Charchapatra

સુખ, આનંદમાં અને આનંદની યાત્રા ઊર્જામાં પરિવર્તિત થાય છે

ઉપનિષદ કહે છે “માનવશરીર દ્વંદ્વ છે. જે પશુતા (શરીર) તરફ ગતિ કરતો સુખમાં જીવે છે (અને) ઐશ્વર્ય (ચેતના) તરફ ગતિ કરે તો આનંદમાં રહે છે.”પૈરાણિક કથા અનુસાર નચિકેતા વરસો વરસની તપશ્ચર્યા પછી પિતા ઉદાલકને પોતાને જડેલા પરમ સત્યને ઉજાગર કરતા રહે છે “આનંદો પરમો ધર્મ’ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં મનુષ્ય શરીરની સત્ ચિત્ત અને આનંદની અવસ્થા વર્ણવે છે.

માનવશરીરને મળેલ પાંચ ઈન્દ્રિયો (રિસિવર)થી મધુર સ્પર્શ, સ્વાદ, શ્રવણ, દુષ્ય અને સુવાસથી અંતતોગત્વા શરીરને સુખ મળે છે. શરીર વિજ્ઞાન જેને બાયો કંફર્ટ કહે છે તેનું મિકેનિઝમ ખોલવાનું કામ ગુજરાતના ચિંતક લેખક પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કરે ૩૮ પાનાની પુસ્તિકા “યાત્રા સુખ અને આનંદની’ માં મૂક્યું છે. લેખક નોંધે છે કે મનુષ્યનાં ૧૨૦૦ થી ૧૪૦૦ ગ્રામના મસ્તિષ્કમાં રહેલા ૧૦૦ અબજથી વધુ ન્યુરોન્સની પરસ્પરની પ્રતિક્રિયામાંથી આનંદની અનુભૂતિ નિષ્પન્ન થાય છે. માનવ મસ્તિષ્કમાં ડોપામાઈન નામના રસાયણના સ્રાવથી શરીર આનંદની અનુભૂતિ કરે છે. આ રસાયણ યુવાનોને વધુ સાહસી, સક્રિય અને રોમાન્સ તરફ ધકેલે છે. જયારે મગજ દ્વારા વહેતા સેરાટોનિનના સ્રાવથી વ્યક્તિનું વર્તન આત્મવિશ્વાસથી સભર બની જાય છે. તે વધુ પૈસા કમાવા, વધુ સાધન સુવિધા જોડવા જોખમ ખેડી શકે છે.

માણસની પાછલી ઉંમરે ઓક્સિટોસીનનો પ્રભાવ વધતાં વ્યક્તિ વધુ ને વધુ પ્રેમાળ, સહુના આદર અને સન્માનને ઝંખનાર બને છે. ભારતીય દર્શનશાસ્ત્ર વ્યક્તિના વર્તન આધારે તેને તમસ, રજસ અને સત્ત્વ તેમ ત્રણ સ્તરમાં વિભાજીત કરે છે. સિગ્મન્ડ ફોઈડ પણ વ્યક્તિની ૧૮ થી ૩૫ વર્ષની વય, ૩૫ થી ૬૦ વર્ષ અને ત્યાર બાદની વયમાં સ્વ કેન્દ્રથી ઉપર ઊઠી સમાજ અને સૃષ્ટિમાં પોતાની જાતને આનંદિત રાખી શકે છે. તેવું અવલોકન આપે છે.

માનવીય સુખ અને આનંદ યાત્રાના તાણાવાણા ઉકેલતાં લેખક નોંધે છે “સુખ સાપેક્ષ છે”જે વ્યક્તિ વ્યક્તિ એ અલગ આકારે જોવા મળે છે. વર્તન વિજ્ઞાન કહે છે તેમ માણસને માત્ર ૨૫% સમજ જ્ઞાન, શિક્ષણ અથવા તાલીમમાંથી મળે છે. બાકી બધું ડહાપણ તેને માતા-પિતાના પક્ષે મળેલ છેલ્લાં ૩૦૦ વર્ષનાં જૈવિક વારસા (જેનેટીકલ મેમરી)માંથી ઉપજે છે અને આથી જ તો કોઈની સ્વાદેન્દ્રિયને આઈસક્રીમ સુખ આપે તો કોઈને બટર ચિકન.

