એક સાધુ નદી કિનારે ઝૂંપડી બાંધી રહેતા. એક દિવસ એક યુવાને સાધુને આવીને પૂછ્યું, ‘સાધુ મહારાજ, જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું જોઈએ.’ સાધુએ બહુ સરસ જવાબ આપ્યો, ‘ભાઈ, જીવનનો આનંદ લેવા મન મૂકીને જીવો.જે ગમે તે કરો.અન્યને પરેશાની થાય તેવું કંઈ ન કરો.જે ગમે તે કરો.ફરવા જાવ કે મનગમતી કળા શીખો.મન થાય ત્યારે ગીત ગાવ અને દિલ ખુશ થાય ત્યારે નાચી લો.સમાજ સેવા કરો.મન ભરીને મોજ કરો. ભગવાનને જે રીતે ગમે તે રીતે ભજો.’
સાધુ મહારાજ પોતાની મસ્તીમાં બોલ્યા જતા હતા કે જીવનનો આનંદ લેવા શું શું કરવું જોઈએ ત્યાં યુવાન વચ્ચે બોલી ઊઠ્યો, ‘સાધુ મહારાજ, આ બધું તો જીવનની કુટુંબ અને પરિવારની બધી જવાબદારીઓ પૂરી થાય પછી કરી શકાય. પહેલાં તો જીવનમાં કામ કરીને જવાબદારીઓ પતાવવી પડશે, પછી જ આમાંથી કંઈ પણ કરી શકાશે.’ સાધુ મહારાજ બોલ્યા, ‘એવું જરૂરી નથી …’ અને પછી નદીના કિનારા પાસે એક પથ્થર પર જઈને બેસી ગયા.
યુવાન તેમની પાછળ ગયો.ઘણી વાર સુધી સાધુ મહારાજ ત્યાં પથ્થર પર બેસી રહ્યા.યુવાને પૂછ્યું, ‘મહારાજ, તમે અહીં શા માટે બેઠા છો?’ સાધુ મહારાજ બોલ્યા, ‘જો મારે નદીની સામે પાર જવું છે, પણ મારાં કપડાં ભીનાં જરા પણ થવા દેવાં નથી એટલે આ નદી સુકાઈ જાય તેની રાહ જોઉં છું.’ યુવાન હસ્યો અને બોલ્યો, ‘સાધુ મહારાજ, શું મજાક કરો છો? એમ કંઈ નદી થોડી સુકાશે? નદી તો વહેતી જ રહેશે.સામે પાર જવું હોય તો હોડીમાં બેસીને જઈ શકાય.તરીને જઈ શકાય.પાણી છીછરું હોય તો કપડાં સંકેલીને ઊંચા પકડીને ચાલી શકાય.’
સાધુ હસ્યા અને બોલ્યા, ‘યુવાન, તારી વાત તો બરાબર છે. આ નદી તો વહેતી જ રહેવાની છે.સુકાવાની નથી, તેથી સામે પાર જવા તેના સુકાવાની રાહ ન જોવાય. આપણો રસ્તો શોધી લેવાય.તેમ જીવન પણ એક નદી છે અને જીવનમાં જવાબદારીઓ અને કામનો ભાર તો સદા રહેવાનો જ છે. તે ક્યારેય પૂરો થવાનો જ નથી.એક કાર્ય, એક જવાબદારી, એક ફરજ પૂરી થશે અને બીજી સામે ઊભી જ હશે.જીવનમાં જવાબદારીઓનો અંત આવવાનો જ નથી.એટલે બધાં કામ કરતાં કરતાં જીવનની ફરજો પૂરી કરવાની સાથે સાથે જ થોડો સમય કાઢીને મનગમતું નાનું મોટું કામ કરી લઈને જીવનનો આનંદ માણતાં રહેવું જોઈએ.’ જવાબદારીઓની સાથે સાથે જ જીવન માણો નહીં તો જવાબદારીઓ પૂરી થશે નહિ અને જીવનની સાંજ પડી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.