Business

મનની શાંતિ માટે ખૂનીએ શરણાગતિ સ્વીકારી

શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ માત્ર બાહ્ય દેખાડો જ હોય છે. તેમના અંતરમાં તો વલોપાત જ હોય છે. મનની શાંતિ નિષ્કલંક દીલ, કરેલ પાપના પશ્ચાતાપ અને કલ્યાણકારી કામો કરવાથી જ મળે છે. ઈટાલીના બાસ્સા શહેરમાં  ઘટેલ એક ઘટના અત્રે પ્રસ્તુત છે. શહેરના ફૂટપાથના એક ખૂણા પર એક મોચી જુતાં પોલીસ અને રીપેરીંગનુ કામ કરતો હતો. એક દિવસ એક છોકરા પર ગુસ્સો આવતાં એણે એનું તિક્ષણ અણીદાર લોખંડનુ હથીયાર તેના તરફ ફેંક્યું; જેના જોરદાર ઘાના કારણે છોકરાનું તત્કાળ મૃત્યુ થયું. આથી ગભરાઈ ગયેલ મોચીએ તેના પર કોઈની નજર પડે તે પહેલાં તેના મૃતદેહને નજીકમાં સંતાડી દીધો અને લોહી વગેરે સાફ કરીને જાણે કંઈ બન્યું ન હોય તેમ એના કામમાં લાગી ગયો. રાતના અંધારામાં લાશને જંગલમાં દફનાવી આવ્યો. કોઈને પણ આ બાબતની ખબર ન હતી. તત્કાલ મોચીને બનાવ છૂપાવ્યાનો સંતોષ થયો પણ તે અલ્પજીવી હતો‌.

હત્યાની આ ઘડીથી જ એનો અંતરાત્મા એને ડંખવા લાગ્યો. એનો આનંદ ઓસરી ગયો. અપરાધભાવથી પીડાવા લાગ્યો. ઊંઘ હરામ થઈ ગઈ. થાકી, કંટાળી તે એનાં ઓજારો લઈ અમેરિકા ચાલ્યો ગયો. અહીં એનો ધંધો જામ્યો. આવક ઘણી વધી ગઈ. સુખનાં સાધનો ઉપલબ્ધ બન્યાં. પણ મનની શાંતિ ન મળી. બેચેની રોજે રોજ વધવા લાગી. કંટાળીને બે વર્ષ બાદ સ્વદેશ પાછો આવી ગયો. પોલીસ પાસે જઈ શરણાગતિ સ્વીકારી. ગુનાની કબૂલાત કરી. અદાલતમાં કેસ મુકવામાં આવ્યો. એણે ગુનો કબૂલ કરી લીધો.

 સજાનો હુકમ કરતાં પહેલાં ન્યયાધીશે મૂજરીમને પૂછ્યું કે, નસીબ તારી તરફેણમાં હતું. તારા ગુનાનું રહસ્ય ખુલ્યું ન હતું. અમેરિકામાં તું શાંતિથી રહી શક્યો હોત. છતાં પાછા આવીને તેં શરણાગતિ સ્વીકારી, ગુનો કબૂલ કેમ કર્યો ? એણે જવાબ આપ્યો: જજ્ સાહેબ, આ ઘટનાના દિવસથી મેં ક્યારેય શાંતિ અનુભવી નથી. એ બાળકની યાદે મારી ઊંઘ હરામ કરી નાખી છે. લોહી ઝરતો એ હાથ કાયમ મારી નજર સમક્ષ દેખાય છે. આપ મને સજા કરો અને આ દો જખવાથી છૂટકારો અપાવો! હા, ધન અને સાધન સંપત્તિ સાચું સુખ નથી આપતાં, મનની શાંતિ જ સાચુ સુખ આપે છે, જે દીલ સાફ અને નિષ્કલંક રાખવાથી મળે છે.

બાઈબલમાં સૃષ્ટિના ઉત્પત્તિકાળની પ્રાચિન કહાની છે. સૃષ્ટિનાં પ્રથમ માનવ આદમ અને ઈવના બે પુત્રો હતા: કાઈન અને આબેલ. કાઈન ખેતી કરતો હતો અને આબેલ પશુપાલન કરતો હતો. એક વખત કાઈન જમીનની ઉપજમાંથી શ્રેષ્ઠ ધાન્ય લઈ ઈશ્વર પાસે ગયો અને ઈશ્વરને નૈવેદ્ય અર્પણ કર્યું, જે, ઈશ્વરે ખુશીથી સ્વીકારી લીધું. પછી આબેલ તેના પશુધનમાથી શ્રેષ્ઠ   પશુ લઈ નૈવેદ્ય ધરાવવા ઈશ્વર પાસે ગયો પણ ઈશ્વરે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો; જેથી તે રોષે ભરાયો અને તેનું મોઢું ઉતરી ગયું. ઈશ્વરે તેને કહ્યું કે તું શા માટે મોઢું બગાડે છે? તારાં બુરાં કૃત્યોને કારણે મેં તારું નૈવેદ્ય સ્વીકાર્યું નથી.

જો તું સારાં કૃત્યો કરે તો તારું નૈવેદ્ય પણ સ્વીકારવામાં  આવે. પણ ઈશ્વરની આ સલાહ ગણકાર્યા વિના તે મોઢું  બગાડીને ચાલી ગયો. પછી એના ભાઈ કાઈનને ભોળવીને સીમમાં લઈ ગયો અને એની હત્યા કરી નાખી. આ હત્યાએ એને જીંદગીભર શાંતિથી જીવવા દીધો નહીં. ઈશ્વરે તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તારા ભાઈના લોહીથી તું જે જમીન ખેડતો હતો તે હવે શાપિત બની છે. તેમાં અનાજ પાકશે નહીં. હવે તું આ ભૂમિમાં રહી શકશે નહીં. તારે તારાં પશુઓ સાથે જીવનભર ભટકવું પડશે. તે પ્રભુ પાસે કરગર્યો કે તેના માટે આ સજા અસહ્ય છે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે. ઈશ્વરે દયા દાખવીને તેને પ્રોટેક્શન આપ્યું છતાં તે ભયનોમાર્યો બહાવરો બની અહીં-તહીં ભટકતો રહેતો.

જે જુએ તેનાથી ડરતો હતો કે, એ તેને મારી નાખશે. જંગલી પ્રાણીઓનો આવાજ સાંભળતાં તે ધ્રુજી ઉઠતો. નદી અને પાણી જોતાં જ તે એને ડુબાડી મારશે એવો ભય તેને લાગતો. આવી ભયંકર યાતનામાં એણે આખી જિંદગી વિતાવી! મહાભારતમાં એક સુંદર પ્રેરણાદાયી પ્રસંગ છે. મહાભારતનું યુધ્ધ એક પરિવારનાં બે જુથો વચ્ચેનું યુધ્ધ હતું. ભીષ્મપિતામહ બન્ને જુથના આદરણીય વડીલ હતા. એમની સલાહ બન્ને જુથો સ્વીકારે તેમ હતાં. છતાં જ્યારે ભરી સભામાં કૌરવોએ દ્રોપદીના વસ્ત્રનું હરણ કરી તેને અપમાનિત કરી ત્યારે તે મૂક સેવક બની રહ્યા. તેમજ યુધ્ધ અટકાવવા તેમણે દરમ્યાનગીરી કરી હોત તો શક્યતઃ યુધ્ધ અટકાવી શકાયું હોત. પણ તેઓ ત્યાં પણ સ્થિતપ્રજ્ઞ બની રહ્યા. એમની આ નિષ્ક્રિયતા બદલ પાછળથી એમને અફસોસ થયો. અપરાધભાવથી તેઓ વ્યથિત થઈ ગયા અને તેના પ્રાયશ્ચિત્ત રુપે તેમણે અંતિમ સમયે બાણશૈયા પર સુઈને આકરુ બલિદાન આપ્યું!!

Most Popular

To Top