Business

ક્વીન એલિઝાબેથ-2નું જીવતા જગતિયું!!

ફેબ્રુઆરી, 2022માં હર મેજસ્ટી ક્વીન એલિઝાબેથ-2 રાજ સિંહાસન પાર પ્લેટિનમ જ્યુબિલી, એટલે કે સિત્તેર વર્ષની સેવાની ઉજવણી કરનાર પ્રથમ બ્રિટિશ રાજા બનશે. 6 ફેબ્રુઆરી, 1952ના રોજ જ્યારે ક્વીન એલિઝાબેથ 25 વર્ષના હતા ત્યારે સિંહાસન પર બેઠાં હતા. 95 વર્ષીય મહારાણી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનારી શાહી પરિવારની વ્યક્તિ બની ગયા છે. સમગ્ર વર્ષ દરમિયાન બ્રિટનનો રાજવી પરિવાર જૂન, 2022માં પ્લેટિનમ જ્યુબિલી સપ્તાહ સાથે સમાપ્ત થતા આ ઐતિહાસિક પ્રસંગને ઉજવવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા એક વર્ષ માટે દેશભરમાં પ્રવાસ કરશે. 2 જૂન, 2022થી 5 જૂન સુધી સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં સમુદાયો અને લોકોને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઉત્સવ મનાવવા માટે ભેગા થવાની તક પૂરી પાડશે. ચાર દિવસની ઉજવણીમાં જાહેર કાર્યક્રમો અને સમુદાયની પ્રવૃત્તિઓ, તેમજ રાણીની 70 વર્ષની સેવા પર પ્રતિબિંબિત રાષ્ટ્રીય ક્ષણોનો સમાવેશ થશે.

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ-2 આમ તો સ્વસ્થ છે, પણ બીજી બાજુ શાહી પરિવાર ઉજવણી માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે તેમનો સિક્રેટ પ્લાન લીક થઈ ગયો છે! આ પ્લાન મુજબ શાહી પરિવારે આ ઉજવણી સાથે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું જીવતા જગતિયું કરી નાખ્યું હોવાની વાતો બહાર આવી ગઈ છે! જી, હા, શાહી પરંપરા પ્રમાણે ક્વીન એલિઝાબેથ-2 નાં નિધન બાદ અંતિમસંસ્કારની તૈયારીઓનો સિક્રેટ પ્લાન લીક થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઈટ પોલિટિકો પર કેટલાક દસ્તાવેજો લીક થયા છે. આ દસ્તાવેજોમાં મહારાણીના નિધન પછીના કેટલાક કલાકો અને દિવસો બાદના મોટા સ્તરે થનારા કાર્યક્રમની યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે. મતલબ કે, ક્વીન એલિઝાબેથ-2 હજુ સ્વસ્થ હોવા છતાં તેમના નિધન પછીનો પ્લાન હમણાંથી જ તૈયાર કરી દેવાયો છે!

આ પ્લાન મુજબ ક્વીન એલિઝાબેથ-2ના નિધન બાદ 10 મિનિટની અંદર વ્હાઈટહોલના ધ્વજ અડધા ઝુકાવી દેવામાં આવશે. પ્રિન્સ ચાર્લ્સ ટીવી પર જનતાને સંબોધિત કરશે અને ત્યાર પછી પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના પ્રવાસે નીકળી જશે. આ દસ્તાવેજમાં એવું પણ લખ્યું છે કે, ક્વીન એલિઝાબેથ-2ના અંતિમસંસ્કારનો કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. ક્વીન એલિઝાબેથ-2 ને પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે. આ બધી બાબતોનો ઉલ્લેખ આ દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે! આ આખા પ્લાનને ‘ઓપરેશન લંડન બ્રિજ’ જેવું કોડ નેમ આપવામાં આવ્યું છે.

મજાની વાત તો એ છે કે, આપણે ત્યાં ઘણા પરિવારમાં વૃદ્ધ વડીલનું જીવતાં જગતિયું કરવામાં આવે છે. ઘણાં વડીલો એવું ઈચ્છે છે કે, મારાં મૃત્યુ પછી કોઈ કાંઈ નહીં કરે, એનાં કરતાં હું જીવતે જીવ મારી પાછળની ક્રિયાઓ પતાવી લઉં અને તેઓ જીવતા હોઈ ત્યાં જ નિધન પછીની ક્રિયાઓ કરાવી લે છે. આને આપણે જીવતા જગતિયું તરીકે ઓળખીએ છીએ. બ્રિટનના શાહી પરિવારે પણ લીક થયેલાં દસ્તાવેજો મુજબ ક્વીન એલિઝાબેથ-2નું જીવતા જગતિયું કરવાનું નક્કી કર્યું હોય એવો હોબાળો મચ્યો છે. આમ પણ આ શાહી પરિવારે વારંવાર વિવાદોમાં ચમકતો રહે છે. એવું કહેવાય છે કે, બ્રિટનના ટેબ્લોઇડ કલ્ચર માટે શાહી પરિવારે વારે તહેવારે મસાલો પૂરો પડતો રહે છે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ખાસ કરીને પ્રિન્સેસ ડાયના વખતે રોજ નવા વિવાદો બહાર આવતા હતાં. તમને યાદ હોય તો તાજેતરમાં પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન માર્ક પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં શાહી પરિવાર પર આક્ષેપો કરીને મોટા ખોરડાં વગોવ્યાં હતા.

