સુરત: પલસાણા ખાતે રહેતા રિક્ષા ચાલક યુવકને લોન અપાવવાની લાલચ આપી બે ભેજાબાજોએ 6.50 લાખની છેતરપિંડી કરી હતી. એક વ્યકિતએ 1.50 લાખ લોન કરાવી માત્ર લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે બીજાએ તો 5 લાખની લોન જાણ બહાર કરાવી લીધી હતી. લોન એજન્ટ પૈસા અને બે બાકી હપ્તા લેવા આવ્યો ત્યારે જ રિક્ષાચાલક યુવકને આ બાબતની જાણ થઈ હતી. ઉપરથી ભેજાબાજે થાય તે કરી લેવાની ધમકી આપતા યુવકે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- પલસાણાના રિક્ષા ચાલકના ઘરે લોન એજન્ટ પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેના નામે ગઠિયાઓએ 5 લાખની લોન લીધી છે
- રિક્ષામાં બેઠેલા એક પેસેન્જર થકી લોન એજન્ટનો સંપર્ક થયો હતો જેને પેટીએમમાંથી 1.50 લાખની લોન લઈ માત્ર 1 લાખ આપ્યા જ્યારે સુરજ નામના ગઠિયાએ વનકાર્ડ એપ્લીકેશનમાંથી તેના નામે 5 લાખની લોન લઇ નાણાં પચાવી પાડ્યા હતા
પલસાણા ખાતે આરાધના ડ્રીમમાં રહેતા 24 વર્ષીય ગોવિંદા શ્રવણ આહીર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને પોતાના પેસેન્જર હિતેન્દ્ર મિશ્રા હસ્તક લોન માટે સુરજ શૈલેન્દ્ર મિશ્રાનો સંપર્ક કર્યો હતો. સુરજે લોન કરાવી આપવાની લાલચ આપી ગોવિંદાનો આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ લીધા હતા અને અવિનાશ મૌર્યાનો સંપર્ક કરાવ્યો હતો. અવિનાશે લોન માટે ક્રિષ્ના મૌર્યાને કામ સોંપ્યું હતું. બાદમાં ક્રિષ્ણાએ પે-ટીમ મારફતે રૂ. 1.50 લાખની લોન કરાવી હતી. પરંતુ તેમાંથી માત્ર રૂ. 1 લાખ ગોવિંદાને આપ્યા હતા. જ્યારે સુરજે બારોબાર વનકાર્ડ એપ્લિકેશનમાંથી રૂ. 5 લાખની લોન કરાવી લીધી હતી. પરંતુ તેની ગોવિંદાને જાણ નહોતી.
ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં વનકાર્ડનો ક્લેકશન એજન્ટ ઉઘરાણીએ આવ્યો હતો અને તેને ગોવિંદના નામે રૂ. 5 લાખની લોન અને બે હપ્તા તથા વ્યાજ સાથે રૂ. રૂ. 5.70 લાખ ભરવાના છે એવું કહેતા લોન એજન્ટની વાત સાંભળીને ગોવિંદા ચોંકી ગયો હતો. જેથી ગોવિંદાએ સુરજ પાસે પૈસાની ઉઘરાણી કરી હતી પરંતુ સુરજ અને તેના પિતાએ તારાથી થાય તે કરી લે, મારે કોઇ પૈસા આપવાના નથી, બીજીવાર પૈસા માંગવા આવતો નહીં તેવી ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.