બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી જાય, તેમ તેમ ધોરણ – ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ ઉપર દબાણ વધતું જાય છે. આજથી ૨૮-૩૦ વર્ષ પહેલાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ વેઠનાર મા-બાપને તાજેતરનાં ગણિત – વિજ્ઞાનમાં ઝાઝી સમજ પડતી નથી અને અંગ્રેજી માધ્યમનાં શિક્ષણથી તેઓ અળગાં રહ્યાં હોવાથી છેવટે પોતાનું બાળક સતત ભણ ભણ કરે તે માટે જમાદારી કરતા રહે છે.
પરીક્ષાના દિવસોમાં ઘરમાં ટી. વી. બંધ રહે છે. વિદ્યાર્થીઓનો મોબાઈલ લઈ લેવામાં આવે છે. ભાઈબંધ – દોસ્તાર સાથે માત્ર ભણવાની વાતો સિવાય અવરજવર બંધ કરી દેવામાં આવે છે. ઘરમાં ફરસાણ, આઈસ્ક્રીમ જેવું આનંદી ખાણું તબિયતના નામે બંધ કરવામાં આવે છે. બીજી તરફ અભ્યાસક્રમ પૂરો થઈ જતાં, દીકરા-દીકરીઓને શાળામાં તો જવાનું હોતું નથી, પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની પરસ્પરની સરખામણી, નબળાં વિદ્યાર્થીઓનું સતત અપમાન, બોર્ડના પેપરનો ભય, પ્રિલિમ અને એન્યુઅલમાં મળતા માર્કસના તફાવતો – જેવા ખોફ બાળકમાં ધરબી દેવામાં આવે છે.
પરીક્ષાના દિવસે વિદ્યાર્થીએ છેલ્લે શું વાંચવું, કઈ પેનથી લખવું, દહીં સાથે ગોળ ખાવો કે ખાંડ, પરીક્ષાનાં પેપર મળતાં કેટલા ઊંડા શ્વાસ લેવા, સદ્દગુરુનું હાથ જોડી સ્મરણ કરવું, તેમ શું- શું કરવું ને શું નહીં, તે બોજરૂપે બાળકનાં માથે ખડકી દેવામાં આવે છે. પરિણામે પરીક્ષા હોલ સુધી પહોંચતાં – પહોંચતાં બાળક પોતાને હતાશા, નિરાશા અને નિષ્ફળતાનું પ્રતીક માની બેસે છે. દર વરસે જોવા મળે છે તેમ ૫૦%થી વધુ વિદ્યાર્થીઓ સારી આવડત છતાં પરીક્ષા કેન્દ્ર ઉપર સ્વસ્થ રહી શકતાં નથી અને કેટલાંક તો પોતાની જાતને મોતને હવાલે ધરી દે છે.
મનોવિજ્ઞાન તો કહે છે કે ‘પરીક્ષાના ભયથી મૃત્યુ વ્હોરી લેતાં વિદ્યાર્થીઓ તેનાં મા-બાપ અને શિક્ષકોની અપેક્ષાઓની જ વરવી બાજુ છે.’ પરીક્ષાના ભયથી મૃત્યુ પામતું ભવિષ્ય ચિંતાજનક છે. જો કે ત્રણ કલાકમાં વરસની મહેનતને ઓકી નાખવાની રીત ઉપર આમ નાગરિકો વ્યથિત છે, ક્રોધિત છે. પરંતુ થોડા દિવસ છાપાંઓ, સામાયિકો દ્વારા બૌદ્ધિકો વેદના ઠાલવે છે અને ત્યાં તો ફરી બીજી પરીક્ષા માટે વિદ્યાર્થીને તૈયાર કરવાનો સમય આવી પહોંચે છે. પ્રવર્તમાન શિક્ષણ મર્યાદાઓ અને વધતી જતી સામાજિક અપેક્ષાઓ વચ્ચે પીસાતાં વિદ્યાર્થીઓને આખું વર્ષ શું હોવું જોઈએ તેનાં દૃશ્યો દેખાડવાના બદલે હવે મા-બાપ અને શિક્ષકોએ ઉપનિષદ કહે છે તેમ ધર્મસાધનના માધ્યમ તરીકે બાળશરીરને જે – તે સ્થિતિમાં સ્વીકારવું જોઈએ.
