લગભગ પ્રત્યેક સમાજમાં હજુ આગલી પેઢીના લોકો જોવા મળશે. મોટે ભાગે આગલી પેઢીના લોકો શરીરથી સ્વસ્થ જોવા મળશે. મોટે ભાગનાં કામો આ લોકો જાતે જ કરી લેતા તથા ભોજન પણ સાદું જ રહેતું. આજે તો મહેમાન પધારે એટલે તેને હોટેલમાં જ ખાવા લઇ જવાના એ સામાન્ય થઇ ગયું છે. લારીગલ્લાનું ખાવાનું પણ સામાન્ય થઇ ગયું છે. હવે પછી જે નવી પેઢીનો જન્મ થઇ રહ્યો છે તેઓ આવા ભોજનથી પરિચિત થઇ ગયા છે. ઇંગ્લેન્ડના લેસ્ટરના એક લત્તામાંથી હું પસાર થાઉં છું ત્યાં ગુજરાતીમાં બોર્ડ પર લખેલું હતું કે અહીં દાળ, ભાત, શાક (કયું શાક તે પણ હતું) મળશે. આ બોર્ડ વાંચી મને આશ્ચર્ય થયું અને મને જાણવા મળ્યું કે, ઘણાં ઘરોમાં રસોઇ બનતી જ નથી તેથી લોકો આવાં સ્થળો પરથી સવાર- સાંજનું ખાવાનું મંગાવી લે છે.
આ સ્થિતિ ધીમે ધીમે ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. સાંજનું ભોજન તો હોટેલમાં જઇને જ લેવાનું. ઘણાં ઘરોમાં સાંજના ભોજન માટે હોટેલનો જ આધાર રખાતો હોય છે. અથાણાં, મરીમસાલા ઘરે તૈયાર થતાં નથી. પરંતુ બજારમાંથી જ લઇ લેવામાં આવે છે. કેટલાકની નોકરી જ એવી હોય છે કે નોકરીના સ્થળે ચાલતી કેન્ટીન જ તેનું કાયમનું રસોડું બની ગયું છે. આમ શરીરનો મૂળ આધાર ખોરાક, તે જ ભૂલાઇ ગયું અને માત્ર પેટ ભરવા માટે ખાવાનું બની ગયું. આ સ્થિતિ ભારતમાં લગભગ સર્વત્ર જોવા મળે છે અને પરિણામે લોકોના સ્વાસ્થ્યના ઘણા પ્રશ્નો વધી ગયા. આજની પેઢીએ ભોજન માટે જે છૂટછાટ લીધી છે તેનું પરિણામ સ્વાસ્થ્ય પર પડે જ છે પણ તે દેખાતું નથી. એક સુભાષિત કહે છે કે,
અર્થાગમો નિત્યમ્ અરોગિતા ચ પ્રિયા ચ ભર્યા પ્રિયવાદિની ચ!
વશ્ય શ્ચ પુત્ર: અર્થ કરી ચ વિદ્યા ષડ્એતાનિ સુખામિ મનુષ્ય લોકે!
મનુષ્ય લોકમાં છ સુખ મુખ્ય છે. 1. નિયમિત રીતે પૈસો મળતો રહે. 2. સ્વાસ્થ્ય ટનાટન હોય 3. પ્રિય બોલનારી પત્ની હોય 4. વશમાં રહેલો પુત્ર હોય 5. ઘર ચલાવવા જોઇતો પૈસો હોય તથા 6. પૈસો લાવી આપે તેવી કલા કે વિદ્યા હોય- મનુષ્ય લોકમાં આને પરમ સુખ કહેલું છે. આજે વ્યકિતએ વ્યકિતએ સ્વાસ્થ્યના પ્રશ્નો છે તેથી બધું હોવા છતાં જીવન કડવું બનતું ગયું- એક સુભાષિત છે કે
પુનર્વિતં પુનર્મિત્રં પુન ર્ભાર્યા પુનર્મ હિ:!
એતત્ સર્વ પુન: લભ્યં ન શરીરં તુ પુન: પુન:!!
ગયેલું ધન પાછું મળશે, ગયેલો મિત્ર પણ પાછો મળશે, ગયેલી પત્ની અને જમીન પણ પાછા મળશે. આ બધું પાછું મળી શકે છે પરંતુ ગયેલું શરીર અને તેનું સ્વાસ્થ્ય પાછા મળશે નહીં. (તેથી શરીરને સ્વસ્થ રાખે તેવી જીવનશૈલીમાં જીવો.)