ICC મહિલા વર્લ્ડ કપ 2025 નું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટ શરૂ થયાને લગભગ એક અઠવાડિયા વીતી ગયો છે. દરમિયાન ICC એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર ICC મહિલા ODI રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. દરમિયાન 2025 ODI વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કામાં ઘણી ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને તેમના રેન્કિંગમાં સુધારો કર્યો છે.
ટોચ પર મંધાનાનું વર્ચસ્વ
સ્મૃતિ મંધાના હાલમાં ODI બેટિંગ ચાર્ટમાં નંબર 1 સ્થાન ધરાવે છે. મંધાના (791 રેટિંગ) અને બીજા ક્રમે રહેલી નેટ સાયવર-બ્રન્ટ (731) વચ્ચે નોંધપાત્ર અંતર છે. તે ટોપ 10 ODI બેટિંગ રેન્કિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ત્રીજા સ્થાને છે. ૬ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાની તાજમિન બ્રિટ્સે રેન્કિંગમાં બે સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે અને હવે તે ચોથા સ્થાને છે. વર્લ્ડ કપની પહેલી મેચમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાની એશ ગાર્ડનર સાત સ્થાન ઉપર જઈ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બંને ખેલાડીઓએ પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા છે.
ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન પણ સાત સ્થાન ઉપર આઠમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાનની ડાબોડી બેટ્સમેન સિદ્રા અમીન ત્રણ સ્થાન ઉપર આવીને સંયુક્ત રીતે દસમા સ્થાને પહોંચી ગઈ છે.
મહિલા બોલરો માટે ODI રેન્કિંગમાં ટોચના ૧૦માં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન ટોચ પર યથાવત છે. દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મેરિઝાન કાપ (૫મું) અને ઓસ્ટ્રેલિયાની અલાના કિંગ (૭મું) એક-એક સ્થાન ઉપર આવી છે. દરમિયાન ભારતની દીપ્તિ શર્મા (૬ઠ્ઠું) અને હેલી મેથ્યુઝ (૮મું) એક-એક સ્થાન નીચે આવી ગયા છે. એશ ગાર્ડનર (૪૮૨) ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે, કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી રહી છે. તેની ટીમના ખેલાડી કિમ ગાર્થ ચાર સ્થાન ઉપર ચઢીને ૧૮મા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે સોફી ડિવાઇન તેની પ્રભાવશાળી બેટિંગને કારણે એક સ્થાન ઉપર આવીને નવમા સ્થાને પહોંચી ગઈ છે.