Columns

પ્રકૃતિનો નિયમ

ઠંડી વધી રહી હતી.પાનખર ઋતુની શરૂઆત હતી. ઘરની બારીની બહાર દેખાતાં વૃક્ષનાં પાંદડાં ધીમે ધીમે ખરી રહ્યાં હતાં.નાનકડા સોહમને આ વૃક્ષ બહુ ગમતું. તેનાં પાંદડાં ખરતાં જોઇને તે રડમસ અવાજે મમ્મી પાસે ગયો અને બોલ્યો, ‘‘મમ્મી, આ જો પેલા મને ગમતા વૃક્ષનાં પાંદડાંઓ મરી રહ્યા છે અને ખરીને નીચે પડી રહ્યાં છે. મમ્મી, ચાલો ને તેને બચાવીએ, કૈંક પાણી, ખાતર, દવા નાખીએ.’’

મમ્મી બોલી, ‘‘દીકરા દુઃખી ન થા.આ તો પાનખર ઋતુ છે એટલે વૃક્ષનાં પાંદડાં ખરી જ જશે. આપણે ગમે તેટલા ઉપાય કરીએ તે પાંદડાં ખરશે જ.’’ રડમસ અવાજે સોહમ બોલ્યો, ‘‘એમ પાંદડા ખરે એવી ઋતુ આવે જ શું કામ? પાંદડાં ખરી જશે તો વૃક્ષની શોભા મરી જશે કે પછી વૃક્ષ જ મરી જશે.’’ મમ્મીએ કહ્યું, ‘‘દીકરા, આ પ્રકૃતિનો નિયમ છે.’’ સોહમે પૂછ્યું, ‘‘આવો કેવો નિયમ?’’ મમ્મીએ કહ્યું, ‘‘દીકરા, તું હજી નાનો છે પણ પ્રકૃતિનો આ નિયમ એક સુંદર સમજ આપે છે. જો હું તને સમજાવું. વૃક્ષનાં આ પાંદડાં ખેરવી નાખતી પાનખર ઋતુમાં બધાં પાંદડાં ખરી જાય છે અને માત્ર વૃક્ષની ખાલી ડાળીઓ અને થડ શેષ રહે છે. પણ તે પણ સુંદર લાગે છે અને પ્રકૃતિ આપણને સમજાવે છે કે કોઇ પણ વસ્તુનું ખરી જવું…છૂટી જવું પણ સુંદર અને જરૂરી જ હોય છે.’’

સોહમને મમ્મીના શબ્દોમાં બહુ સમજ ન પડી…તે બોલ્યો, ‘‘જે સુંદર અને સારું હોય તેનું છૂટી જવું જરૂરી શું કામ?’’ મમ્મીએ કહ્યું, ‘‘બેટા, હમણાં તને નહિ સમજાય. હું તને ધીમે ધીમે સમજાવીશ.’’ અહીં વાત પૂરી થઈ પણ સોહમના મનનું દુઃખ દૂર ન થયું, તે રોજ બારીની બહાર જોતો અને પાંદડાં વિનાનું વૃક્ષ જોઈ તેના મનમાં પીડા થતી. દિવસો વીત્યા અને મહિનાઓ વીત્યા અને ફરી ઋતુ બદલાઈ અને વૃક્ષનાં ઠુંઠા પર નવાં પાંદડાંઓ ખીલવા લાગ્યાં. ચમકતાં લીલાં રંગનાં નવાં પાંદડાંઓ વધુ સુંદર હતાં. સોહમ આ જોઇને ખુશ થતો મમ્મી પાસે દોડ્યો અને બોલ્યો, ‘‘મમ્મી, મને ગમતાં વૃક્ષ પર ફરી પાંદડાં ઊગવા લાગ્યાં અને તે પહેલાં કરતાં વધુ સુંદર અને ચમકદાર છે.’’

થોડા દિવસોમાં વસંત ઋતુ આવી અને વૃક્ષ આખું પાંદડાં અને ફૂલોથી ઉભરાઈ એકદમ મનમોહક દેખાવા લાગ્યું. મમ્મીએ સોહમને બોલાવીને વૃક્ષ દેખાડી કહ્યું, ‘‘આ જો દીકરા, ફરી આ વૃક્ષ એકદમ પહેલાં કરતાં પણ વધારે સુંદર થઈ ગયું ને જો આ જ પ્રકૃતિનો નિયમ છે જે સમજાવે છે કે જે જૂનું હોય, જેને પોતાનું કામ કરી લીધું હોય તેને છોડતાં આવડવું જોઈએ.જેથી નવા માટે જગ્યા થાય.જો જૂનાં પાંદડાં ખરે જ નહિ તો નવાં પાંદડાં ઊગીને વધુ સુંદર ચમકદાર વૃક્ષ કઈ રીતે બનાવે.આ જ નિયમને જીવનમાં અપનાવી જીવનમાં પણ જૂની મનગમતી વસ્તુઓ અને બાબતોને છોડતાં પણ આપણે શીખી લેવું જેથી નવી વસ્તુઓ અને કાર્યો માટે જીવનમાં રસ્તો ખૂલે.’’ સોહમને મમ્મીએ સુંદર રીતે સમજાવ્યું.

Most Popular

To Top