટરસાઇકલોમાં રાખેલા વિસ્ફોટકોમાં ધડાકો થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા સૌથી વધુ ચર્ચિત આરોપી હતાં. સાધ્વી પ્રજ્ઞાને જેલમાં પૂર્યાં પછી ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેઓ ભોપાલથી લોકસભાની ચૂંટણી જીતી પણ ગયાં હતાં.

આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ કેસની તપાસ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ ૨૦૧૧ માં તેની તપાસની જવાબદારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવામાં આવી હતી. ફરિયાદ પક્ષે ૩૨૩ સાક્ષીઓની પૂછપરછ કરી હતી, જેમાંથી ૩૭ સાક્ષીઓ નિવેદન આપીને ફરી ગયા હતા.

મહારાષ્ટ્રના માલેગાંવમાં અંજુમન ચોક અને ભિક્કુ ચોક વચ્ચે શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટની સામે ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ રાત્રે ૯:૩૫ વાગ્યે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં એક મોટરસાઇકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIAના રિપોર્ટ મુજબ આ મોટરસાઇકલ પ્રજ્ઞા ઠાકુરના નામે હતી. મહારાષ્ટ્ર એટીએસે હેમંત કરકરેના નેતૃત્વમાં તેની તપાસ કરી અને તે નિષ્કર્ષ પર પહોંચ્યા કે તે મોટરસાઇકલના તાર ગુજરાતના સુરત શહેર અને અંતે પ્રજ્ઞા ઠાકુર સાથે જોડાયેલા હતા. પ્રજ્ઞા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સભ્ય રહી ચૂકી છે. પોલીસે પુણે, નાસિક, ભોપાલ અને ઇન્દોરમાં તપાસ હાથ ધરી હતી. એક સૈન્ય અધિકારી કર્નલ પ્રસાદ પુરોહિત અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આમાં હિન્દુ સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું અને તેની સાથે સુધાકર દ્વિવેદી ઉર્ફે દયાનંદ પાંડેનું નામ પણ સામે આવ્યું હતું.

એટીએસની ચાર્જશીટ મુજબ પ્રજ્ઞા ઠાકુર સામે સૌથી મોટો પુરાવો એ હતો કે મોટરસાઇકલ તેમના નામે હતી. આ પછી પ્રજ્ઞાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (MCOCA) લાદવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને મેજર રમેશ ઉપાધ્યાય અને લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત વચ્ચેની વાતચીત મળી જેમાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુરની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાદમાં તપાસ ATS પાસેથી NIAને સોંપવામાં આવી હતી.

NIA ચાર્જશીટમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. માલેગાંવ વિસ્ફોટની તપાસમાં સૌ પ્રથમ ૨૦૦૯ અને ૨૦૧૧ માં મહારાષ્ટ્ર ATS એ સ્પેશિયલ MCOCA કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ૧૪ આરોપીઓનાં નામ નોંધ્યા હતાં, જ્યારે NIA એ મે ૨૦૧૬માં તેનો અંતિમ અહેવાલ રજૂ કર્યો ત્યારે તેમાં ૧૦ આરોપીઓનાં નામ હતાં. આ ચાર્જશીટમાં પ્રજ્ઞા સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં. સાધ્વી પ્રજ્ઞા પર લાદવામાં આવેલ MCOCA દૂર કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર પર કરકરેની તપાસ અસંગત હતી. એવું લખવામાં આવ્યું હતું કે ચાર્જશીટમાં ઉલ્લેખિત મોટરસાયકલ પ્રજ્ઞાના નામે હતી, પરંતુ માલેગાંવ વિસ્ફોટના બે વર્ષ પહેલાથી કાલસાંગરા તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

