Comments

ન્યાયતંત્ર જ મહિલાઓના બંધારણીય હકનું રક્ષણ કરવામાં પાછી પડે છે

મહિલાઓ સામેની જાતીય હિંસાના કિસ્સામાં ઘણી વાર લાગે છે કે ભારતીય બંધારણનાં મૂલ્યોને સાચવવાનું કામ સુપ્રીમ કોર્ટ વિના કેમનું સચવાયું હોત? બંધારણના અમલનાં પંચોતેર વર્ષ થયાં, પણ બંધારણનો અમલ કરનાર ન્યાયતંત્ર તેમજ કાયદા ઘડનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવારનવાર નાસીપાસ કરતા રહે છે. ૨૦૨૫ના વર્ષનું સરવૈયું કરીએ તો દેશની હાઈકોર્ટોના એક કરતાં વધારે ચુકાદા ધરાર સ્ત્રી વિરુદ્ધનાં લાગે. જાણે કાયદાના અર્થઘટનની આંટીઘૂંટીમાં એનો આત્મા જ કાઢી નાખ્યો હોય એવું લાગે. દેશ આખાનું ધ્યાન ફરી એક વાર ઉન્નાવ બળાત્કાર કેસ પર છે.

સગીર વયના બાળકને જાતીય હિંસા સામે ન્યાય આપવા ઘડાયેલા પોક્સો કાયદા હેઠળના આ બહુચર્ચિત કેસમાં દિલ્હી હાઈકોર્ટે ગુનેગાર કુલદીપ સિંહ સેંગરની જન્મટીપની સજા મોકૂફ રાખી એને જમાનત આપી. સજાનાં સાત વર્ષ પછી કોર્ટને ‘જાહેર સેવક’ ની વ્યાખ્યા ‘સરકારી નોકર’ પૂરતી મર્યાદિત કરવું યોગ્ય લાગ્યું અને એ સમજ પ્રમાણે વિધાયક તો ચૂંટાયેલો પ્રતિનિધિ કહેવાય – સરકારી નોકર નહિ. કાયદામાં ‘જાહેર સેવક’ની વ્યાખ્યા અલગ કરવા પાછળનો આશય તો ગુનેગાર અને પીડિતા વચ્ચેના સત્તાના દરજ્જાના દુરુપયોગને ધ્યાનમાં લેવાનો હતો, જે વિભાવનાને ગણતરીમાં લેવું કોર્ટને જરૂરી ના લાગ્યું! એ કુલદીપ સેંગરની સત્તાનો જ પ્રતાપ હતો કે એણે સત્તર વર્ષની  સગીર બાળાનો બળાત્કાર કર્યો, સ્થાનિક પોલીસ ચોકી પર પીડિતાની ફરિયાદ નોંધાવાઈ નહિ, એના પિતાને બનાવટી કેસ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા અને પોલીસ કસ્ટડીમાં એમનું મૃત્યુ થયું અને પાછળથી કાર એક્સિડન્ટમાં પીડિતા ગંભીર રીતે ઘવાઈ અને એની બે માસીઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું! કોઈ એક જ પીડિતા સાથે આટલી બધી ઘટના ઘટવી એ યોગાનુયોગ તો ના જ હોઈ શકે. દેખીતી રીતે સત્તાનું વરવું પ્રદર્શન હતું. પણ, ખેર દિલ્હી હાઈકોર્ટનો મુડ જુદો હતો!

આ સમગ્ર ઘટના ક્રમમાં ઉન્નાવની દીકરીને સલામ કરવી ઘટે. આટઆટલાં વિઘ્નો પછી પણ એણે ન્યાય માટે લડાઈ ચાલુ રાખી. ૨૦૧૭માં પોલીસે ફરિયાદ ના નોંધી તો મુખ્યમંત્રીના આવાસ પાસે જઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો કે જેથી નિષ્ઠુર સત્તાધીશોનું ધ્યાન જાય અને સાથે મીડિયાનું કવરેજ મળે તો આખા દેશનું ધ્યાન જાય. પિતાનું જ્યુડીશીયલ કસ્ટડીમાં મૃત્યુ અને ત્યાર બાદ જીવલેણ અકસ્માતમાં બે માસીઓનાં મૃત્યુ જેવા ઘાતક હુમલા પછી કોઈનો નિશ્ચય ડગી શકે છે – પણ આ પીડિતા એ ન્યાય માટેની લડાઈ ચાલુ રાખી. દેશભરથી નાગરિક સમાજનો ટેકો એને મળ્યો. 

