સુરત: અંગદાનમાં કિડની મેળવનાર મહિલાએ જેની કિડની મેળવી તે મહિલાની દિકરીના લગ્નમાં માતા-પિતાની જેમ તમામ વિધિ પુર્ણ કરી હતી. સિટી લાઈટની મહિલા બ્રેઈનડેડ જાહેર થતાં તેની કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. તે કિડની બાયડના જ્યોત્સનાબેનને મળી હતી.
- ન્યૂ સિટીલાઈટના રાધેકિરણબેન 2019માં બ્રેઈન ડેડ જાહેર થતાં તેમની કિડનીનું દાન બાયડના જ્યોત્સનાબેનને મળ્યું હતું
- સ્વ. રાધેકિરણબેનની દીકરી ક્રિષ્નાના લગ્નમાં જ્યોત્સનાબેન પતિ પ્રવિણભાઈ સાથે આવ્યા અને માતા-પિતા તરીકેની વિધિ પણ કરી
ન્યૂ સિટીલાઈટમાં આગમ આદેશ્વર ખાતે રહેતા કલ્પેશભાઈ લાકડાવાલાના પત્ની રાધેકિરણબેન 17 જુન 2019ના રોજ ઘરમાં પડી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 જુન 2019ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. પરિવારે અંગદાનની સંમતિ આપતાં તેમનું હાર્ટ, લંગ્સ, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.
તેમની કિડની અમદાવાદથી આગળ બાયડ ખાતે રહેતા જ્યોત્સનાબેન પ્રવિણભાઈ પટેલને મળી હતી. રાધેકિરણબેનની કિડની જ્યોત્સનાબેનમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. જ્યોત્સનાબેન ગણતરીના દિવસોમાં સ્વસ્થ થઈ ગયા હતા. 31 જાન્યૂઆરી 2023ના રોજ રાધેકિરણબેનની દીકરી ક્રિષ્ણાના લગ્ન થયા હતા. તેમાં વિધિ માટે માતા-પિતાએ બેસવાનું હતું. ત્યારે રાધેકિરણબેનની કિડની જ્યોત્સનાબેનને મળી હોવાથી રાધેકિરણબેનના પરિવારે જ્યોત્સનાબેનનો સંપર્ક કરીને ક્રિષ્ણાના લગ્નમાં માતા-પિતા દ્વારા કરાતી વિધી કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
જ્યોત્સનાબેન અને પ્રવિણભાઈ આમંત્રણ સ્વીકારીને લગ્નમાં આવ્યા હતા. તેઓએ લગ્નમાં માતા-પિતા દ્વારા કરાતી તમામ વિધી કરી હતી. ક્રિષ્ણાબેને જણાવ્યું હતું કે લગ્નમાં વિધી ચાલતી હતી ત્યારે એવું લાગ્યું કે તેમની માતા રાધેકિરણબેન તેમની સામે બેઠા છે.