એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતાં છસો એકરમાં ફેલાયેલા ધારાવીના વિકાસની ચર્ચા લગભગ બે દાયકાથી ચાલી રહી છે. હવે ધારાવીની ઝૂંપડપટ્ટીઓ દૂર કરીને તેના સ્થાને આધુનિક ટાઉનશીપ બનાવવાના મહત્ત્વાકાંક્ષી ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું છે. આ યોજના હેઠળ ભવિષ્યમાં ધારાવીમાં ૧૦ લાખથી વધુ લોકો માટે ફ્લેટો, શાળાઓ, હોસ્પિટલો વગેરે જેવી ઘણી સવલતો બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી નવભારત મેગા ડેવલપર્સ લિમિટેડને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપનો ૮૦% હિસ્સો છે અને મહારાષ્ટ્ર સરકારનો ૨૦% હિસ્સો છે. પહેલાં આ કામ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના નામથી કરવામાં આવી રહ્યું હતું. એક તરફ ઘણાં લોકો આ પ્રોજેક્ટ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે, તો બીજી તરફ ઘણાં લોકોને શંકા છે કે ગૌતમ અદાણીની કંપની ગરીબ લોકો પાસેથી તેમનાં ઝૂંપડાં ઝૂંટવીને તેમને ફ્લેટ આપશે કે કેમ?
ધારાવીનાં ભયભીત લોકો સાથે વાત કરતાં એવું લાગે છે કે તેમની સામે ઘણા પડકારો છે. ગૌતમ અદાણી વડા પ્રધાન મોદીની નજીક હોવાથી આ પ્રોજેક્ટ તેમને મળ્યો હોવાની પણ ચર્ચા છે. ગૌતમ અદાણી ધારાવીની સોનાની લગડી જેવી જમીન વેચીને અબજો રૂપિયા કમાવા માગે છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર કે દેશી હિપ હોપ ફિલ્મ ગલી બોયથી પ્રખ્યાત ધારાવીની વિકાસ યોજના હેઠળ તેના હાલનાં રહેવાસીઓને મફતમાં પાકાં મકાનો આપવામાં આવશે અને ફાજલ જમીન વેચીને અદાણી જૂથ અબજો રૂપિયાની કમાણી કરી શકશે. આ પુનર્વિકાસ માટે કોઈ વ્યક્તિ લાયક છે કે નહીં તે નક્કી કરવા માટે ત્રણ માપદંડ છે:
(૧) ૧ જાન્યુઆરી, ૨૦૦૦ પહેલાં ધારાવીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં લોકોને ધારાવીમાં જ ત્રણસો પચાસ ચોરસ ફૂટના ઘર આપવામાં આવશે. (૨) ૧ જાન્યુઆરી, ૨૦૦૦ થી ૧ જાન્યુઆરી, ૨૦૧૧ દરમિયાન ધારાવીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ધારાવીની બહાર ઘર આપવામાં આવશે. (૩) વર્ષ ૨૦૧૧ થી ૧૫ નવેમ્બર ૨૦૨૨ દરમિયાન ધારાવીમાં ઉપરના માળે રહેતાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં બધાં લોકોને ધારાવીમાં ઘર મળશે નહીં. તેમને મુંબઈના બીજા કોઈ ભાગમાં ભાડે રાખવાની ચર્ચા છે. જો તેઓ ઇચ્છે તો તેઓ તેને પછીથી ખરીદી શકે છે.
આ કામ માટે મુંબઈના વિવિધ ભાગોમાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આમાંથી એક પૂર્વ મુંબઈનો દેવનાર વિસ્તાર છે. આ એક વિસ્તાર ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે વપરાય છે, જેનો અર્થ એ છે કે મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત કરાયેલો કચરો અહીં નાખવામાં આવે છે. ધારાવીના લોકો અહીં કેવી રીતે રહેવાશે તેની ચિંતામાં છે. ભારતીય પર્યાવરણીય કાયદા હેઠળ સામાન્ય રીતે ડમ્પિંગ ગ્રાઉન્ડથી ૫૦૦ મીટરની અંદર રહેણાંક વિકાસને મંજૂરી અપાતી નથી. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે ધારાવીના પુનર્વિકાસ પછી ૧૦ લાખથી વધુ લોકો વધુ સારું જીવન જીવી શકશે.
