Editorial

છેલ્લો દાયકો ભારતીય શેરબજારો માટે ઐતિહાસિક રહ્યો છે

ભારતમાં શેરબજારનો ઈતિહાસ ઘણો જૂનો છે પરંતુ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે શેરબજારનો સેન્સેક્સ એટલા પ્રમાણમાં નહોતો. શેરબજારમાં સૌથી પહેલી તેજી હર્ષદ મહેતાના સમયમાં જોવા મળી હતી. ત્યારે સેન્સેક્સે પ્રથમ વખત સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને હાઈએસ્ટ 4467 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, હર્ષદ મહેતાનું સ્કેમ બહાર આવી જતાં સેન્સેક્સમાં સીધો 2000 પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો અને બજારની કેપિટલમાં 1000 બિલિયન ડોલર ઘટી ગયા હતા.

જોકે, તે ઘટાડો થોડા સમય માટે જ રહ્યો હતો અને ફરી ધીરેધીરે બજાર ઉપર આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમાં પણ જીએસટી લાગુ થયા બાદ છેલ્લા 10 વર્ષમાં શેરબજારોએ હરણફાળ ભરી છે. એક સમયે ભારતની ઈકોનોમીમાં સફેદ અને કાળા નાણાં, બંનેનું ચલણ હતું પરંતુ ધીરેધીરે કાયદાઓને કારણે કાળા નાણાનું ચલણ ઘટવા માંડ્યું છે અને હવે બેંકોમાં નાણાં મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા હોવાથી આ તમામ ઈન્વેસ્ટમેન્ટ શેરબજારમાં આવી રહ્યું છે અને શેરબજાર હવે ફાટફાટ થઈ રહ્યું છે.

છેલ્લા 10 જ વર્ષમાં સેન્સેક્સ 25000થી શરૂ કરીને 75000 સુધી પહોંચ્યું છે. મંગળવારે તા.9મી એપ્રિલ, 2024ના રોજ સેન્સેક્સ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. આ એક ઐતિહાસિક ઘડી હતી. મંગળવારે ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, નવસંવત્સર અને ગુડી પડવો હતો અને તે જ દિવસે સેન્સેક્સે 75000ની સપાટી વટાવી હતી. એક વખત આ સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સમાં ઘટાડો પણ થયો હતો પરંતુ 75000ની મેજિક સપાટીએ સેન્સેક્સ પહોંચતા શેરબજારોમાં તમામ ખુશ થઈ ઉઠ્યા હતા. નિફ્ટી પણ 22768ની ઓલટાઈમ હાઈની સપાટીએ પહોંચ્યો હતો.

જો છેલ્લા 10 વર્ષને જ ધ્યાનમાં રાખવામાં આ દસકા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 500 ટકાનો એટલે કે 5 ગણો વધારો થયો છે. 2014માં સેન્સેક્સ 21222 પર હતો. બાદમાં 2017માં સેન્સેક્સમાં મોટો વધારો નોંધાયો હતો. સેન્સેક્સએ 2024માં તો નવી સપાટીઓ સર કરી લીધી છે. સેન્સેક્સ અને નિફ્ટીની ઓલટાઈમ હાઈ સપાટીએ રોકાણકારોને ખુશ કરી દીધા છે પરંતુ સાથે સાથે જે રીતે સેન્સેક્સમાં વધારો નોંધાઈ રહ્યો છે તે ભયજનક પણ છે.

કારણ કે અમેરિકાનું દેવું ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. જેનો ફુગ્ગો ગમે ત્યારે ફુટે તેવી સંભાવના છે. બીજી તરફ વિશ્વમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ગમે ત્યારે ઈઝરાયલ અને ઈરાન પણ લડી પડે તેમ છે. દેશ અને વિદેશના રોકાણકારો હાલમાં ભલે ભારતીય શેરબજારોમાં ખરીદી કરતાં હોય પરંતુ ગમે ત્યારે શેરબજાર મોટાપાયે તૂટે તેવું જોખમ રહેલું જ છે. હાલમાં શેરબજારમાં વધારો જોતાં રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂરીયાત છે. હાલમાં ખરીદી માટે ધીમી ગતિ રાખવી પડે તેમ છે. શેરબજારમાં ઘટાડો નોંધાય તો જ મોટી ખરીદી કરવી તેવું વલણ પણ અપનાવવું પડશે.

આમ તો નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, હાલમાં ભારતના શેરબજારોને વાંધો નહીં આવે અને બની શકે છે કે સેન્સેક્સ એક લાખ પર પણ પહોંચે પરંતુ જેમ જેમ શેરબજારો વધી રહ્યા છે તેમ તેમ જોખમ પણ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય શેરબજારોમાં થયેલો વધારો અનેક રીતે નોંધનીય અને ઐતિહાસિક પણ છે. 10 વર્ષમાં રોકાણકારો માલામાલ થઈ ગયા છે પરંતુ સાવધાની રાખવાની તેટલી જ જરૂરીયાત છે. ભારતમાં હાલમાં વ્હાઈટ મની વધી રહ્યા છે. જ્યાં સુધી આ વ્હાઈટ મની વધશે ત્યાં સુધી શેરબજારને વાંધો આવવાની સંભાવના ઓછી છે પરંતુ તકેદારી જરૂરી છે.

શેરબજારોનો ઈતિહાસ છે કે જેણે શેરબજારોમાં લાંબા સમય માટે રોકાણો કર્યા તેણે મોટો લાભ લીધો છે. આજે બજારોમાં શેરની કિંમતોના મામલે અને તેની વધઘટના મામલે રોકાણકારોને ગેરમાર્ગે દોરનારા અનેક લોકો છે પરંતુ સત્ય એ છે કે આવી ટિપ્સ આપનારાઓના ભરોસે રહેનારાઓ મોટાભાગે પસ્તાય જ છે. ભારતીય શેરબજારો માટે એક એટલી રાહતની વાત છે કે શેરબજારમાં શોર્ટસેલિંગ કરનારા તત્વો હાલમાં શાંત બેઠા છે અને તેને કારણે બજારો તૂટે તેવી સંભાવનાઓ ઓછી છે પરંતુ વિશ્વના બજારોની સ્થિતિ સારી નથી. જે ગમે ત્યારે ભારતીય શેરબજારોને પણ લપેટામાં લઈ લે તેવી શક્યતા છે. રોકાણકારોએ રોકાણ કરતાં પહેલા આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું તે જરૂરી છે.

Most Popular

To Top