‘બાવન ચૂરણ’ લખ્યું , એમાં મગજ ડહોળાવવાની જરૂર નથી. નહિ તો બાવનને બદલે ત્રેપન ચૂરણ થશે! મુદ્દાની વાત એ છે કે, બાવા બનના હૈ તો હિંદી બોલના પડતા હૈ, એમ હાસ્યકારને પણ ક્યારેક તો હળી કરવાની ઈચ્છા થાય ને દાદૂ..? જે હસવા-હસાવવાને રવાડે ચઢેલા છે, એને મંગળ શું કે અમંગળ શું? કાલે ઇતને સબ જાંબુ! ધૂળધોયા સોનું શોધે, એમ હાસ્યકાર ‘હાસ્ય’જ શોધવાનો! જ્યાં હસવાનું હોય ત્યાં કુટી પણ નાંખે, ને જ્યાં પોક મૂકીને કૂટવાનું હોય ત્યાં ‘લાફ્વા’પણ માંડે! થયું એવું કે, ખર્ચાળ ખાનગી શાળામાં ભણતા એક બાળકને ‘પર-ચુરણ’ શબ્દ વાંચવા આપ્યો. તો બંદાએ પરચુરણ વાંચવાને બદલે ‘બાવન-ચૂરણ’વાંચ્યું! જેના ઘરમાં પરચુરણને બદલે ચૂરણના ડબલાં જ વધારે પડ્યા હોય એ બીજું વાંચી પણ શું શકે..?
આ બાવન ચૂરણ ઉર્ફે પરચુરણનો જ્યારે જ્યારે વેધ ભરાય છે ત્યારે પાંપણ ઉપર બચપણ હીંચકા ખાતું થઇ જાય બોસ! પરચુરણ એટલે બચપણની મીઠી સ્મૃતિ! કોઈને યાદ હોય તો, પરચુરણમાં એક કાણાંવાળો પૈસો આવતો. કાણાંવાળા પૈસાનો એ છેલ્લો અવતાર, ત્યાર પછી કાણાંવાળું ચિલ્લર મારા જોવામાં આવ્યું નથી! એમાં કઈ જીવાત પડી કે, હજુ સુધી કોઈ કાણાવાળા પૈસા પેદા થયા નથી. ઘૂંટણ-કમર-છાતી કે બરડો દુખે તો કાણાંવાળા પટ્ટાની મહોર લગાવે, એમ કાણાંવાળા પૈસાનો અમે કમ્મરે પટ્ટો બનાવીને પહેરતા. એનાથી અમારો કોઠો સાફ રહેતો એવું નહિ, પણ એક ફેશન! બાલ્યાવસ્થા એટલે એને કમર નહિ કહેવાય, ‘કમરી’ જ કહેવાય! એટલે કાણાંવાળા પૈસા ઓછા વપરાતા, આજે તો ‘કમરા’ જ એવા મોટા કે, મહોલ્લાના કાણાંવાળા પૈસા ભેગા કરીએ તો પણ ‘કમર-પટ્ટા’ માટે માલ ઘટે! એવા મલ્લ કમરા!
પરચુરણની સાલ્લી શું જાહોજલાલી હતી..? ‘પાઈ’ની કિંમત સાઈકલનાં પૈંડાં જેવી, ને પૈસાની કિંમત બળદ-ગાડાનાં પૈંડાં જેવી કહેવાતી. એક પૈસામાં તો કોથળી ભરીને વસ્તુ આવતી, આજે કોથળા ભરીને પૈસા લઇ જાઓ તો ખીસ્સામાં સમાય એટલી પણ વસ્તુ નહિ આવે. પરચુરણથી માણસ અને ગલ્લો ભર્યોભાદર્યો રહેતો. આ પરચુરણ ક્યાં ઘસડાઈ ગયું એનો કોઈ અતો-પતો નથી. મેળામાં છોકરું ખોવાઈ જાય ને મા હાંફળીફાંફળી બની જાય, એમ બજારમાંથી પરચુરણ ગુમ થઇ ગયું છતાં કોઈ પોક મૂકીને રડતું નથી કે, ‘ક્યાં ખોવાણું પરચુરણ મારું, કોઈ તો પાછું આપો.!’
જેમ ભગવાનનું અસ્તિત્વ છે એ નક્કર વાત છે પણ દેખાતા નથી. એમ પરચુરણનું અસ્તિત્વ છે, પણ દેખાતું નથી. ભૂકંપ આવે ને મોટી મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વતો રસાતાળ થઇ જાય ને દરિયો ખાબોચિયું બની જાય એમ, આખેઆખું પરચુરણ છુમંતર થઇ ગયું મામૂ! પેલો પાઈ પૈસો ને પાવલી તો હવામાં જ ઓગળી ગઈ. વસ્તીવધારા ઉપર કાતર ફરી વળે એમ, પરચુરણ ઉપર ‘હેવી રોલર’ ફરી વળ્યું. પરચુરણ જોવું હોય તો, બેંક અગર ભિખારી સાથે ભાઈબંધી કરવી પડે! અથવા તો મંદિરના હવાલે જવું પડે!
