Columns

જિંદગીનો આનંદ

રસ્તા પર એક નાનકડો બાળક કપાયેલી પતંગની પાછળ દોડી પતંગ પકડી રહ્યો હતો.એક પછી એક પતંગ પકડી તે પોતાની નાની બહેનને સાચવવા આપી પાછો બીજો પતંગ પકડવા દોડી જતો હતો.એક એક પતંગ તે જયારે પકડતો ત્યારે તેના મોઢા પર એક અનેરી ચમક દેખાતી અને જયારે તે બહેનને પતંગ પકડીને આપતો તે વધુ ને વધુ ખુશ થતી અને કેટલી પતંગ થઇ તે ફરી ફરી ગણતી અને રાજી થતી. પતંગ પકડવાનો એક અલગ જ આનંદ તેઓ અનુભવી રહ્યાં હતાં. એક સમાજસેવક ત્યાંથી પસાર થયા. તેમણે આ દૃશ્ય જોયું. તેમને ચિંતા થઇ કે કાગળની પતંગ પકડવામાં આ બાળક રસ્તા પર દોડાદોડી કરે છે ક્યાંક તેને ઈજા ન થઇ જાય. તેમણે બે કોડી રંગબેરંગી પતંગ ખરીદ્યા અને પેલા બાળકને બોલાવી તેના હાથમાં આપ્યા અને તેણે પતંગ પકડવા પાછળ દોડવાની ના પાડી.

બે ઘડી તો બાળક એક સાથે આટલા બધા નવા પતંગ પોતાને મળી જવાથી રાજી રાજી થઇ ગયો.દોડીને નાની બહેન પાસે ગયો અને બધા પતંગ આપ્યા.એક સાથે આટલા નવા પતંગ પોતાના છે તે જાણી બહેન પણ ખુશ થઇ ગઈ.  ભાઈ બહેન પાસે ઘણા બધા પતંગ થઇ ગયા.થોડી વાર સુધી તેનો આનંદ રહ્યો પણ પછી પેલો એક એક  પતંગની પાછળ દોડી તેને પકડવાનો આનંદ યાદ આવવા લાગ્યો.દરેક પતંગની સાથે એક નવી ખુશી, એક નવો આનંદ મળતો હતો.બહેનના મોઢા પરની ખુશી બાળકને ફરી બીજો પતંગ પકડવા પ્રેરણા આપતી હતી. તે બધું જાણે ગાયબ થઇ ગયું.એક એક પતંગ જાત મહેનતે પકડવાનો આનંદ અનેરો હતો. આ પતંગ પકડવા જેવું જ આપણા જીવનની ખુશીઓ અને સપનાંઓના પતંગને પકડવા જેવું છે.

એક પછી એક ખુશી મેળવીએ.એક પછી એક સપનાંઓ પાછળ દોટ મૂકીએ અને જયારે જયારે તે સાકાર થઇ ત્યારે આપણને અને આપણાં પ્રિયજનોને જે ખુશી મળે તે અનેરી હોય છે.જો ભગવાન આપણને જોઈતી તમામ વસ્તુઓ એક સાથે આપી દે,બધાં સપનાંઓ એક વારમાં સાકાર કરી દે તો જીવનમાંથી એક પછી એક સપના પાછળ દોડવાનો અને તેને સાકાર કરવાનો આનંદ ઝુંટવાઈ જાય છે.માટે દોસ્તો, એક સાથે કંઈ ન માંગો.એકસાથે પ્રભુ આપે તેની રાહ જોવા કરતાં જીવનમાં એક પછી એક ખુશી મેળવવાનો આનંદ મેળવતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top