Columns

જિંદગી જીવવાની મજા

રમીલાકાકીના ઘરે તેમનાં બહેનપણી યામિનીબહેન મળવા આવ્યાં. યામિનીબહેન સરસ તૈયાર થયેલાં હતાં પણ મોઢા પર ઘણો થાક વર્તાતો હતો. રમીલાબહેને પૂછ્યું, ‘‘કેમ થાકેલી લાગે છે?’’ યામિનીબહેને કહ્યું, ‘‘અરે, જવા દે ને વાત, સવારે જમવામાં કરેલાં-કાજુનું શાક બનાવવાનું હતું. બધાને મારા હાથનું જ શાક ભાવે એટલે તે બનાવ્યું પછી ઘરમાં તાજાં અથાણાં હોય કે બાર મહિનાનાં બધાં અથાણાં તો મારા હાથનાં જ બરાબર બને અને મને તે જ ભાવે. આજે મિક્સ શાકનું અથાણું બનાવ્યું અને મને મારો રૂમ પણ કોઈ સાફ કરે કે ગોઠવે તે ગમે નહિ એટલે બાઈ સાફ કરે તો પણ હું ફરી સાફસફાઈ કરું જ એટલે બધું કરીને જલ્દી જલ્દી તૈયાર થઈને નીકળી એટલે બપોરની ઊંઘ થઈ નથી એટલે મોઢા પર થાક લાગતો હશે.’’
રમીલાબહેન હસ્યાં અને બોલ્યાં, ‘‘સાચું કહું યામિની, આપણી દોસ્તીને આટલાં વર્ષો થયાં એટલે મોઢા પર કહી શકું છું કે તને જિંદગી જીવવાની મજા લેતાં જ નથી આવડતું…’’

યામિનીબહેનને બહેનપણીની કડવી વાત સાંભળવી ન ગમી એટલે તેમણે તરત પૂછ્યું, ‘‘કેમ આમ કહે છે. હું તો હજી પણ સરસ તૈયાર થઈને નીકળું છું. મનગમતું કામ કરું છું, હરવા –ફરવા જાઉં છું, બધા મારા વખાણ કરતાં થાકતાં નથી. મારા જેવાં અથાણાં કોઈ ન બનાવી શકે. બધાં આંગળાં ચાટતાં રહી જાય.તને ખબર છે ઘરમાં મહેમાન આવે તો મારા હાથની જ ચા માંગે અને મીઠાઈ પણ હું જ બનવું.’’

રમીલાબહેન ફરી હસતાં હસતાં બોલ્યાં, ‘‘યામિની, અહીં જ તારી ભૂલ થાય છે. હું જ બનાવું…મારા હાથનું જ બધાને ભાવે …મારાથી જ બરાબર થાય…આ કામ મેં કર્યું …તારી વાતોમાં હું… હું…હું પણું સતત છલકે છે. તને ખબર છે, આ જ તારી ભૂલ છે. બધું કામ તું કરે છે, થાકી જાય છે …તું શરીર તોડીને કામ કરે અને કોઈ વખાણ ન કરે કે જશ ન આપે તો તને દુઃખ થાય છે. તારા આવા સ્વકેન્દ્રી અને હું જ બધું બરાબર કરું છું તેવા વર્તનથી ક્યારેક બીજાને માઠું લાગી શકે.

વહુ દીકરીઓને તું કરવા જ ન દે તે કેમ ચાલે? તેમને શીખવાડ, બીજાની રીત જો …ક્યારેક તું બધું છોડીને બેસ… ક્યારેક તું બીજાનાં વખાણ કર… જો મારું માન, આજથી જ ‘મેં કર્યું’….’હું જ કરી શકું’… ‘મારાથી જ બરાબર થાય’ તે વાક્યો, વિચારો અને વૃત્તિને ભૂલી જા, દરિયામાં ડુબાડી દે, પછી જો જીવન જીવવાની કેવી મજા આવશે.’’ રમીલાબહેને બહેનપણીને ભૂલ દેખાડી જિંદગી મોજથી જીવવાની રીત સમજાવી.

Most Popular

To Top