ગાંધીનગર: ગયા મહિને જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા (Exam) પેપર લીક (Paper Leak) થવાના લીધે છેલ્લી ઘડીએ રદ થઈ હતી. આ ઘટના ખૂબ ગાજી હતી. સરકાર પર ખૂબ માછલા ધોવાયા હતા. ત્યારે સરકારે 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી. આ વચન સરકારે પાળી બતાવ્યું છે. આજે પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchyat Seva Pasandgi Seva Mandal) દ્વારા જુનિયર ક્લાર્ક અંગે મહત્ત્વની જાહેર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. હજુ સુધી તારીખ જાહેર કરાઈ નથી. ટૂંક સમયમાં તારીખની ઘોષણ કરાશે એવું ગુજરાત પંચાયત પસંદગી મંડળ ના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
- એપ્રિલ મહિનામાં લેવામાં આવશે નવેસરથી જુનિયર ક્લાર્કની પરીક્ષા
- ગુજરાત પંચાયત પસંદગી મેળા દ્વારા ટૂંક સમયમાં તારીખ જાહેર કરાશે
- અંદાજે 9 લાખથી વધુ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે
ગયા મહિને જુનિયર ક્લાર્કની પરીક્ષા પંચાયત વિભાગના પસંદગી મંડળ દ્વારા આયોજિત કરાઈ હતી, પરંતુ પરીક્ષાની પૂર્વ રાત્રિએ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. રાજ્યભરમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર ધમાલ મચાવી હતી. સરકાર પર માછલા ધોવાયા હતા. વારંવાર પેપર ફૂટતા હોવાના લીધે વિપક્ષોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારે આ મામલાને ગંભીરતાથી લઈ પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે હસમુખ પટેલની નિયુક્તિ કરી દીધી છે. આજે હસમુખ પટેલ પોતાનો ચાર્જ સંભાળશે અને આગામી દિવસોમાં પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવું તેની રૂપરેખા ઘડવામાં આવશે. સરકાર દ્વારા 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાશે તેવો વાયદો કરાયો હોય હસમુખ પટેલ સામે પ્રશ્નપત્ર બનાવવાથી માંડી પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની ઉપરાંત પેપર લીક નહીં થાય તે માટે બંદોબસ્ત ગોઠવવાની જવાબદારી રહેશે.
સરકારે પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓ રોકવા સામે કાયદો બનાવવાની પણ ક્વાયત હાથ ધરી છે. બજેટના સત્રમાં આ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે રાજ્યમાંથી કુલ 9,53,723 ઉમેદવારોએ અરજી કરી છે. આ ઉમેદવારો ખૂબ જ આતુરતાથી પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે.