Columns

છેલ્લા દસ દિવસ…

વહાલા વિદ્યાર્થી-વાલી મિત્રો,
ધો. 10-12નાં વર્ષ પૂરાં થવાને આરે છે. છેલ્લા દસ દિવસ બાકી છે.  બોર્ડના વર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓના ઘરના માહોલનો અંદાજ લગાવી શકાય છે. જાણે યોદ્ધો યુદ્ધભૂમિમાં લડવા જવા માટે તૈયાર છે અને એને સાવચેતીનાં સતત સૂચનો આપવામાં આવે છે. ભલે દરેક વિદ્યાર્થીઓએ પોતાનાં ધ્યેયને પામવા માટે તનતોડ મહેનત કરી જ હોય છે છતાં જેમ-જેમ પરીક્ષાએ નજીદીક આવે તેમ- તેમ પોતાના મનમાં ઓછાવત્તા અંશે શંકા-કુશંકાઓ જાગે છે. ધો.12ના વિદ્યાર્થીને ધો. 10નો અનુભવ હોવા છતાં ભવિષ્યનાં સેવેલાં સ્વપ્નોને લીધે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અને કોલેજમાં પ્રવેશને લીધે મનમાં ડરનો માહોલ ઊભો થતો હોય છે. આખા વર્ષ દરમ્યાન અને છેલ્લા દિવસોમાં ઘણાં બધાં પેપર્સ લખવાનો મહાવરો કર્યો હોય છે છતાં મારાથી પેપર પૂરું થશે? મને વાંચેલું યાદ આવશે? જેવી શંકાઓ સ્વયમ્ માટે થતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ-વાલી માટે કેટલાંક અમલ કરવા લાયક સૂચનો જેથી વિદ્યાર્થી પરીક્ષાને સહજ લે અને તાણ ઓછી અનુભવી શકે.

– છેલ્લા દિવસોમાં નવો કોઇ અભ્યાસ કરવો નહીં. તમારી પાસે 5-6 વિષયો છે. એમાં જે કંઇ લર્ન કર્યું છે તેને જ રીવાઈઝ કરવાનો સમય છે. નવું લર્ન કરવાથી તાણ વધવાની શકયતાઓ હોય છે. તમારું લર્નીંગ 80%- 90% થયું હોય અને વિચારતા હો કે મારું જે લર્ન કરવાનું બાકી છે તેમાંથી જ જો પૂછાશે તો શું થશે? જેવી શંકાઓ કરવાનું માંડી વાળી જે કંઇ વાંચ્યું છે, તેનું ઝડપથી રીવીઝન કરો.

– આખા વર્ષ દરમ્યાન અપાયેલી ટેસ્ટનાં પેપર્સ જેનું મૂલ્યાંકન થયેલ છે એ જો તમારી પાસે હોય તો એનો ઓવરવ્યૂ એટલા માટે કરજો કે જે ભૂલો એ ટેસ્ટ આપતી વખતે કરી હતી તે ફરી ન દોહરાવો. માટે સકારાત્મકતા રાખી મૂલ્યાંકનનું અવલોકન તમને ઓછી ભૂલો કરાવશે.

– આગળ જણાવેલું તે પ્રમાણે બધા જ વિષયોને  દરરોજના સમયપત્રકમાં સામેલ કર્યા હોય તે જ સમયપત્રક હજુ પણ ફોલો કરો. ઘણા વિદ્યાર્થીઓ એક જ વિષય બે-ત્રણ દિવસ એક સરખો વાંચે રાખે છે પણ એમાં ઝડપ પણ ઓછી થવાની શકયતા તથા બીજા વિષયો કયારે થશે એની બેક ઓફ માઈન્ડમાં ચિંતા ચાલતી જ હોય છે માટે દરરોજ બધા જ વિષયોને ન્યાય આપવો હિતાવહ છે.

– રીવીઝન ચેપ્ટર 1 થી જ શરૂ કરો. પ્રથમ વખત વિષય હાથમાં લો ત્યારે પાઠ 1 થી શરૂ કરી આગળ વધો. વચ્ચે વચ્ચેથી રીવીઝન કયારેય ન કરો. વૈજ્ઞાનિક કારણોમાં જોઇએ તો તમે જયારે પાઠો સમજયા ત્યારે 1 થી જ આગળ વધ્યા હતા, લર્ન કર્યા ત્યારે પણ માટે મગજમાં યાદશક્તિ પણ એ રીતે જ ગોઠવાય છે. માટે પાઠ 1 થી શરૂ કરી છેલ્લા પાઠ સુધી જાવ, યાદશક્તિ પણ પાકી થશે, સતેજ થશે.