પ્રજ્ઞા ઠાકુરને જામીન મળ્યા પણ તેમની સામેનો કેસ ચાલુ રહ્યો હતો. બાદમાં તેમણે ૨૦૧૯માં ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી. ભોપાલથી ચૂંટણી લડતી વખતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માલેગાંવ વિસ્ફોટોમાં તેમના પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી.  ભાજપે આ બેઠક પરથી પ્રજ્ઞા ઠાકુરને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં તે વખતે કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મેદાનમાં ઊતાર્યા હતા. આ ચૂંટણી પહેલા કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

મહારાષ્ટ્ર ATS એ શરૂઆતમાં આ કેસની તપાસ કરી હતી. ATS ની તપાસમાં જાણવા મળ્યું કે સાધ્વી પ્રજ્ઞાની LML ફ્રીડમ બાઇકનો ઉપયોગ વિસ્ફોટકો વહન કરવા માટે કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત પર અભિનવ ભારત નામના જમણેરી જૂથ દ્વારા RDX નું આયોજન અને પ્રાપ્ત કરવાનો આરોપ હતો. જ્યારે NIA એ કેસની તપાસ સંભાળી ત્યારે ઘણા આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા. NIA ના મતે ATS તપાસમાં ઘણી ખામીઓ મળી આવી હતી પરંતુ UAPA કલમો યથાવત્ રાખવામાં આવી હતી.

માલેગામ બ્લાસ્ટ કેસનો ચુકાદો સંભળાવતી વખતે NIAની ખાસ કોર્ટના ન્યાયાધીશે નીચે મુજબા મુદ્દાઓને રેખાંકિત કર્યા હતા :
(૧) સરકારી પક્ષ સાબિત કરી શક્યો કે બોમ્બ ફૂટ્યો હતો, પરંતુ તે સાબિત કરી શક્યો નહીં કે બોમ્બ મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો હતો.
(૨) એવો દાવો કરવામાં આવ્યો હતો કે લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત કાશ્મીરથી RDX લાવ્યા હતા, પરંતુ કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. એ પણ સાબિત થઈ શક્યું ન હતું કે પુરોહિતે પોતાના ઘરે બોમ્બ તૈયાર કર્યો હતો.
(૩) રમઝાનને કારણે તે સમયે આ વિસ્તાર બંધ હતો અને મોટરસાઇકલ ત્યાં કેવી રીતે પહોંચી તે સ્પષ્ટ નહોતું.
(૪) એવું કહેવામાં આવ્યું હતું કે કાવતરું ઘડવા માટે ઇન્દોર, ઉજ્જૈન અને નાસિક જેવા સ્થળોએ બેઠકો યોજાઈ હતી, પરંતુ આવી બેઠકોના કોઈ વિશ્વસનીય પુરાવા કોર્ટમાં રજૂ કરી શકાયા નથી.
(૫) કોર્ટે એ પણ શોધી કાઢ્યું કે તપાસ અધિકારીઓએ ફોન રેકોર્ડની તપાસ કરવાની પરવાનગી લીધી ન હતી.

(૬) અભિનવ ભારત કેસમાં પુરોહિત, રાહિરકર અને ઉપાધ્યાય વચ્ચે નાણાંકીય વ્યવહારોના કેટલાક પુરાવા મળ્યા હતા, પરંતુ તે સાબિત થઈ શક્યું ન હતું કે આ નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થયો હતો.
(૭) ફરિયાદ પક્ષ પોતાના આરોપોને સાબિત કરવા માટે વિશ્વસનીય અને નક્કર પુરાવા રજૂ કરી શક્યો નહીં.
(૮) બધા પુરાવાઓને ધ્યાનમાં લેતાં કોર્ટે ઠરાવ્યું કે આરોપીને દોષિત ઠેરવવા માટે પૂરતા કાનૂની આધારો નથી.
(૯) તે એક ગંભીર ગુનો હતો, પરંતુ કોર્ટને ચુકાદો આપવા માટે નક્કર અને નિર્વિવાદ પુરાવાની જરૂર છે. શંકાનો લાભ આપીને બધા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top