સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બીકોમ. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. આ પેપર અમદાવાદની બહુચર્ચિત સુર્યા ઓફસેટ પ્રેસમાં છપાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર જે લીક થયું હતું, તે પેપર પણ અમદાવાદના સાણંદ ખાતે આવેલા સુર્યા ઓફસેટમાં પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. આમ સુર્યા ઓફસેટ પેપર લીકકાંડનું એપિસેન્ટર હોય તેમ લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ સેમેસ્ટર -3ની અર્થશાસ્ત્રની પરીક્ષાનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા જ વોટ્સઅપ પર ફરતું થયું હોવાની વિગતો બહાર આવતા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરતા આ પ્રશ્નપત્ર બાબરાની કોલેજમાંથી પ્રિન્સિપાલ દ્વારા લીક કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત આઠ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પેપર ફુટી જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી છે, અને હવે આ પરીક્ષા ત્રીજી જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. બીજી તરફ હેડ કલાર્ક પરીક્ષા પેપર કાંડમાં પોલીસ દ્વારા સુર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ 17 જાન્યુઆરી સુધી મુદ્રેશ પુરોહિતની ધરપકડ ઉપર વચગાળાનો મનાઈ આદેશ આપ્યો છે.