અમેરિકન દિગ્ગજ નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વેને કોઇકે પૂછ્યું હતું કે લખવાની કળા કેવી રીતે આવે? તેમણે કહેલું, “લખવું એ કોઈ મોટી વાત નથી. ટાઇપ રાઈટર પર બેસી જવાનું અને લોહી વહેવડાવતા જવાનું.” હેમિંગ્વે ધુંઆધાર લખતા હતા. એ જંગલમાં રહેતા હતા. બંદૂકથી પશુઓનો શિકાર કરતા હતા. વ્હીસ્કી અને સિગાર પીતા હતા અને તેમની ‘ઝૂંપડી’માં ટાઈપિંગ કરતા રહેતા હતા. ૧૯૫૮માં, ‘પેરિસ રીવ્યુ’ નામના પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકમાં તેમનો એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો. તેના સવાલ-જવાબ નવોદિત લેખકો માટે દિલચસ્પ છે:
સવાલ: તમે ક્યારે લખો છો? તમારું કોઈ નિશ્ચિત શેડ્યુલ ખરું?
હેમિંગ્વે: હું કોઈ પુસ્તક કે વાર્તા પર કામ કરતો હોઉં તો સૂરજનું પહેલું કિરણ ફૂટે ત્યારે લખું છું. ત્યારે કોઈ ડિસ્ટર્બ ના કરે. લખેલું ફરીથી વાંચવાનો પણ સમય રહે. બપોર સુધી લખું.
સવાલ: તમે ચાલુમાં જ રી-રાઈટીંગ કરો કે બધું લખાઈ જાય પછી?
હેમિંગ્વે: હું એ જ દિવસે રી-રાઈટ કરું છું. પૂરું થઇ ગયા પછી ફરી એક વાર જોઈ લેવાય. પ્રૂફમાં પણ એક ચાન્સ રહે. આ બધા ચાન્સ બહુ ઉપકારક છે.
સવાલ: રી-રાઈટીંગ કેટલુંક હોય?
હેમિંગ્વે: ડીપેન્ડ્સ. ‘ફેરવેલ ટુ આર્મ્સ’નો અંત, એ છેલ્લો પેરેગ્રાફ, મેં 39 વખત લખ્યો હતો. સવાલ: કઈ જગ્યાએ લખવાનું સારું ફાવે? અમ્બોસ મુન્ડોસ હોટેલ તમને બહુ ફાવે છે. (હવાના-ક્યુબાની આ હોટેલમાં હેમિંગ્વે સાત વર્ષ રહ્યા હતા) હેમિંગ્વે: અમ્બોસ મુન્ડોસ તો બેસ્ટ છે. આ ખેતર ( હેમિંગ્વે આ ઇન્ટરવ્યૂ વખતે સ્પેનમાં હતા) પણ સરસ છે પણ મેં બધે જ લખ્યું છે. મેં જાતભાતની પરિસ્થિતિમાં લખ્યું છે. બસ આ એક ટેલિફોન અને મુલાકાતીઓ હેરાન કરે.
સવાલ: લખવા માટે ઈમોશનલ સ્ટેબિલિટિ જરૂરી પડે?
હેમિંગ્વે: લોકો તમને એકલા છોડી દે અને ખલેલ ના પાડે તો લખી શકાય અથવા તમે જાડી ચામડીના હો તો લખી શકો પણ સૌથી શ્રેષ્ઠ તો પ્રેમમાં હો ત્યારે જ આવે. સવાલ: તમારા મનમાં આખી વાર્તા પહેલેથી નક્કી હોય? હેમિંગ્વે: ક્યારેક હોય અને કયારેક લખતા જાવ તેમ બનતી જાય, બદલાતી જાય. સવાલ: તમે એક પુસ્તક પરથી બીજા પુસ્તક પર સરળતાથી શિફ્ટ થઇ જાવ કે પછી એક પૂરું કરો પછી બીજું શરૂ કરો? હેમિંગ્વે: તમને આ ઇન્ટરવ્યૂ આપવા માટે મેં મારા સીરિયસ કામમાં ખલેલ પાડી છે એ બતાવે છે કે હું સ્ટુપીડ નથી. હું એક કામ સાથે બીજું કામ કરી શકું છું. ડોન્ટ વરી.
