વડોદરા: કોરોના મહામારીમાં જીવના જોખમે ડોર ટુ ડોર કામગીરી કરનાર આશાવર્કર બહેનોને છેલ્લા 13 મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. તેમજ તાલુકાઓની પીએચસીમાં એચવી ,એસ.આઈ. એમ.પી.એચ. ડબ્લ્યુ,એફ.એચ.ડબ્લ્યુ,દ્વારા છુટા કરી દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા જીલ્લાના તમામ તાલુકાઓની આશાવર્કર બહેનોએ જીલ્લા કલેક્ટર અને જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પત્ર પાઠવી રજુઆત કરી હતી.
સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના ના કપડા કાળ દરમ્યાન પોતાના જીવના જોખમે ફરજ અદા કરનાર આશા વર્કર બહેનોની પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા સોમવારે વડોદરાના ડભોઇ, કરજણ, શિનોર , પાદરા સહિતના તમામ તાલુકાઓની આશાવર્કર બહેનોએ એકત્ર થઈ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી તેઓએ કરેલી કોરોનાની વેક્સિનેશનની કામગીરીનું મહેનતાણું ચૂકવવામાં આવે તેમજ તેમના ઉપલા અધિકારીઓ દ્વારા છુટા કરી દેવાની આપવામાં આવતી ધાક ધમકીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
આશાવર્કર બહેનો એ જણાવ્યું હતું કે અમારી પાસે કોવિડની કામગીરી સવારના 8:00 થી સાંજના 06:00 સુધી અને રાત્રે પણ અમારી પાસે કામગીરી કરવામાં આવે છે. તેનું મહેનતાણું આજદિન સુધી ચુકવવામાં આવ્યુ નથી.એચ.વી તથા પીએચઓ દ્વારા કોવિડ ની કામગીરી નહીં કરો તો છુટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આશાવર્કર બહેનોને પગાર ફક્ત રૂપિયા 2000 જ આપવામાં આવે છે. અને રૂપિયા 25 હજારના પગારવાળાઓનું કામ અમારી પાસે કરાવે છે. મમતા દિવસે ડ્રેસ પહેર્યો ના હોય તો રૂપિયા 200 કાપી નાખવામાં આવે છે.અને માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. કોરોનામાં પણ ડોર-ટુ-ડોર વારંવાર સર્વે કરાયો છે. છતાં સ્ટાફ નર્સ દ્વારા અમારી સાથે ગમે તેવું વર્તન કરે છે.