Columns

એક પિતાની ખોટ

45 વર્ષના સફળ બિઝનેસમેન દર રવિવારે સવારે ફૂટબોલ ગ્રાઉન્ડમાં પહોંચી જાય અને જે બાળકો ફૂટબોલ રમતા હોય તે બધાને ચિયર કરે, કોઈ બાળકને મદદની જરૂર હોય તેને મદદ કરે, ટોવેલ આપે, તેના શૂઝની દોરી બાંધી આપે, તેને ઠંડુ પાણી આપે અને બસ તેને બિરદાવીને ફરી રમવા માટે મોકલે. આવું તેઓ દર રવિવારે કરે. એક દિવસ તેમની દીકરી સાથે આવી અને પછી ઘરે જતી વખતે તેણે પૂછ્યું, ‘પપ્પા, તમે રોજ અહીં શું કામ આવો છો? હું તો ફૂટબોલ રમતી નથી અને તમારા મિત્રના દીકરો-દીકરી પણ ફૂટબોલ રમતા નથી તો અહીં તમે કોના માટે આવો છો? અને શું તમારી પાસે એટલો બધો ફ્રી ટાઇમ છે કે તમે અહીં આવીને કોઈપણ છોકરાની બુટની દોરી બાંધો છો, પાણી આપો છો. તેને ચિયર કરો છો, તાળીઓ પાડો છો તેને સલાહ આપો છો ફૂટબોલમાં કેવી રીતે રમવું?’ 

ગાડી ચલાવતા પપ્પા થોડો સમય ચૂપ થઈ ગયા અને પછી એટલું જ ક્હ્યું, ‘દીકરી, આપણે ઘરે જઈને વાત કરીએ.’ ઘરે જઈને તેમણે પોતાના કબાટના ઉપરના ખાનામાંથી ફૂટબોલનું ટીશર્ટ, શુઝ નાના છોકરાના માપનાં કાઢ્યાં અને તે દીકરીને દેખાડતા કહ્યું, ‘જો આ બધા જ મારા જ કપડા છે. હું નાનો હતો તો ફૂટબોલ રમતો હતો પણ મારા પપ્પા હું જ્યારે નવ વર્ષનો હતો ને ત્યારે મૃત્યુ પામ્યા હતા. પછી હું જ્યારે પણ ફૂટબોલ મેચમાં ભાગ લેતો તો ગ્રાઉન્ડમાં પપ્પા દેખાતા નહીં બીજા બધા ખેલાડીઓના માતા-પિતા આવતા બધાના જ પપ્પા તેમને ચિયર કરતા, તેમને હેલ્પ કરતા, તેમની બુટની દોરી બાંધી આપતા અને હું ત્યાં ઉભો રહેતો… પણ હા, હું ક્યારેય એકલો નહોતો રહેતો.

કોઈને કોઈના પપ્પા આવીને મને પણ પાણી આપતા, મને પણ ભીનો ટુવાલ આપતા, મારા બૂટની દોરી પણ બાંધી આપતા એટલે મારા પપ્પાની ખોટ મને ઓછી લાગી. અને આ પિતાની હૂંફની જે ખોટ છે ને તે પૂરી કરવા માટે જ મારી ખોટ જે રીતે પૂરી થઈ તે રીતે અન્ય કોઈને એ ખોટ લાગતી હોય તો એ પૂરી થઈ જાય તેના માટે હું રોજ રવિવારે અહીં આવું છું અને દૂરથી જોઈ લઉં છું કે કયા બાળકોના માતા-પિતા આવ્યા છે અને કયા બાળકોના નથી આવ્યા અને જેના માતા-પિતા નથી આવ્યા હોતા તેમના વિશે પૂછપરછ કર્યા વિના બસ તેની પાસે જઈને અને તેના માટે તાળીઓ પાડું છું તેને ટુવાલ આપું છું, તેને પાણી આપું છું અને તેના શૂઝની દોરી બાંધી આપું છું.અને પપ્પાની ખોટ થોડીવાર માટે પૂરી કરવાની કોશિશ કરતો રહું છું.’ નાનકડી દીકરી આઇ લવ યુ પપ્પા કહીને તેમને ભેટી પડી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top