એક ચક્રવર્તી સમ્રાટ હતા. તેમણે અનેક યુદ્ધો જીતી લીધાં. હવે તેમની એક જ ઈચ્છા હતી કે દુનિયામાં અમૃતની શોધ કરવી અને અમર બની જવું. ઘણી શોધખોળ અને તપાસ બાદ એક સિદ્ધ પુરુષે રાજાને કહ્યું, ‘હિમાલયની ટોચ પર એક ગુફા છે તેમાં જે ઝરણું વહે છે તેમાં અમૃતની બુંદો પડી હતી એટલે તેનું પાણી અમૃત છે.’ રાજાએ હુકમ કર્યો ત્યાંનું પાણી લઇ આવો.સિદ્ધ પુરુષે કહ્યું, ‘એ શક્ય નથી રાજન, જો તમારે અમર થવા માટે તે ગુફાનું પાણી પીવું હશે તો તમારે જાતે ત્યાં જઈને ઝરણામાંથી ખોબો ભરીને પાણી પીવું પડશે.પણ સાવધાન, રાજન, મારી ચેતવણી છે કે માર્ગ કઠીન છે ,ગુફા ભયાનક છે.’
રાજાએ ગુમાનથી કહ્યું, ‘હું ચક્રવર્તી સમ્રાટ છું. કોઇથી ડરતો નથી.’ સિદ્ધે કહ્યું, ‘ભલે રાજન, પણ મારી સલાહ છે કે તમે અમર થવાની ઈચ્છા ન રાખો તો સારું..’ રાજા બોલ્યા, ‘ના મારું આટલું મોટું સામ્રાજ્ય છે. મારે તે છોડીને જવું નથી એટલે મારે અમર થવું જ છે.’ ચક્રવર્તી રાજા અમૃતના ઝરણાંવાળી ગુફા પાસે પહોંચી ગયા.ગુફા ભયંકર હતી પણ રાજા ડર્યા વિના ઝરણાં પાસે પહોંચી ગયા અને તેમાંથી ખોબો ભરી પાણી ભર્યું, જેવા પીવા જાય ત્યાં એક અવાજ આવ્યો, ‘ખબરદાર ,આ જળ પીવાની ભૂલ નહિ કરતા.નહિતર બહુ પસ્તાશો.’ રાજાએ ગુસ્સામાં આજુબાજુ જોયું કે મને અટકાવનાર કોણ છે?
એક કાગડો એકદમ દયનીય અવસ્થામાં હતો. તે બોલી રહ્યો હતો. તેનાં પીંછાં ખરી ગયાં હતાં,પગના પંજા ઢીલા પડી ગયા હતા, આંખોથી બહુ દેખાતું ન હતું.શરીરમાં માત્ર હાડપિંજર બચ્યું હતું. રાજાએ કહ્યું, ‘કાગડા, તું મને આ જળ પીવાની ના કેમ પાડે છે? શું તું મને અટકાવીશ?’ કાગડાએ કહ્યું, ‘રાજન, હું તમને એટલે અટકાવું છું કે મારી અવસ્થા જુઓ,વર્ષો પહેલાં મેં અમૃતની શોધમાં અહીં આવી અમૃત પીધું હતું.હવે મારી અવસ્થા એવી છે કે હલનચલન કરી શકતો નથી. ભૂખ્યો પ્યાસો છું. મરવા માંગું છું પણ મરી શકતો નથી અને જીવી શકતો પણ નથી.સૃષ્ટિના નિયમો બરાબર છે તેની વિરુદ્ધ જઈને દુઃખ સિવાય કંઈ મળતું નથી.’ રાજા વિચારમાં પડી ગયો અને પછી તે અમૃત પીધા વિના જ પાછો વળી ગયો. તે સમજી ગયો કે જીવનનો આનંદ સીમિત વર્ષોમાં અને તેને ભોગવી શકાય તેમાં જ છે અને સૃષ્ટિના નિયમો વિરુદ્ધ જવું મુર્ખામી છે.