અહલ્યાની શલ્યા થઇ ગઈ એવી ઘટના બની. યાદ છે ને, મહર્ષિ ગૌતમની પત્ની અહલ્યા શાપગ્રસ્ત થઈને શલ્યા બની ગયેલાં. એમ પરચુરણ પણ શાપિત થઈને બરફ બની ગયું! કોઈ સમર્થ નેતાનો સ્પર્શ થાય તો જ પરચુરણનો ઉદ્ધાર થાય, એવું છે દાદૂ! જ્યારે જ્યારે કોઈ સિક્કો જોવામાં આવે ત્યારે ત્યારે બચપણ સામું તરી આવે. સાલી ચુરણ અને પરચુરણની કેવી બોલબાલા હતી..? આજે ચૂરણની જાહોજલાલી છે, એટલી પરચુરણની નથી. ઘર-ઘરમાંથી ચૂરણનાં ડબલાં નીકળે. પણ પરચુરણના ઢગલા નહિ! આ સમય ‘નોટ’નો અને ‘વોટ’નો છે .! અસ્સલના વજનિયાની પણ આવી જ હાલત થઈ. અઢોળ-નવટાંક-પાશેર-અચ્છેર-શેર-મણ-ખાંડી જેવા માપો પણ દફન થઇ ગયા. આજની પેઢીને, આવા શબ્દો મહાભારતનાં પાત્રો જેવા લાગે તો નવાઈ નહિ !
ભારતના નકશામાંથી જેમ પ્રાંત-પ્રાંતનાં ઉઠમણાં થયાં એમ, એ વજનિયા (કાટલાં) નાં પણ ઉઠમણાં થયાં. પાઈ-પૈસો-વિસકો-આની-બેઆની-પાવલીના સિક્કાની માફક એ પણ ભોંયભેગા થયા. પાવલી તો એટલી મહાન હતી કે, ક્યારેક કોઈ માણસની ઓળખ પણ ‘પાવલી’થી થતી. એ પાવલી પણ ત્યકતા બની ગઈ. સિવાય કે, પૂજા-પાઠમાં ટકી હોય! આપણામાં કહેવત છે કે, ‘ચલણમાં ચાલે નહિ અને હું વરની ફુઈઈઈ!’એવી હાલત આની-બે આની ને પાવલીની બની બોસ! આજ-કાલ કકડતી અને કકળાવતી કાગદી ચલણ (નોટ) નો મહિમા છે. કાગદી ચલણમાં જેટલી સુંદરતા મઠારી છે, એટલું લક્ષ પરચુરણમાં અપાયું નથી.
કાગદી ચલણમાં તો જેવી જેની ‘કોટી’ તેવી તેની નોટ.! ‘પરચુરણ’ને ક્યારેય મોંઘાદાટ ‘ફેસિયલ’નસીબ થયા નથી. હનુમાન ચાલીસામાં કહ્યા પ્રમાણે, એમનો એક જ ધ્યેય કે, ‘‘નિજ મન મુકુર સુધારો’ શરીર નહિ! પાંચકાનો સિક્કો એના રૂપ-રંગમાં રંગાખુશ ને પાવલી, પાવલીમાં જીંગાલાલા! પાવલીને ખબર છે કે ફેસિયલ કરાવવાથી, હું આઠ આની કે રૂપિયો થવાની નથી. દુખિયારીના પાલવને છેડે બંધાયેલા રહીએ તો (પાવલી) ગુમાવવાની નોબત નહિ આવે! આ પરચુરણનો નેડો જ ભિખારીના વાટકા સાથે! કાગદી ચલણનું વલણ, અમીરોના પેટ સાથે! જ્યારથી પરચુરણ ગાયબ થયું ત્યારથી, રોડનો માણસ કરોડપતિ થવાની ખેવના રાખીને પરચુરણની જેમ જીવે છે. બોલ્લ્લ્લો..?
લાસ્ટ બોલ
આપણે ત્યાં બે કહેવત છે, બોલે તેનાં બોર વેચાય અને નવ બોલ્યામાં નવ ગુણ! પરચુરણ ખખડ્યું બહુ, પણ વેચાવાને બદલે ખોવાઈ ગયું અને નોટ ખખડી નહિ તો એનાં ગુણ તો વધ્યા જ સાથે એને નવ રંગ પણ હાંસિલ થયા! આને કહેવાય કળિયુગનો પ્રભાવ! ‘મીઠું બોલે એનું મધ પણ વેચાતું નથી ને કડવું બોલે એનું ઝેર પણ વેચાઈ જાય છે!
એના કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.