કલાસિક ફિલ્મોના પાત્રોને કલાસિક બનાવવાનું ગજુ બહુ ઓછા અભિનેતા – અભિનેત્રીનું હોય છે. એવા કલાસિક પાત્ર એકથી વધુ વાર ભજવી દેખાડે તેને તો ગ્રેટ જ કહેવા પડે. આ દસમી ઓકટોબરે રેખાનો જન્મદિવસ છે ને કહી શકો કે તે કમર્શિઅલ ફિલ્મો માટે ઘરેણા સમી અભિનેત્રી રહી છે. શરૂના ઘણા વર્ષો તો તેણે પોાની ટેલેન્ટ શોધવામાં ને નિખારવામાં કાઢયા ને પછી ‘ઉમરાવજાન’ સુધી પહોંચી ત્યારે કલાસિકલ બની ચુકી હતી. વિનોદ મહેરા સાથેની ‘ઘર’ યા અમિતાભ સાથેની ‘સિલસિલા’ તમે રેખા વિના વિચારી જ ન શકો. કમાલની વાત એ કે આજેય તેની પર ઘડપણની ઓછી અસર વર્તાય છે -અમિતાભની જેમ જ! જાણે બન્નેએ પોતાને લોકોની નજરથી છૂપાવીને સાથે રાખ્યા છે, ‘દો અંજાને’ થઇ સાથે થયાને રહ્યા.
રેખાનું રેખા થવું કાંઇ સરળ નહોતું. તેણે તેના બચપણ, માતા – પિતાના સંબંધ, પોતાના પ્રેમપ્રસંગ ને આઘાતોમાંથી બહાર આવતાં આવતાં રેખાપણું સિધ્ધ કર્યું છે. દુ:ખદ એ કે તેણે એકલા રહેવું પડે છે પણ જાહેરજીવનમાં તે તેના જીવનને ગૌરવપૂર્વકનું જ રાખે છે. રેખા બનવા અંદરની ઘણી તાકાત જોઇએ. હકીકતે તે પોતે જ એક મસ્ત ફિલ્મનો મસાલો છે. બાયોગ્રાફીકલ ફિલ્મ બનાવવી હોય તો રેખા પર જ બનાવો! સાવ રૉ બ્યુટી હતી. દેશી લાગે. એવી હીરોઇન હતી તે કલાસિક બ્યુટી બની ગઇ! આવું મેકઓવર તન-મનની તાકાતથી જ સિધ્ધ થઇ શકે! બાકી તો તો તે મદ્રાસણ હતી – જાડી ને કાળી. તે હતી ભાનુરેખા ગણેશન જે ગ્લેમરસ રેખામાં ફેરવાય ગઇ! અમુક વર્ષો પછી લોકો તમારા જીવનના ઘટના, પ્રસંગો, નબળાઇને એવું બધું ભુલી પરિણામે તમે કેવા બન્યા તે જ યાદ રાખે છે.
માણસ જયારે જિંદગી ઘડતો હોય તો ગરબડો થાય પણ ખરી! લોકોને રેખાની ફિલ્મો યાદ કરવી ગમે છે એટલું જ તેનું જીવન પણ યાદ કરવું ગમે છે તેનું કારણ જ આ છે! લોકોને એટલી જ ખબર છે કે તે જેમિની ગણેશન અને પુષ્પાવલીની દિકરી છે. પણ પુષ્પાવલી તો જેમિની ગણેશનની એક રખાત માત્ર હતી. મૂળ તે જેમિની સ્ટૂડિયોના એસ.એસ. વાસનના પ્રેમમાં હતી અને વાસન પરણેલા હતા. પુષ્પાવલીને પોતાને ય આગલા સંબંધોથી બે બાળકો હતા. પછી જેમિની ગણેશન સાથે રિલેશન થયા તો તે પણ પરણેલા હતા. પણ શરીર સંબંધ વિના બન્ને રહે તેવા નહતા અને ૧૯૫૪ માં તેમને જે દિકરી જન્મી તે ભાનુરેખા.
સામાજીક માન્યતા વિનાના મા-બાપના સંતાનો નોંધારા જ મોટા થતા હોય છે. લોકો તેને માનથી ન જુએ. રેખા જન્મી ત્યારે જ જેમિની ગણેશન ‘મનમપોલ મંગલયામ’ માટે સાવિત્રી અને સુરભી બાલાસરસ્વતી સાથે શૂટિંગ કરતા હતા. ફિલ્મ રજૂ થઇ ત્યારે જબરદસ્ત સફળ રહી અને જેમિની ગણેશને એક મંદિરમાં સાવિત્રી સાથે છાના લગ્ન કરી લીધા. મતલબ કે સાવિત્રી ગણેશન થઇ પણ પુષ્પાવલીને અધિકૃત રીતે ગણેશન અટક મળી જ નહિ એટલે ભાનુરેખા ગણેશન અટક પણ ખોટી છે. પણ રેખા પછીય ગણેશનથી પેલી પુષ્પાવલીને દિકરી જન્મેલી – તે રાધા. પછી પુષ્પાવલી સિનેમેટોગ્રાફર કે. પ્રકાશ સાથે રહેવા માંડી અને દિકરી પેદા કરી – ધનલક્ષમી. દિકરો જન્મ્યો તે શેષુ. મતલબ કે લગ્ન વિના જ તેણે ત્રણ પુરુષ વડે બબ્બે બાળકો પેદા કર્યા. પહેલા સંબંધથી જન્મેલા તે બાબુજી (દિકરો) અને રમા (દિકરી) વ્યભિચારીણી સ્ત્રીના સંતાનો.
