શાશ્વત સ્થિરતાની સંજીવની

ભગવાનના વ્યાપક સ્વરૂપના પરિચય પછી હવે તેમનાં નામ-સ્મરણનો મહિમા સમજીએ. અત્યાર સુધીની સદીઓએ માનવ જાતને શું આપ્યું છે? નોબેલ વિજેતા શ્રી ટી.એસ. ઇલિયટ કહે છે, ‘endless invention, endless experiment bring knowledge of motion but not of stillness.’ અર્થાત્, અનંત શોધો અને અનંત પ્રયોગોએ માનવને ગતિનું જ્ઞાન આપ્યું છે પરંતુ સ્થિરતાનું નહીં. તેથી એકવીસમી સદીનાં 21 વર્ષ પછી પણ સાંપ્રત સમયે મનની સ્થિરતા મેળવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. તે માટે કોઈકને દરિયાનાં ઉછળતાં મોજાં જોવાની સલાહ અપાય છે તો વળી કોઈકને મન સ્થિર કરવા માછલીઘરમાં માછલીઓ સામે તાકી રહેવાનું કહેવામાં આવે છે.

મનની શાંતિ મેળવવાના આવા પ્રયત્નો ઔપનિષદિક ઉક્તિ‘અંધ વડે દોરાતા અંધ’ની યાદ અપાવી જાય તેવા છે. પડતા વૃક્ષને ઝાલનારો સ્વયં ભોંય ભેગો થાય છે. તે સત્ય સમજ્યા વિના માનવ-મનને સ્થિર કરવા અસ્થિર જગતના અસ્થિર પદાર્થોના શરણે પહોંચી જાય છે. આવા સમયે મનની આંતરિક સ્થિરતા અને શાંતિ મેળવવા માટે શાશ્વત અને મૂળગામી ઉપાય ચીંધતા આપણાં શાસ્ત્રોએ કેવળ એક જ ઉપાય દર્શાવ્યો છે, ‘ભગવાનનું નામ–સ્મરણ.’ BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પણ આંતરિક સ્થિરતા માટે ભગવાનનું નામસ્મરણ જ સૂચવે છે, કારણ તેમને ભગવાનના નામ-સ્મરણમાં અતિશય વિશ્વાસ હતો. જ્યારે જ્યારે સંસ્થા કે તેમના જીવનમાં નાનાં કે મોટાં વિઘ્નો આવ્યાં છે ત્યારે તેમણે આપણને એક જ રસ્તો બતાવ્યો છે- ભગવાનનું નામસ્મરણ.

આપણા ઘર પર કે અન્ય પારિવારિક સભ્ય પર કોઈ ગંભીર હુમલો થાય ત્યારે માનસિક સ્થિરતા રાખવી કેટલી શક્ય છે? જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના  હૃદયસમ સ્થાન ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારે સૌ પ્રથમ સ્વામીશ્રી સ્વામિનારાયણ મહામંત્રના નામસ્મરણમાં જોડાઈ ગયા. આવી પરિસ્થિતિમાં પણ પ્રમુખસ્વામી મહારાજ અને સંસ્થાના સંતો સ્થિર રહી શક્યા કેવળ ભગવાનના નામસ્મરણના સહારે. ખરેખર, ભગવાનના નામસ્મરણથી મુમુક્ષુને જીવનમાં મહદ્ ફળ મળે છે. નામસ્મરણથી આંતરિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય જ છે પરંતુ તેનાથી બાહ્ય વાતાવરણમાં પણ સ્થિરતા પ્રસરે છે. વામન પુરાણ એક પ્રસંગ ઉલ્લેખતા કહે છે કે, નદી કિનારે સ્નાન કરતા ચ્યવન ઋષિને  એક અસુર પાતાળમાં લઈ ગયો. ત્યાં તેમને વાસુકિ નાગના બંધનમાં રાખ્યા. પરંતુ ઋષિના ભજન-સ્મરણથી નાગનું ઝેર ઓછું થવા  લાગ્યું તેથી ઋષિને મુક્ત કરવામાં આવ્યા. નામસ્મરણથી ઉપરોક્ત ફળની પ્રાપ્તિ થાય જ છે પરંતુ તેનાથી  મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય શાશ્વત સ્થિરતા પણ પ્રાપ્ત થાય છે. શાશ્વત સ્થિરતા એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ.

એટલે જ આદિ શંકરાચાર્ય કહે છે,
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्।
इह संसारे खलु दुस्तारे, कृपया पारे पाहि मुरारे।।
भज गोविन्दं भज गोविन्दम्, गोविन्दं भज मूढ मते।
અર્થાત્, જીવ-પ્રાણી માત્રને વારંવાર જન્મ છે, મરણ છે અને માતાના ઉદરમાં વારંવાર શયન છે. તરી ના શકાય એવા આ સંસારમાં, ભગવાનની કૃપાથી જ પાર ઉતરાય છે. માટે હે મૂઢમતિ તું ભગવાનનું ભજન-સ્મરણ કર. ખરેખર, ભગવાનના પવિત્ર નામ–સ્મરણથી ગમે તેવો પાપી જીવ પણ ભગવાનના ધામને પામે છે.

ભાગવતજી જણાવે છે કે કાન્યકુબ્જ નગરનો અજામિલ મહાન શાસ્ત્રજ્ઞ, શીલવાન અને સદાચારી હતો પરંતુ વારાંગનાના સહવાસથી  તે આચાર ભ્રષ્ટ થયો. પોતાના કુટુંબનો ત્યાગ કરી તેની સાથે રહેવા લાગ્યો. તેને રાજી કરવા પાપાચાર કરવા લાગ્યો. તેનું જીવન નર્ક જેવું બની ગયું. સુખ અને શાંતિ જાણે તેના જીવનમાં એક સ્વપ્ન તુલ્ય જ રહ્યા હતા. અંત સમયે અતિ ગ્લાનિ પામતો હતો પરંતુ તેના સૌથી નાના પુત્રનું નામ નારાયણ હોવાથી અજાણતા ભગવાનનું નામ-સ્મરણ થતું. તે નામ-સ્મરણના ફળ સ્વરૂપે અંત સમયે ભગવાનના ધામને પામ્યો. ખરેખર, પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્મરણમાત્ર જીવને આ મૃત્યુલોકમાંથી તારે છે.

ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે,

“अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः।।”
અર્થાત્ જે મનુષ્ય જીવનના અંત સમયે મારું જ નામસ્મરણ કરતા કરતા દેહના બંધનથી મુક્ત થાય છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં કોઈ સંદેહ નથી. સાંપ્રત સમયે કળિયુગમાં ભવજળ તરવા માટે એક માત્ર ઉપાય ભગવાનનું નામસ્મરણ જ છે.
એટલે જ ભાગવત પણ કહે છે કે,
द्वापरे परीचर्यायं कलौद्वापरे परीचर्यायं कलौ तद्धरिकिर्तनात् ।।
કળિયુગમાં મુમુક્ષુ માટે ભગવાનનું નામ-સ્મરણ જ કલ્યાણ માટે પર્યાપ્ત છે.

Most Popular

To Top