જૂના કાળમાં વસ્તુની આપ-લે વ્યવહારમાં બાટર પદ્ધતિ અમલમાં હતી. વસ્તુના બદલામાં બીજી વસ્તુ- મોચી જોડા સીવી આપે તો ખેડૂત બદલામાં અનાજ આપી દેતો. લુહાર તલવાર કે હળ બનાવે તો બદલામાં બીજી વસ્તુ મેળવી લેતો. ત્યાર પછી આવ્યા સિક્કા. વસ્તુની સામે તેટલા મૂલ્યના કોઈન અપાતા- આમાં આપનાર-લેનાર વચ્ચે સંબંધ રહેતો. સિક્કાનો સ્પર્શ પણ આનંદ આપતો. ત્યાર પછી આવી કરન્સી નોટ, તેમાં પણ આપવા-લેવામાં આનંદ તો રહેતો. સાથે સાથે સંબંધ પણ રહેતો. નોટનો સ્પર્શ પણ આનંદ આપી જતો.
સુખનો અહેસાસ રહે. ઘણી વાર આવેલી નોટોમાંથી સારી સારી નોટો અલગ કરીને જૂની નોટો પહેલાં ચલાવી લેવામાં ડહાપણનું કામ લાગતું.હવે ઓનલાઈન પેમેન્ટમાં નોટને સ્પર્શવાની કંઈ જરૂર ના રહી. ના છૂટાની ઝંઝટ, ના પૈસા ગણવાની માથાકૂટ, એક મોબાઈલની ક્લીકથી કામ આસાન થઈ જાય. સગવડતા અને સરળતા ઘણી થઈ ગઈ. પણ સંબંધો ખલાસ થતા ગયા. વસ્તુ મળી ગઈ. પૈસા ચૂકવી દીધા. બસ પૂરા. બસ, ખાઓ-પીઓ મઝા કરો. વૈજ્ઞાનિક પ્રગતિ અને વૈજ્ઞાનિક અભિગમ આવકાર્ય પણ જેના માટે આ બધું છે એ માનવીનું શું ભવિષ્ય? એવું લાગે છે કે સાચા આનંદ માટે થોડા પાછા વળવાની જરૂર છે.
સુરત – પ્રફુલ એમ. કંસારા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.