વાલીઓ સમજે કે જે પગ બાળકને શાળાએ લઈ જાય છે, જે હાથ અને આંખ વિદ્યાર્થીને શિક્ષણપ્રક્રિયા સાથે જોડે છે, તે અંગો કંઈ પરીક્ષા આપતાં નથી. સવાલોના જવાબ તો મસ્તિષ્કથી થાય છે. પાંચ ઈન્દ્રિયોની જેમ મસ્તિષ્ક એક મર્યાદિત જૈવિક ઉપકરણ છે. આથી જ માનવ-મસ્તિષ્ક પણ એક સીમિત દાયરામાં કાર્ય કરી શકે છે. ન્યુરોસાયન્સની જૈવિક શોધ આધારે પ્રમાણિત થયું છે કે ગણિત મસ્તિષ્કના કોર્ટિજેસ ક્ષેત્રમાં આકાર પામે છે તો ચિત્ર વિટ્રીજેસ ક્ષેત્રમાં જ વિસ્તરે છે. આ જ પ્રમાણે ભાષા, રંગ, સ્વાદને પારખવાના અને વિસ્તારવાનાં ક્ષેત્રો અલગ અલગ છે. માનવ-મસ્તિષ્કની બીજી એક લાક્ષણિકતા એ છે કે, વ્યકિત પોતે જાતે જે શીખે છે તે બાબત તેના દિલોદિમાગમાં મૃત્યુપર્યંત જળવાઈ રહે છે. પ્રાથમિક શાળામાં શીખેલ 011 સાયકલ કે તરવાની કળા કદી ભુલાતી નથી, પણ ધોરણ ૭ માં ગુજરાતીના પ્રશ્નમાં જે કવિતાના આસ્વાદ માટે ૮માંથી ૮ માર્ક મળ્યા હોય તે કવિતા જ આજે યાદ નથી રહી. નિશાળમાં કોઈએ શીખવેલું ટકાઉ નથી. આથી મસ્તિષ્કરૂપી કોમ્પ્યુટર તેની હાર્ડડિસ્કમાંથી ડિલિટ કરી નાખે છે.
બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો કૃષિનો આધાર જમીન અને વાતાવરણ છે. આથી જે જમીનમાં સફરજન થાય ત્યાં કાજુ થતાં નથી અને ડુંગળી સાવ જૂદું જ પર્યાવરણ માગે છે. જેનિટિકલ એન્જિનિયરીંગનાં સંશોધનો પ્રતિપાદિત કરે છે કે પ્રત્યેક બાળક પોતાની માતા, તેના માતા-પિતા અને દાદા-દાદી તેમ ૭ વ્યકિત અને પિતાના પક્ષનાં ૭ વ્યકિત તેમ કુલ ૧૪નું પ્રતિનિધિત્વ કરતું હોય છે. યાદ રહે, બાળકોનાં રંગસૂત્ર ઘડનાર ૧૪ વ્યકિતમાંથી જે વિષય કે બાબત અગાઉ ૧૪માં ખીલી ન હોય તે ૧૫મી વ્યકિતમાં વિકસવાનું શકય જ નથી. તમામ શિક્ષકે અને મા-બાપે સમજવું પડે કે, પ્રત્યેક બાળ એક જેનિટિકલ સેટઅપમાં જ વર્તી શકે છે.
શરીરના રસાયણ અનુસાર શિક્ષક અથવા મા-બાપ બાળકને જેમાં મજા આવે છે તે વિષયને મજબૂત કરવામાં મદદરૂપ થાય તે સાચું શિક્ષણ છે. વ્યકિતનો સહજ આનંદ તેનાં રંગસૂત્રોની ગોઠવણીનું પ્રમાણપત્ર બને છે. બાળકના ગર્ભથી લઈ તેની કિશોર અવસ્થા સુધી માતા-પિતા જ બાળકની શાળા બની રહે તે વ્યવસ્થા જ વિજ્ઞાન છે. શિક્ષક સતત અવલોકન પણ જાણી શકે કે વિદ્યાર્થી કઈ દિશામાં વધુ ખીલે છે. શાળાએ પોતાનું ગાણું ગાવાના બદલે બાળકની શક્તિઓને મોજને મોતીની માળા માફક પરોવી આપવાનાં હોય છે.
ઉપનિષદ્ કહે છે ‘આનંદો પરમો ધર્મ’ તેમ અંતે જીવતા જીવ માટે વૈયક્તિક આનંદ સર્વસ્વ -સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ છે. તેની ઉપર પરીક્ષા જેવી ક્ષુલ્લક બાબતોને આગળ કરી એક માનવશરીરને છેક હતાશ, નિરાશ કે સમાપ્ત ન કરી શકાય. ધ્યાન રહે, પ્રકૃતિએ પ્રત્યેક દાણામાં જીવન ભર્યું છે. એ દાણો અનુકૂળ આબોહવા અને ભેજ મળતાં કોળી ઊઠે છે. પરંતુ સામાજિક કે વ્યાવસાયિક પ્રતિષ્ઠાની લ્હાયમાં બાળકરૂપી દાણાને શેકી નાખીશું તો તે પછી કોઈ વરસાદમાં તે ખીલી ઊઠશે નહીં. પ્રત્યેક વાચક કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈ પરીક્ષામાં નાપાસ થયો જ હશે. પરંતુ તમારાં મા-બાપ અને શિક્ષકોએ તમને તોડી ન પાડયાં. આથી તમે આજે સ્વસ્થ છો. બસ, આ જ વર્તન તમારી નવી પેઢી માટે અપનાવો. માનવ અસ્તિત્વ સ્વયં પરીક્ષા છે. જ્યાં શાળાકીય પરીક્ષા માત્ર એક પગથિયું છે. આથી તેને બિનજરૂરી મહત્ત્વ ન આપશો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.