રેખા વિનોદ મહેરા સાથે અને મુકેશ અગ્રવાલ સાથે પરણેલી. અમિતાભ સાથે પણ ખાનગીમાં પરણ્યાના કિસ્સા લોકો દોહરાવે છે પણ તે એકલી જ છે. તેને તેની માની જેમ વ્યભિચારથી જન્મેલું એક પણ બાળક નથી. રેખાએ અંગત જીવનનાં સંઘર્ષો સાથે પરદા પર અભિનેત્રી તરીકેનું જીવન જીવ્યું. રેખા આપઘાતનાં પ્રયત્નો પણ કરી ચુકી છે પણ તેમાંથી બહાર આવી છે. ૧૯૬૮ માં કુજીત પાલ નામનો નાયરોબી રહેતો બિઝનેસમેન મુંબઇમાં ફિલ્મ બનાવવા આવ્યો ને તેની ‘અંજાના સફર’ માટે ભાનુરેખા પસંદ થઇ. ૧૯૬૯ માં તે મુંબઇ આવી. એટલે કે રાજેશખન્નાની ‘આરાધના’ જબરદસ્ત સફળ થઇ તે વર્ષ.
આ એજ વર્ષ જયારે અમિતાભે પણ ‘ભુવનસોમ’માં પહેલીવાર ફિલ્મમાં કામ કર્યું પણ વોઇસ નેરેટર તરીકે ને પછી ‘સાત હિન્દુસ્તાની’માં એકટર તરીકે. રેખા -મુંબઇ આવી પહેલીવાર રહેલી તે જૂહુની હોટલ અજંતાના રૂમ નંબર ૧૧૫ માં. ‘અંજાના સફર’ માટે રેખાને રૂા. ૨૫,૦૦૦ મળેલા. ત્યારે તે ૧૪-૧૫ વર્ષની. ફિલ્મનું નામ પછી ‘દો શિકારી’ થઇ ગયેલું પણ વાત એ છે કે રેખાની આ ફિલ્મથી એન્ટ્રી થઇ. ને ‘સાવન ભાદોં’ થી તેનું નામ ગાજવા ય માંડયુ. ત્યાં સુધીમાં તે ભાનુરેખા ગણેશનમાંથી ભાનુ અને ગણેશનનો છેદ ઉડાવી રેખા બની ચુકેલી. ‘સાવનભાદોં’ના હીરો નવીન નિશ્ચલે તો રેખાને જોઇને જ નિર્માતા – દિગ્દર્શક મોહન સેગલને પૂછેલું કે, ‘આ નમૂનાને તમે કયાંથી પકડી લાવ્યા? ઇતની કાલી-કલુટી?’ પણ એ નવીન નિશ્ચલ મોટા સ્ટાર ન બની શકયો ને રેખા બની શકી.
‘સાવનભાદોં’ ૧૧ ઓકટોબર ૧૯૬૯ ના દિવસે ફલોર પર ગયેલી જે એટલે કે અમિતાભના જન્મ – દિવસે ‘સાવનભાદોં’ પછી તેણે ડબલ શિફટમાં શૂટિંગ કરવું પડે એવી સ્ટાર થઇ ગયેલી. ૧૯૭૧ માં વિનોદ મહેરા સાથેની ‘એલાન’ આવીને બેઉ વચ્ચે આકર્ષણ બંધાયુ. પણ એ એક લાંબી કહાણી છે. ૧૯૭૨ માં ‘રામપુર કા લક્ષમણ’ આવી ૧૯૭૩ માં ધર્મેન્દ્ર સાથેની ‘કહાની કિસ્મત કી’ અને એજ વર્ષે ‘નમક હરામ’ જેમાં અમિતાભ છે પણ બન્નેના એક પણ સીન સાથે નથી. એ વખતે જોકે ‘દુનિયા કા મેલા’ માટે હીરો – હીરોઇન તરીકે બન્ને કરારબધ્ધ થયેલા પણ શૂટિંગ શરૂ થયું ત્યારે અમિતાભની જગ્યાએ સંજય ખાન આવી ચુકેલો.
પણ અમિતાભની ‘ઝમીર’ ૧૯૭૩ માં આવી પછી દૃશ્યો બદલાવા માંડયા. ૧૯૭૬ માં ‘દુશ્મન’ અને ‘દોસ્ત’ બનાવનાર દુલાલ ગુહાએ બન્નેને ‘દો અંજાને’માં લીધા. રેખાવાળી ભૂમિકા માટે શર્મિલા ટાગોર, મુમતાઝને પૂછાયેલું પણ તેઓ કહે કે આ તો નેગેટીવ રોલ છે, અમે નહીં કરીએ. રેખાએ હા પાડી. જોકે તે ખૂબ નર્વસ હતી. અમિતાભ સામે પોતાના ડાયલોગ પણ ભુલી જતી ને અમિતાભે જ કહેવું પડતું, ‘સુનીયે…. જરા ડાયલોગ યાદ કર લીજીએ.’ આ ફિલ્મે રેખાનું રૂપાંતર કરી નાંખ્યુ. રેખાની કારકિર્દી ત્યારથી જ કલાસિક ફિલ્મો માટેની અભિનેત્રી તરફ વળી. (હવે જે કહેવું છે તે આવતા ગુરુવારે.)