– છેલ્લા દિવસોમાં લખવાનું એટલે કે જૂના પેપરો લખવાનું ન રાખતા, વાંચન સાથે આકૃતિ દોરવાનું, ફોર્મ્યુલા લખવાનું, નકશાપૂર્તિ કરવાનું કે અન્ય હેતુલક્ષી પ્રશ્નો વાંચનમાં બદલાવ માટે જરૂરી છે. ગણિત પણ દરરોજ કરવાથી તમારો વિશ્વાસ જળવાઈ રહે છે.

– દરરોજ પૂરતા પ્રમાણમાં 7-8 કલાકની ઊંઘ લેવાનું રાખો. મગજ સતત માનસિક કાર્ય કરીને થાકે ત્યારે એને આરામ આપવો અતિ મહત્ત્વનો છે. સ્વસ્થ આહાર અને યોગ્ય આરામ તમને જોઈતી શક્તિનો, ઉત્સાહનો અહેસાસ કરાવશે. સૂવા- જાગવાનો શેડયુલ મક્કતાથી ફોલો કરો. વધુ સૂવા કે વધુ ખાવા અથવા ઓછું ખાવા કે ઓછી ઊંઘ માટે આગળના અંકોમાં જણાવ્યું જ હતું.

– વાલી મિત્રોને ખાસ, કે તમારા સંતાનના મિત્રો કેટલા કલાકો વાંચે છે? કેટલી ટકાવારી લાવે છે? ની સરખામણી બિલકુલ ન કરો. દરેક વિદ્યાર્થીની પોતાની એક આગવી પેટર્ન હોય છે. કેટલા કલાકના વાંચન કરતાં વાંચનની ગુણવત્તા પર ભાર આપો. કોણે કેટલા પેપર્સ લખ્યા કરતાં કેવી ગુણવત્તાનાં પેપર્સ લખાયાં એ મહત્ત્વનું છે. તમારું સંતાન અજોડ છે. ભગવાનનું અનોખું ક્રિયેશન છે, એની સરખામણી અન્ય જોડે ન કરી શકાય.

– તમારા અઘરા વિષયોનાં કે અઘરા ચેપ્ટરોનાં રીવીઝન પર ધ્યાન આપો. તમને લાગતા અઘરા વિષયનાં રિવિઝન પર થોડો સમય વધુ આપો અને આત્મવિશ્વાસ જાળવી રાખો. – જો તમે જૂથમાં અભ્યાસ  કરતા હોવ તો વિષય પ્રમાણે, ચેપ્ટર પ્રમાણે ફાસ્ટ રીવીઝન અથવા કોઇ સમસ્યા હોય તો એની ચર્ચા મુદ્દાસર કરો. જૂથમાં અભ્યાસ કરવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. મિત્રો, શું નથી કર્યુંની ચર્ચા, સોશ્યલ મીડિયામાં શું ચાલી રહ્યું છે ની ગોસીપ વધુ કરશે. ‘મારું તો થઇ ગયું તારું ના થયું’ની ચર્ચા આત્મવિશ્વાસનો પારો નીચો લાવી શકે છે.

– છેલ્લા દિવસોમાં રઘવાયા ન બનતાં સ્વસ્થતા જાળવી વાંચવાનો ક્રમ સાતત્યપૂર્ણ જાળવી રાખો. આખા વર્ષ દરમ્યાન વારંવાર કહેવામાં આવ્યું હોય છે કે તમે બોર્ડમાં છો કેમ કે ધો. 10 કારકિર્દીનું પ્રથમ પગથિયું અને ધો. 12 કારકિર્દીનું બીજું પગથિયું. જેના પર કારકિર્દીની ઇમારત ઘડાતી હોય છે માટે સારા પર્ફોર્મન્સ માટે સતત કહેવામાં આવ્યું હોય તો તેના લીધે તાણ વધારવા કરતાં એને મહત્ત્વ આપી સારું ઉચ્ચ પર્ફોર્મન્સ  કરવાની ચેલેન્જ ઝડપી લો.

– દરરોજ તમારા ‘સ્વ’ને હકારાત્મક વચનો આપો. આપણી આજુ-બાજુ ઘણાંને ભગવાનને કહેતાં સાંભળીએ કે ‘મારા આટલા આવશે તો હું આટલાં નાળિયેર /દીવા/ પ્રસાદ ચઢાવીશ પણ ‘સ્વ’નાં મન કે જેને આપણું સેવક બનાવવાનું છે એને થોડા વધુ હકારાત્મક વચનો કહેવાની જરૂર છે. જેમ કે ‘મેં વાંચ્યું છે, મને યાદ છે અને પરીક્ષામાં યાદ આવશે.’ સાંભળેલાં નકારાત્મક વાકયોને મક્કમતાપૂર્વક બહાર કાઢી નાંખો અને સ્વને હકારાત્મક વચનોથી પોષો તો સૌ સારાવાના થશે.
‘’pull up your socks’’

Most Popular

To Top