Madhya Gujarat

ખંભાતનો કોસ્ટલ હાઈવે સૌરાષ્ટ્ર માટે મહત્વની કડી બનશે

આણંદ : ખંભાત ખાતે નગરપાલિકાને રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની ગ્રાંટમાંથી 314 લાખના ૩૦ રસ્તાના કામો સહિત વિવિધ કામોનું લોકાર્પણ રાજય મંત્રી વિનોદભાઇ મોરડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું રાજય મંત્રી વિનોદભાઇ મોરડિયાએ રાજય સરકાર સમાજના તમામ લોકોના હિતાર્થે કામ કરી રહી હોવાનું જણાવી સરકારી વિવિધ યોજનાઓના લાભો સહિત વિકાસના કામો માટે નાણાંકીય કોઇ કમી ન રહે તેવું નકકર આયોજન મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વ હેઠળની સરકારે કર્યું હોવાનું કહ્યું હતું.

ખંભાત ખાતે શહેરી વિકાસ રાજય મંત્રી વિનોદભાઇ મોરડિયાના હસ્તે નગરપાલિકાને શહેરના નાગરિકોની સુખાકારી માટે રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની ગ્રાંટમાંથી 314 લાખના ખર્ચે નિર્માણ પામેલા સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સોલ્યુશન સિસ્ટમ, એક જેસીબી મશીન, એક એમ્બ્યુલન્સ વાન, એક ડોઝર, એક મીની ટ્રેકટર અને શહેરના જુદા જુદા વિસ્તારોના 30 રસ્તાના કામો, રાજય સરકારની જુદી જુદી વિકાસ યોજનાઓની ગ્રાંટમાંથી રૂા.98 લાખના ખર્ચે નિર્માણ પામનાર શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાના કામો તથા શાસ્ત્રીનગર તથા અન્ય વિસ્તારની ગટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજય મંત્રી વિનોદભાઈએ જણાવ્યું હતું કે, રાજય સરકાર રાજયની સૂકી ભઠ્ઠ જમીનને લીલીછમ કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરી ભારતમાં આવી રહેલા પરિવર્તનનો ચિતાર આપ્યો હતો. તેમણે ખંભાત ખાતેનો કોસ્ટલ હાઇવે સાકાર થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી કડી ખંભાત બનશે. નર્મદા ડેમ પર દરવાજા બેસાડવાની મંજૂરી આપવાની હોય કે 370ની કલમ દૂર કરવાની વાત હોય તે કામ ગુજરાતના બે પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમીતભાઇ શાહે કરી બતાવ્યું છે.

આ પ્રસંગે ખંભાતના ખારા પાણીના પ્રશ્નનો ઉલ્લેખ કરી ખંભાતને મીઠું પાણી મળી રહે તે માટે સરકાર ચિંતિત હોવાનું જણાવી ખંભાતને મીઠું પાણી મળે રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપી હતી. ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલએ નગરપાલિકાઓની રચનાના ઇતિહાસની ગાથા વર્ણવી ખંભાત નગરપાલિકામાં પાછલા 30 વર્ષોમાં ખંભાત શહેરના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની ઝાંખી કરાવી હતી.

આ પ્રસંગે જેનરોબોટીકસ કંપનીના પ્રતિનિધિએ રોબોટીક કેવી રીતે કામ કરે છે ? તેની જાણકારી આપતાં ઉમેર્યું હતું કે,  સમગ્ર દેશના 14 રાજયોમાં હાલ રોબોટીક કામ કરી રહ્યાં છે. જે પૈકી ગુજરાતની “બ” વર્ગની નગરપાલિકાઓ પૈકી ખંભાત નગરપાલિકા સમગ્ર રાજયમાં પ્રથમ છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાત રાજયમાં રોબોટીકસનો ઉપયોગ થાય તેવી આશા વ્યકત કરી હતી. જયારે ખંભાત નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સોલ્યુશન સિસ્ટમ કઇ રીતે કામ કરશે ? તેની જાણકારી મરકયુરી વેના પ્રતિનિધિએ આપી હતી.

આ કાર્યક્રમના પ્રારંભમાં ખંભાત નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન ગાંધીએ સ્વાગત પ્રવચન કરી ખંભાત નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા અને આવી રહેલ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી. અંતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર કિરણ શુકલએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદભાઇ સિંધા, સોજિત્રા નગરપાલિકાના પ્રમુખ રજનીભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ રમણભાઇ સોલંકી, ભીખાભાઇ, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી ગઢવી, ખંભાત નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનઓ, પૂર્વ પ્રમુખઓ, વર્તમાન અને પૂર્વ કાઉન્સિલરો, ઓએનજીસી ખંભાતના અધિકારીઓ-કર્મચારીઓ, ખંભાત નગરના શ્રેષ્ઠીઓ, સામજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાતને 80  લાખના બે રોબોટીક સુઅર કલીનીંગ મશીનનું લોકાર્પણ કરાયું
સમગ્ર રાજયની “બ” વર્ગની નગરપાલિકાઓમાં ખંભાત નગરપાલિકા રાજયમાં એક માત્ર એવી પહેલી નગરપાલિકા છે કે શહેરની ગટર લાઇનોની સફાઇ માટે ઓ.એન.જી.સી. ફાઉન્ડેશન, ખંભાત તરફથી 80 લાખના બે (ર) રોબોટીક સુઅર કલીનીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવયું છે ખંભાત નગરપાલિકાને ઓ.એન.જી.સી. ફાઉન્ડેશન તરફથી ગટર સફાઇ માટે છ રોબોટીક આપવામાં આવશે જેમાંથી  હાલમાં બે રોબોટીક ખંભાત નગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યા છે.

ખંભાત પાલિકાના કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતરવું નહીં પડે
ઓએનજીસી ખંભાતના એસેટ મેનેજર શાંતિસ્વરૂપ શર્માએ જણાવ્યું હતું કે, ગટરની સફાઇ કરતાં કામદારોને ગટરમાં સફાઇ કરવા માટે ઉતરવું પડતું હતું. જેના કારણે તેઓના સ્વાસ્થ્ય પર અસર થતી હવે આધુનિક રોબોટીક મશીન આવતાં ઓછા સમયમાં ઝડપી સફાઇ કરવાની સાથે કામદારોના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

Most Popular

To Top