કાલોલ : કાલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રવિવારે યોજાનાર મતદાન પુર્વે ચુંટણીતંત્રના નિયમ મુજબ શુક્રવારે સાંજથી પ્રચારના પડઘમ શાંત પડી ગયા હતા. જેથી શુક્રવારે છેલ્લા દિવસે સાંજ સુધીના છેલ્લા કલાકો સુધી મોટાભાગના દરેક ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોઓએ પોતાના સમર્થકો સાથે રેલીઓ યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું.
હવે શુક્રવારની સાંજ પછી કોઈ ઉમેદવારોથી રેલી, રોડ શો, જાહેર સભાઓ યોજી શકશે નહીં કે માઈક ભુંગળા અને મ્યુઝિક સિસ્ટમો ધરાવતા વાહનો દોડતા બંધ થઈ જશે. જેથી મતદાન પુર્વેના આગામી ચોવીસ રૂબરૂ મુલાકાત કે ખાટલા બેઠકો કરી શકે છે તદ્ઉપરાંત હારજીતના સમીકરણો અને ગેમ પ્લાન ઉતારી શકે છે.
તેથી જ મતદાન પહેલાના ચોવીસ કલાક દરેક મતવિસ્તારના ઉમેદવારો માટે પોતાના મત વિસ્તારને અકબંધ રાખવા અથવા હરિફ ઉમેદવારના મત વિસ્તારમાં ઘુસણખોરી કરી હરિફ ઉમેદવારની વોટબેંકને તોડવાના કે ગાબડું પાડવાના પ્રયાસો કરતા હોવાથી આગામી ચોવીસ કલાકને કટોકટીના સાયલન્ટ કિલર સમાન કતલના કલાકો કહેવાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દરેક ઉમેદવારો પોતાના ટેકેદારો ધરાવતા મત વિસ્તારમાં હરિફ ઉમેદવારો ગાબડું ના પાડી જાય એ માટે કિલ્લેબંધી પણ કરતા હોય છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે.
માલતદાર કચેરીમાં ચૂંટણી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ અને જીઆરડી જવાનોનું બેલેટ પેપર મતદાન
કાલોલમાં શુક્રવારે મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન કરાયું હતું. જે પોસ્ટલ બેલેટ અંતર્ગત કાલોલ તાલુકા મતવિસ્તારમાં સમાવેશ થતા હોય એવા ચુંટણીમાં ફરજ નિભાવતા ૬૧૧ જેટલા કર્મચારીઓ અને ૧૦૦ જેટલા તાલુકા બહાર ફરજ બજાવતા સર્વિસ મતદારો મળી કુલ ૭૧૧ જેટલા ઇસ્યુ કરાયેલા પોસ્ટલ બેલેટ ધરાવતા મતદારોએ શુક્રવારે મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતપેટીમાં પોસ્ટલ બેલેટ નાંખી મતદાન કર્યું હતું. જેમાં ચુંટણી કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ અને જીઆરડી જવાનો-મહિલાઓએ મતદાન કર્યું હતું.