હાલમાં જ વર્તમાનપત્રમાં સમાચાર વાંચવામાં આવ્યા કે દૈનિક વેતન પર રોજગારી કરતી એક દીકરીના પિતાનો ભત્રીજો, એણે એક લાખ સાંઠ હજાર ઉછીના લીધેલ. જે આ રકમ ભરપાઇ ન કરી શકતા ઘર છોડી ભાગી ગયો. આ પૈસાની વસુલી માટે લેણદાર છોકરીના પિતા પાસે સતત ઉઘરાણી કરતા રહેતા. છોકરીના પિતાએ એના અન્ય પાંચ સગાં–સંબંધીઓ સાથે મળી એમની સલાહ મુજબ અલવરના રહેવાસી ઉમેદસિંહ સાથે વાતચીત કરી પત્નીના વિરોધ છતાં એની છોકરીનો ઉમેદસિંહ સાથે રૂપિયા ચાર લાખમાં સોદો કરી એ અંગે નોટરાઇઝ્ડ એગ્રીમેન્ટ કરી છોકરીના પિતા, ભત્રીજા અને અન્યોએ અંદરોઅંદર પૈસા વહેંચી લીધા.
છોકરીની નિશાળનાં શિક્ષિકાએ છોકરીની સતત ગેરહાજરી અંગે તપાસ કરતા ઘણા પ્રયત્નો પછી છોકરીના પિતા અને અન્ય સંબંધીઓએ ઉમેદસિંહ સાથે કરેલા સોદાની વિગત બહાર આવી. આ વાંચતાં વિચાર આવે છે કે સલામત અને પ્રગતિશીલ ગણાતા ગુજરાત રાજ્યમાં પણ નાનાં બાળકોનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસ ચોપડે ન નોંધાતા કે કોર્ટે ન ચઢતા આવા ઘણા કેસો થોડી ચર્ચા બાદ ભુલાઇ જતા હોય. છોકરીની શિક્ષિકા છોકરી અંગે તપાસ ન કરત તો કદાચ આ કેસ પણ બહાર ન આવત. આવા કેસો આપણી સામાજિક અને કાયદો અને ન્યાય વ્યવસ્થા વિષે પણ ઘણું કહી જાય છે. જરૂર છે લોક જાગૃતિની. છોકરીનાં શિક્ષિકાબહેન ધન્યવાદને પાત્ર છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મા-બાપોએ વર્તન સુધારવાની જરૂર
ભૂલને ત્યારે જ ભૂલ ગણવી જોઇએ જયારે તે બીજી વાર કરવામાં આવે. પહેલી વાર થાય, તેને શીખવા માટેનો અનુભવ ગણવો જોઈએ. એક વ્યક્તિ તરીકે આપણો વિકાસ આપણી નિષ્ફળતાઓ અને ભૂલો દ્વારા જ થાય છે.મોટામાં મોટી નિષ્ફળતાઓ પછી જ મોટામાં મોટો વિકાસ થાય છે. નિષ્ફળતા એ સફળતા તરફનો રાજમાર્ગ છે. સારાં માતાપિતા બાળકોની નિષ્ફળતાઓને બિરદાવે છે. બાળકો કંઇ પણ નવું કરવાની હિંમત દાખવે અને નિષ્ફળ જાય, ત્યારે તેમને બિરદાવી તેમની પ્રશંસા કરવી જોઈએ. તેમ કરવાથી તેમનામાં ભરપૂર વિશ્વાસ જાગશે અને તેમને આગળ વધવાની અને પોતાની ક્ષમતાઓનો વધુ બહોળો ઉપયોગ કરવાની પ્રેરણા મળશે.જયારે તેઓ ભૂલ કરે ત્યારે તેમાં શું ખોટું થયું તે શીખીને તેમાં આગળ વધવામાં તેમને મદદ કરવી જોઈએ.બાળકો સાથે કયારેય પણ નકારાત્મક, ટીકાત્મક ભાષા નહીં વાપરવી જોઈએ. બાળકોએ નહીં પણ તેમનાં માબાપોએ પોતાનું વર્તન સુધારવાની જરૂર.
સુરત – ડાહ્યાભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.