કોઈની કર્ણેન્દ્રિયને પ્રભુભજન સુખ આપે તો કોઈને ડિસ્કો. માનવશરીરના સંસ્કાર સુખ નક્કી કરે છે. આમ છતાં જીવવિજ્ઞાનના સંશોધનો અનુસાર “સુખના છેવાડે મળતો આનંદ પશુ-પ્રાણી અને વનસ્પતિમાં સમાન રીતે પરિણામદાયી રહે છે.” પૃથ્વી ઉપર છેલ્લાં ૨૮-૩૦ હજાર વર્ષથી વિકસેલ બૌદ્ધિક માનવના ઈતિહાસની નોંધ ‘હયુમન કાઈન્ડ’’ નામના સંશોધનમાં રુખ્તેર બ્રેખ્માન દ્વારા અંક્તિ થતાં એક વાત સ્પષ્ટ થઈ શકે છે કે ‘પૃથ્વીનો ગોળો સ્વયં ચૈતન્ય છે. અહીં કશું નિર્જીવ નથી’ એટલું જ નહીં પરંતુ થડ અને પાંદડાથી એક સ્થળે સ્થિર રહેતી વનસ્પતિ પણ સંવેદનાની આપ-લે કરે છે.

જળ અને ખોરાક જેવી બાબતોમાં માનવસમાજ માફક વૃક્ષો પરસ્પરને ઉપયોગી થઈ આનંદની અનુભૂતિ કરે છે. પ્લાંટ સાયકોલોજી (સાયકેડેલીકસ) ઉપરનાં અભ્યાસો જણાવે છે કે માનવશરીરનાં રંગસૂત્રો માફક વૃક્ષનાં કલોરોફીલમાં આનંદને અહેસાસ યાદ્દદાસ તરીકે સચવાય છે અને પરંપરાગત રીતે ફળના બીજ સ્વરૂપે વારસામાં ઊતરે છે. આધુનિક વિજ્ઞાન પ્રતિપાદિત કરે છે કે માનવ, પ્રાણી અને વનસ્પતિ જગતને પોતપોતાની ઈન્દ્રિયજન્ય વ્યવસ્થાઓ સુખના માર્ગે દોરી જાય છે અને જીવ જગતમાં હયાત ડી.એન.એ. માં રહેલ શાંતિ, પ્રેમ, સ્વાતંત્ર્ય ઈત્યાદિ તત્ત્વ તેને સ્થાયીત્વ તરફ સમાન રીતે દોરી જાય છે.

અહીં એક બીજો ચમત્કાર એ જોવા મળે છે કે એક સેકંડમાં અનેક વાર પાંખો ફફડાવી ફૂલો પર બેસતાં પતંગિયાં અને ભમરાના અભ્યાસથી ખ્યાલ આવે છે કે આનંદની અવસ્થા માણસમાં પણ જૈવિક વિદ્યુત તરંગો (બાયો ઈલેક્ટ્રીક વેવ્ઝ) ઉત્પન્ન કરે છે અને આથી જ તો આનંદમાં રહેનાર વ્યક્તિના હ્રદયમાં સ્ટેન્ટ નથી મૂકવા પડતા! પ્રાણની સાધના કરનાર સાચુકલા અધ્યાત્મ ગુરુજનો પાસે બેસવાથી તેમની ઓરા શાંતિ અને ઊર્જાની અનુભૂતિ આપે છે! રમણ રેતીમાં ચાલેલા ભગવાન કૃષ્ણ કે હજારો સાધકો સાથે પગપાળા પ્રવાસ ખેડી સ્થાન પવિત્ર કરતા ભગવાન બુદ્ધ અને મહાવીરનો પ્રયાસ આજે પણ યથાર્થ જણાય છે!

ઔદ્યોગિક ક્રાંતિ પછીના વિશ્વનું બાળક સહજ રીતે જ મહત્ત્વાકાંક્ષા, સ્પર્ધા, ઈર્ષા, નિષ્ફળતાના ભય વચ્ચે ફસાતું જાય છે. ત્યારે દુનિયા હેપીનેસ (સુખ)ના ઈન્ડેકસ તૈયાર કરી શિક્ષણ અને બાળઉછેરમાં રહેલ ભૂલો સુધારી રહ્યું છે. પણ જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન કહે છે હવે પીસ ઈન્ડેક્સ (મનની શાંતિના ધોરણ) વિકસાવવાની જરૂરિયાત છે. કારણ નવી પેઢી અત્યંત ઝડપથી નિરાશાની આંધીથી ઘેરાઈ રહ્યાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. અંતમાં નોંધવું રહ્યું કે માણસ ખાલી હાથે આવે છે અને સિકંદર સહિત સહુ ખાલી હાથે જતા રહે છે. પરંતુ માનવશરીરને મળેલ સુખની યાત્રા આનંદ ઊર્જામાં પરિવર્તિત કરી શકાય તો મહર્ષિ અરવિંદ કહેતા તેમ જગતને થોડું વધુ ઊર્જાવાન કર્યાનો આત્મસંતોષ મળી શકે તેમ છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top