પહેલાનાં જમાનામાં ઘરમાં કોઈ ઉત્સવ હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે વડીલો એક સાથે ખાટલામાં બેસી હુક્કા, ચલમ, બીડી, સોપારીનું સેવન કરતા. કોણ લાંબો કસ મારે છે તે જોવાતું. એની વાહ વાહ થતી, અમુક રજવાડી સમાજમાં મર્યાદાઓની સાથે મહિલાઓની પણ અલગથી મહેફિલ થતી, જેને એક પ્રકારનો માભો ગણવામાં આવતો, નવી દુલ્હન પણ કરિયાવરમાં ચિલમ, કોતરણી વાળા હુક્કા છીંકણીની ડબ્બી, ઘૂઘરી વાળી સૂડી, પાનનો ડબ્બો વિગેરે સાથે લાવતી. પરિવારમાં કંઈક અણબનાવ થાય ત્યારબાદ સમાધાન થાય ત્યારે પણ સામસામે પાનનાં બીડા ખવડાવાતા- હુક્કાની આપ લે થતી.
આ રીતે રિવાજોએ બિલ્લી પગે પેસારો કરી દીધો અને સમયની ગતિ સાથે આજે આ ઘર-ઘરાવ રીતી રિવાજ અને નિર્દોષ આનંદનું તાત્પર્ય જ બદલાઈ ગયું છે. એના અલગ સ્વરૂપે એનુ મોટું સામ્રાજ્ય ઊભું થયું છે ઠેરઠેર સિગારેટ, તમાકુ, માવો, ગુટકાનાં ગલ્લા અને હવે તો ગલ્લાઓના પણ મોટા મોટા શો રૂમ જેવો થયાં. લાઇટિંગ મ્યુઝિક સિસ્ટમ સાથે બેસવાના ટેબલ, ફ્રીઝ-ટીવી, ફ્રી વાઇફાઇ સુવિધા અને પાછળ ‘બોલે જુબા કેસરી’ ના પોસ્ટર… વળી આ ધંધાને ક્યારેય મંદી નડતી નથી. ચિંતા નો વિષય એ છે કે આ બધુ ક્યાં જઈને અટકશે?
સુરત – રેખા એમ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.