મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવીને સતત બીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે પહેલા બેટિંગ કરીને 253/7નો વિશાળ સ્કોર ઉભો કર્યો, જે વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સૌથી મોટો સ્કોર બની ગયો. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે શાનદાર ઇનિંગ રમીને મેચને રોમાંચક બનાવી દીધી હતી, પરંતુ છેલ્લી ઓવર્સમાં ભારતીય બોલરો અને ફિલ્ડરોના દમદાર પ્રદર્શનથી ભારતે જીત પોતાને નામે કરી હતી. ભારત તરફથી સંજુ સેમસને 42 બોલમાં 89 રનની ધૂંઆધાર ઇનિંગ રમી ટીમને મજબૂત શરૂઆત કરી હતી. તેણે 7 છગ્ગા ફટકારી વિરાટ કોહલીના નોકઆઉટ રેકોર્ડની બરાબરી પણ કરી. પરંતુ આ મેચમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ ખાસ ચર્ચામાં રહ્યા. આ ત્રિપુટીએ ઇંગ્લેન્ડના ફાઇનલમાં પહોંચવાના સપનાને અધૂરું રાખ્યું. જસપ્રીત બુમરાહે હાઇસ્કોરિંગ મેચમાં પણ શાનદાર બોલિંગ કરી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા. જ્યારે અન્ય બોલરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન આક્રમક બન્યા હતા, ત્યારે બુમરાહે 8.2ની ઇકોનોમી સાથે કસોટી જેવી બોલિંગ કરી. તેની 18મી ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ, જેમાં સેટ બેટ્સમેન જેકબ બેથલ સામે માત્ર 6 રન આપ્યા અને ચોક્કસ યોર્કરથી ઇંગ્લેન્ડની જીતની આશાઓને ઝટકો આપ્યો હતો.
અક્ષર પટેલે ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું. વિલ જેક્સ અને બેથલ વચ્ચેની 77 રનની જોખમી ભાગીદારી ભારત માટે ચિંતાજનક બની રહી હતી ત્યારે અક્ષરે બાઉન્ડ્રી પર અદ્ભુત કેચ ઝડપીને મેચ પલટી દીધી. અર્શદીપ સિંહના બોલ પર દોડતા દોડતા કેચ લઈને બાઉન્ડ્રી બહાર જતા પહેલાં તેણે બોલ શિવમ દુબેને આપ્યો, જેના કારણે વિકેટ મળી અને ઇંગ્લેન્ડ પર દબાણ વધ્યું. આ ઉપરાંત અક્ષરે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકનો પણ મહત્વપૂર્ણ કેચ ઝડપી ભારતને મોટી સફળતા અપાવી. હાર્દિક પંડ્યાએ પણ ઓલરાઉન્ડર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બેટિંગમાં તેણે અંતિમ ઓવર્સમાં ઝડપી 27 રન બનાવી ટીમનો સ્કોર 250 પાર પહોંચાડ્યો. તેની આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા અને તેની સ્ટ્રાઇક રેટ 225 રહી. બોલિંગમાં તેણે 4 ઓવરમાં 38 રન આપી એક વિકેટ લીધી. ખાસ કરીને તેની 19મી ઓવર નિર્ણાયક રહી, જેમાં તેણે માત્ર 9 રન આપ્યા અને સેમ કરનની વિકેટ લીધી. છેલ્લી ઓવરમાં બાઉન્ડ્રી પરથી કરેલા સટિક થ્રોથી જેકબ બેથલને રનઆઉટ કરીને તેણે ભારતની જીત પર મુહર મારી. આ રીતે ગુજરાતના ત્રણ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી ભારતે રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડને હરાવીને ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો હતો. હવે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર તારીખ 08-03-2026ના ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.