એક કલાકાર કેવી રીતે, ક્યાં અને ક્યારે એની અંદરના વિચારને સંસાર સમક્ષ મૂકે છે એ જાણવું રસપ્રદ હોય છે. ‘હે હાઉસ’ પ્રકાશન સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અશોક ચોપરા ભારતમાં અંગ્રેજી પુસ્તકોની પ્રકાશન દુનિયામાં મોટું નામ છે. એમણે ખુશવંત સિંહ, ડોમિનિક લેપિયર, ડોમ મોરાયસ, શોભા ડે, એમ. એફ. હુસેન, સતીશ ગુજરાલ, અનુપમ ખેર અને કિરણ બેદી જેવી શખ્સિયતોનાં પુસ્તકો પ્રકટ કર્યા છે. ભારતના દિગ્ગજ લેખકો અને કલાકારો સાથેના 40 વર્ષના સંગાથ પછી એ અનુભવોના નિચોડરૂપે અશોક ચોપરાએ ‘સ્ક્રેપલૂક ઓફ મેમરીઝ’ નામનું પુસ્તક લખ્યું છે. તેને તેઓ આત્મકથા કે સંસ્મરણ નહીં પરંતુ ‘લખાયેલા શબ્દ સાથેનો પ્રવાસ’ તરીકે ઓળખાવે છે. આ પ્રવાસ મજેદાર છે. તેમાં અનેક રસપ્રદ કિસ્સા-કહાનીઓ છે. અશોક ચોપડા આપણા જાણીતા લેખકોની લખવાની આદતો કેવી હતી તેનીય સરસ વિગતો લાવ્યા છે. ખુશવંત સિંઘ તેમનું દરેક નવું પુસ્તક એ સમયે બજારમાં મળતી હોય તેવી સૌથી મોંઘી પેનથી લખતા. એમને પેન એકઠી કરવાનો શોખ હતો. આપણા ચંદ્રકાન્ત બક્ષીને પણ જાત-જાતના રંગો-આકારની પેન ભેગી કરવાનો શોખ હતો.
પંજાબી કવયિત્રી અમૃતા પ્રિતમ કશું લખતા પહેલાં કલાકો સુધી પથારીમાં પડી રહેતાં અને પછી વાઘણની જેમ ઊર્જા સાથે કવિતા કે કહાની લખવા માંડતાં. ‘લિહાફ’ નામની લેસ્બિયન કહાની આપનાર મિજાજી ઉર્ફે લેખક ઇસ્મત ચુઘતાઇ જમીન પર શેતરંજી પાથરીને લખતાં. એ કાયમ બાજુમાં રમવાનાં પત્તાં રાખતી. એનો ડાબો હાથ પત્તાં સાથે રમતો અને જમણો હાથ કહાની લખતો! સોહિની મહિવાલ અને રઝિયા સુલતાન જેવા નાયકો લખનાર પંજાબી નાટ્યકાર-કહાનીકાર બલવંત ગાર્ગી એના ટેબલ સિવાય બીજે કશે લખતા નહોતા. એ પોતે લખતા ન હતા પણ એ બોલે અને એની સેક્રેટરી લખે.
શોભા ડે એક માત્ર લેખક છે જે હજુય કાગળ અને પેનથી લખે છે. અશોક ચોપડા કહે છે, અંગ્રેજીમાં ‘લોંગ હેન્ડ’ શોભા માટે પરફેક્ટ છે: શોભા એટલા લાંબા હાથે લખે છે કે એક કાગળ પર માત્ર પાંચ જ લાઇન આવે. ઉર્દૂનો મશહૂર લેખક સઆદત હસન મંટો કાયમ સફેદ કુર્તા-પાયજામામાં જ હોય. એ ખુરશીમાં પગ ઉપર ચઢાવીને ટૂંટિયું વાળીને લખતો. ઇસ્મત ચુઘતાઇએ એક વાર લખેલું, “એક મોટા ટેબલ પાસે ખુરશીમાં એ એવી રીતે પગમાં માથું ઘાલીને બેસતો જાણે કોઇ જંતુ બેઠું હોય.” મંટોનેય પેનનો શોખ હતો. ફિલ્મોમાંથી કમાણી થાય એમાંથી એ તે જમાનાની મોંઘી પાર્કર અને શીફર પેન ખરીદતો. મંટોએ ઇસ્મત ચુઘતાઇને ‘લેડીઝ પાર્કર’ ફાઉન્ટન પેન ભેટમાં આપેલી. આ પેન અશોક ચોપડા પાસે છે. મંટો હાડોહાડ નાસ્તિક હતો પરંતુ લખવાની શરૂઆત કાગળ પર ‘786’ લખીને કરતો. ભૂલી જવાય તો કાગળ ફેંકીને ફરીથી શરૂઆત કરતો. મંટોએ કહેલું, “હું કાગળ પરનો આસ્તિક છું.”