આપણી વાત પર પાછા આવીયે તો, શાહી પરિવારના પ્લાન ‘ઓપરેશન લંડન બ્રિજ’ મુજબ, મહારાણી એલિઝાબેથ-2નાં મૃત્યુના દિવસને ‘ડી-ડે’ કહેવામાં આવશે. તેમના અંગત સચિવ વડા પ્રધાનને તેમના નિધન વિશે જાણ કરશે. આ પ્લાન લીક થઈ જતાં શાહી પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. બકિંગહામ પેલેસની નારાજગીને ધ્યાનમાં રાખીને સરકાર આ વિશે તપાસ કરાવશે એમાં બે મત નથી. લીક દસ્તાવેજોમાં મહારાણી એલિઝાબેથ-2 નાં મૃત્યુ પછી ટ્રાન્સપોર્ટ વિભાગની યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે ઇતિહાસમાં પહેલીવાર લંડન ખચોખચ ભરાઈ જશે. ટ્રેનો અને બસો ભરાઈ જશે. હોટલોમાં ખૂબ ભીડ રહેશે. આટલું જ નહીં, આજના ઇન્ટરનેટ જેટ વર્લ્ડને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયા પ્લાનને પણ અપડેટ કરવામાં આવ્યો છે.

રોયલ પરિવારની વેબસાઈટને સંપૂર્ણ રીતે બ્લેક કરવામાં આવશે. સરકારના મંત્રીઓ અને વિભાગોને સોશ્યલ મીડિયા સંદેશાઓ માટે પહેલા રાજનીતિક વિશેષજ્ઞોની રજા લેવી પડશે, જેનાંથી સંવેદનશીલ સમયમાં કોઈ પ્રકારની ગરબડ ન થાય. જ્યાં સુધી PM સંદેશ ન આપે ત્યાં સુધી કોઈપણ સાંસદ સાર્વજનિક નિવેદન આપી શકશે નહીં. એવું પણ કહેવાયું છે કે, બ્રિટનના વડા પ્રધાન શાહી પરિવાર પછી પ્રથમ વ્યક્તિ હશે, જેમની સાથે વાત શેર કરવામાં આવશે. મહારાણી એલિઝાબેથ-2ને તેમના મૃત્યુના કલાક પછી ગન સેલ્યૂટ આપવામાં આવશે. શાહી પરિવાર મીડિયા મારફત સત્તાવાર માહિતી આપશે કે રાણીના અંતિમસંસ્કાર વેસ્ટમિન્સ્ટર એબ્બે ખાતે થશે. અંતિમસંસ્કાર પહેલાં ત્રણ દિવસ સુધી પાર્થિવદેહ સંસદમાં રહેશે, જેથી સામાન્ય લોકો શ્રદ્ધાંજલિ આપી શકે.

તમને જાણીને નવાઈ લાગશે પણ દસ્તાવેજો મુજબ આ પ્લાન છેક 1960માં બન્યો હતો! હવે કોરોનાકાળ આવ્યો હોવાથી તેને અપડેટ કરવામાં આવ્યો છે! પ્લાનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના દિવસથી આગામી 10 દિવસ સુધી શું થશે. 10મો દિવસ ‘રાષ્ટ્રીય શોક દિવસ’ હશે. જો એ દિવસે રજા ન હોય તો કર્મચારીઓને બોલાવવા કે નહીં તે નક્કી કરી શકશે. અલબત્ત, આટલું જ નહીં શોકિંગ વાત તો એ છે કે મહારાણી એલિઝાબેથ-2ના મૃત્યુના થોડા મહિના બાદ તેમના અનુગામી પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક માટેના સિક્રેટ પ્લાન ‘ઓપરેશન સ્પ્રિંગ ટાઇડ’ પણ સાથે લીક થઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે કે, મહારાણી એલિઝાબેથ-2 નું અલગ રીતનું જીવતા જગતિયું લીક થઈ ગયું છે ત્યારે શાહી પરિવાર આગામી સમયમાં શું નિર્ણય લેશે?

Most Popular

To Top