લગભગ છસો એકરમાં ફેલાયેલું ધારાવી મુંબઈનાં સાત રેલવે સ્ટેશનોને જોડે છે. આ વિસ્તાર બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની બાજુમાં છે. દેશની સૌથી મોટી કોર્પોરેટ સંસ્થાઓની ઓફિસો અહીં આવેલી છે. આજે ધારાવીમાં જ્યાં સ્થળાંતરિત મજૂર વર્ગ રહે છે, ત્યાં એક સમયે શહેરનાં માછીમારો રહેતાં હતાં. વહીવટીતંત્ર હવે ધારાવીને વૈશ્વિક કક્ષાના શહેરમાં પરિવર્તિત કરવા માંગે છે, પરંતુ અહીં રહેતાં લોકો માટે તે ઘણા નાના અને મોટા ઉદ્યોગોનો ગઢ છે.
અહીંની વિવિધતા પણ અનોખી છે. દર વર્ષે ધારાવી માટીકામ, ચામડું અને પ્લાસ્ટિક જેવા નાના ઉદ્યોગોમાંથી લગભગ એક અબજ ડોલરની કમાણી કરે છે. આનાથી લગભગ એક લાખ લોકોને રોજગાર મળે છે. ધારાવીની અનોખી રચના અહીં વિવિધ વ્યવસાયો ચલાવવામાં પણ મદદ કરે છે. પુનર્વિકાસ દરમિયાન લોકો અને તેમના વ્યવસાયોનું પુનર્વસન એક મોટા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે. ૧૨ એકરમાં ફેલાયેલું કુંભારવાડા ધારાવીના સૌથી જૂનાં રહેવાસીઓ કુંભારોનું ઘર છે. કુંભાર સમુદાયનાં ઘણાં લોકો તેમનાં ઘરોને ચિહ્નિત કરવાના સર્વેનો વિરોધ કરી રહ્યા છે.
ધારાવીના કુંભારવાડામાં રહેતો દીપક કહે છે કે અમે અહીં માટીનાં વાસણો બનાવીએ છીએ અને મુખ્ય રસ્તા પર જઈને તેને વેચીએ છીએ. મારો પરિવાર ઘણી પેઢીઓથી આ કામ કરી રહ્યો છે. મારી માતા અને મારાં બાળકો અહીં રહે છે. અમે એક યુનિટ તરીકે કામ કરીએ છીએ. અમે આટલી નાની જગ્યામાં અમારું પોતાનું અનોખું સેટઅપ બનાવ્યું છે. જો અહીં ટાઉનશીપ બનાવવામાં આવે તો અમને ખબર નથી કે અમે કેવી રીતે અને ક્યાં કામ કરીશું. જો અમને બીજે ક્યાંક મોકલવામાં આવશે તો અમારા વ્યવસાયને અસર થશે. અમે આખું કામ ફરી શરૂ કરી શકતાં નથી. ધારાવીની આ સાંકડી ગલીઓમાં ફક્ત કુંભાર, ઝાડુ બનાવનારાં, ટૂર ગાઇડ અને ઘરકામ કરનારાં કામદારો રહે છે અને કામ કરે છે. અહીં ચામડાંનો ઉદ્યોગ ઘણો મોટો છે. તેઓ ચામડાંની ચીજો બનાવીને ભારતભરમાં મોકલે છે. દરેક ધર્મનાં લોકો તેમાં કામ કરે છે.
પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ ધારાવીમાં એક સર્વે ચાલી રહ્યો છે. આ સર્વેક્ષણ હેઠળ પ્રોજેક્ટ માટે લોકો પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. જેઓ આ સર્વેમાં ભાગ લેશે નહીં તેમને પ્રોજેક્ટ હેઠળ નવા આવાસો આપવામાં આવશે નહીં. આ સર્વેક્ષણ હેઠળ ધારાવીનાં હાલનાં રહેવાસીઓને પણ અયોગ્ય જાહેર થવાનો ડર છે. ધારાવીનો પુનઃવિકાસ કરવાનો પ્રયાસ પહેલાં પણ થયો છે, પરંતુ કોઈ પણ બિલ્ડરે અહીંનાં લોકોને વિસ્થાપિત કરવા કે તેમને અયોગ્ય જાહેર કરવા વિશે વાત કરી નથી. આ પ્રોજેક્ટ દ્વારા કેટલાંક લોકોને ઘર તો મળશે પણ તેમની આજીવિકા છીનવાઈ જશે. તેમનાં બાળકોના શિક્ષણ પર અસર પડશે. આ સ્થળનું સામાજિક માળખું બરબાદ થઈ જશે.
ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ વિવાદોથી ઘેરાયેલો છે. આ પ્રોજેક્ટ પર ચર્ચા સૌ પ્રથમ વર્ષ ૨૦૦૪ માં શરૂ થઈ હતી. લગભગ બે દાયકા સુધી ઘણી કંપનીઓ બોલી લગાવવા આવી પરંતુ સોદો સફળ થયો નહીં. વર્ષ ૨૦૧૯ માં, દુબઈ સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશને અદાણી જૂથ સામે બોલી જીતી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને ટેન્ડર મળ્યું ન હતું. થયું એવું કે કંપનીએ તેના ટેન્ડરમાં ૪૭.૫ એકર રેલવે જમીનનો સમાવેશ કર્યો ન હતો. આ મુદ્દો વિવાદનો વિષય બન્યો અને કોર્ટમાં પણ ગયો હતો. જો કે બાદમાં કેસ અદાણી ગ્રુપના પક્ષમાં ગયો હતો.
આખરે નવેમ્બર ૨૦૨૨ માં અદાણી ગ્રુપે બોલી જીતી લીધી. ધારાવી બચાવો આંદોલન (DBA) નામનું એક સંગઠન શરૂઆતથી જ આ પ્રોજેક્ટનાં પાત્રતા અને પુનર્વસન ધોરણોનો વિરોધ કરી રહ્યું છે. DBA ના રાજુ કોર્ડે કહે છે કે ૨૦૦૯ માં આ પ્રોજેક્ટમાં કોઈ પાત્રતા શ્રેણી નહોતી. અહીંની જનતાને ખાતરી આપવામાં આવી હતી કે ધારાવીમાં રહેતાં દરેકનું પુનર્વસન કરવામાં આવશે. અમારી એકમાત્ર માંગણી છે કે કટઓફ ડેટ દૂર કરવામાં આવે અને દરેકને ઘર આપવામાં આવે.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસ કહે છે કે આ વિશ્વનો સૌથી મોટો શહેરી નવીનીકરણ પ્રોજેક્ટ છે. અમારી યોજના ગેમ ચેન્જર છે. ધારાવીની ગલીઓ એટલી સાંકડી છે કે ત્યાં શૌચાલય નહોતાં, પાણી નહોતું. અમે દરેકને ઘર પૂરું પાડવાના સિદ્ધાંત સાથે કામ કરી રહ્યાં છીએ, પછી ભલે તેઓ લાયક હોય કે અયોગ્ય. અમે ઘણાં લોકોને ભાડાંનાં મકાનની સુવિધા પણ આપી રહ્યાં છીએ. તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમતે આ મકાનો ખરીદવાની તક પણ મળશે.
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટથી મુંબઈનાં લોકોને ફાયદો થશે નહીં પરંતુ વડા પ્રધાન મોદીના નજીકના ગણાતા ગૌતમ અદાણીને ફાયદો થશે. મુંબઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશિષ શેલાર કહે છે કે આ પ્રોજેક્ટ એક જરૂરિયાતનો પ્રોજેક્ટ છે. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેઓ શહેરી નક્સલીઓ છે. મુંબઈની મુલાકાતે આવેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ધારાવીમાં ચામડાં ઉદ્યોગ સાથે સંકળાયેલાં લોકોને પણ મળ્યાં હતાં. ધારાવીનાં ૧૦ લાખ લોકોની જિંદગી આ પ્રોજેક્ટથી બદલાઈ જવાની છે.