એક નાના ગામમા રહેતો મોહન બધી રીતે દુઃખી હતો તેના મનમાં દુનિયાના દરેક લોકો અને દરેક બાબત પર ગુસ્સો હતો તે હંમેશા દુનિયાની ફરિયાદ કરતો. તેને લાગતું કે લોકો ખોટા છે, સ્વાર્થથી ભરેલા છે અને કોઈમાં સચ્ચાઈ કે પ્રેમ નથી. એક દિવસ તેણે પોતાના ગુરુજીને કહ્યું: “ગુરુજી, આ દુનિયા કેટલી અંધકારમય છે. કેટલો પણ પ્રયત્ન કરું, સારું કંઈ નજર આવતું નથી. આ દુનિયા માણસોએ રહેવા લાયક રાખી જ નથી બધે સ્વાર્થ લોભ લાલચ અને દગો જ છે. મને તો આપણું અને આ સમગ્ર દુનિયાનું ભવિષ્ય અંધકારય લાગી રહ્યું છે”
ગુરુજી સ્મિત કરીને બોલ્યા:
“બેટા, આજે રાત્રે આ દીવડો લઈને બહાર નીકળજે. ગામની સૌથી અંધારી ગલીઓમાં ફરજે અને પછી મને કહેજે કે શું જોયું.” રાત્રે મોહન નાનકડો દીવડો લઈને બહાર ગયો. રાત્રિના અંધકારથી ભરેલી ગલીઓમાં જ્યારે તેણે દીવડો પ્રગટાવ્યો, ત્યારે નાનકડા દીવડા માંથી પ્રકાશનું કિરણ ફેલાયું અને ચારે બાજુ પ્રકાશનો ચમકાર થયો.રસ્તો ચમકી ગયો અને અંધકાર ગાયબ થઈ ગયો તે શાંતિથી ગલીમાં ચાલ્યો અને તેને અંધકારનો કોઈ ડર રહ્યો નહીં.
બીજે દિવસે સવારે તેણે ગુરુજીને કહ્યું:
“ગુરુજી, ગામની સૌથી અંધારી ગલીમાં ગયો હતો પણ આ દીવડો મારી પાસે હતો એટલે અંધકારનો ભય લાગ્યો જ નહીં.”
ગુરુજી શાંતિથી સમજાવતાં બોલ્યા: “ હવે મારી વાત સમજ તારા મત પ્રમાણે કે માન્યતા મુજબ દુનિયા અંધકારથી ભરેલી હોઈ શકે છે. પરંતુ જો તું પોતે દીવડો બનશે, તો તારી પોતાની રોશની તારી આસપાસનો અંધકાર દૂર કરશે. સતત દુનિયા માટે ફરિયાદ કરવા કરતાં સારું છે કે તું પોતે દીવડો બનીને પ્રકાશ ફેલાવ.” મોહને તે દિવસથી નક્કી કર્યું કે તે બીજાઓની ખામીઓ શોધવાની જગ્યાએ પોતે સારા કામો કરીને દુનિયાને પ્રકાશિત કરશે. દુનિયાના અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કરશે- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.