૨૦૧૯માં જ્યારે કુલદીપ સેન્ગર સામેના ગુના સાબિત થયા અને એને આજીવન કેદની સજા થઇ લાગ્યું હતું કે સંઘર્ષે રંગ રાખ્યો અને બાળાને ન્યાય મળ્યો હોય એવું આશ્વાસન મળ્યું હતું. પણ, આજે સાત વર્ષે દિલ્હી હાઈકોર્ટને સજા મોકૂફ રાખવું યોગ્ય લાગ્યું! પીડિતા, એની માતા એના પતિ અને અન્ય કુટુંબીજનોએ ઇન્ડિયા ગેટ જઈ કોર્ટના ચુકાદા સામે વિરોધ પ્રદર્શન કર્યા, કારણકે ઉનાવનો બાહુબલી જો પોતાના વિસ્તારમાં મોજૂદ હોય તો એ કાંઈ પણ કરી શકે. ભૂતકાળમાં આટલાં કુટુંબીજનોને ગુમાવ્યા પછી આ ડર અસ્થાને પણ નથી. પણ પોલીસ તેમને ત્યાંથી એવું કહી બળજબરીથી ખસેડ્યા કે કોર્ટે સેન્ગરને પીડિતાથી કમસે કમ પાંચ કિલોમીટરનું અંતર રાખવા કહ્યું છે તો પછી ચિંતા શાની? પોલીસની આ બાલિશ દલીલને એમનું ભોળપણ કહીશું કે પછી ગુનામાં સાજેદારી?

સત્તાધારીઓને મન બળાત્કાર જાણે સામાન્ય ઘટના છે. ઇન્ડિયા ગેટ પરથી પીડિતા અને એનાં કુટુંબીજનને  હટાવાયાં એ સંદર્ભે ઉત્તરપ્રદેશના મંત્રી ઓ.પી.રાજભરનું નફ્ફટાઈભર્યું હસવું એની સાબિતી છે. હજુ પણ, જંતરમંતર પર યૌન શોષણનો વિરોધ કરી રહેલી આપણી મહિલા કુસ્તીવીરનો અવાજ સંભળાય છે. એમને પણ તો ટીંગાટોળી કરી હટાવાયાં હતાં. દેશ માટે જીતેલા એમના કોઈ મેડલ એમને કામ નહોતા આવ્યા. અને અંતે શું થયું? બ્રીજ ભૂષણ શરણ સિંઘ સામે ક્યાં કોઈ પગલાં લેવાયાં!

૨૦૨૫ની જ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટની જાતીય હિંસાના કેસમાં સંવેદનશીલતા જાળવવાની તાકીદ કરવી પડી હતી. ત્યારે પણ હાઈકોર્ટે બળાત્કારના અપરાધીના જામીન મંજૂર કર્યા હતા અને જાણે પીડિતાએ સામેથી આફત વહોરી હોય એવી પીડિતાના માથે જ દોષારોપણ કરતી ટીપ્પણી કરી હતી. પોક્સોના એક બીજા કેસમાં આરોપી પર લાગેલી કલમોને હળવી કરતાં અલાહાબાદ હાઈકોર્ટ ના જજે કહ્યું હતું કે સ્તનને સ્પર્શવું કે સલવારને ખેંચીને ઉતારવાને બળાત્કાર ના ગણાય! કાયદાનું આવું અર્થઘટન એટલું તો ભયાનક હતું કે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સુનાવણી કરી હાઈકોર્ટના આદેશની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

મહિલાઓ સામેની હિંસામાં ન્યાય ઘણી વાર છેતરામણો હોય છે. કાયદા તો આપણે કડક બનાવ્યા છે પણ એનો અમલ કરનારની સમજણ અને પૂર્વગ્રહ કાગળ પર લખાયેલા કાયદાથી બદલાતી નથી. કાયદાનું અર્થઘટન કરતી વખતે વર્ષો જૂનાં પિતૃસત્તાક સામાજિક મૂલ્યો માથું ઊંચું કરી લે છે અને સમાજમાં પ્રવર્તતો સામાજિક ભેદભાવ સપાટી પર આવી જાય છે, જે આપણા બંધારણનાં મૂલ્યોનું રક્ષણ કરવામાં નાસીપાસ થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top