Charchapatra

બિહારના ચૂંટણીપ્રચારના મુદ્દાઓ ઘણું કહી જાય છે

બિહાર વિઘાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ અને જે તે ગઠબંધનમાં સીટોની વહેંચણી પણ થઇ ગઇ છે. હવે પછી દરેક પક્ષ એમના ઉમેદવારોની જીત માટે પ્રચાર-પ્રસાર અને લોકોને લોભાવનારા વાદા કરવાના ચાલુ કરી દેશે. રાજ્યના લોકોનો અલગ-અલગ પક્ષોના પ્રચારનો પ્રતિભાવ ચૂંટણી પત્યાના ચારેક દિવસમાં જાહેર થશે. રાજ્યમાં કયો પક્ષ સત્તારૂઢ થાય છે એ તો ચૂંટણીના પરિણામો બતાવી દેશે પરંતુ જનતાદળ યુનાઇટેડના પક્ષ બદલવામાં નિષ્ણાત એવા નિતીશકુમાર છેલ્લા લગભગ વીસ વર્ષથી કોગ્રેસ, ભાજપ સહિત બિહારના અલગ અલગ રાજકીય પક્ષો સાથે મળી મુખ્યમંત્રીની ખુરશી શોભાવી રહ્યા છે.

એમના કાર્યકાળનો કારભાર જોઇએ તો જણાય છે કે બિહાર આર્થિક, સામાજિક કે રાજકીય સ્તર પર દેશમાં સૌથી પછાત રાજ્ય હોવાનો રેકોર્ડ ધરાવે છે. આ જમીની હકિકત જ બતાવે છે કે રાજકીય પક્ષોને રાજ્યના લોકોના વિકાસ કરતા સત્તાપ્રાપ્તિમાં જ વધુ રસ છે, એથી ચૂંટણી સમયે રાજ્યના વિકાસની વાતોને બદલે જંગલરાજ જેવી અન્ય બીનજરૂરી બાબતોને પ્રાધાન્ય આપવુ પડે છે, આજ રાજ્ય જે ભગવાન મહાવીર અને બુદ્ધનું જન્મસ્થળ છે અને જ્યાં આર્યભટ્ટ, રાજાઅશોક, ડૉ. રાજેનન્દ્રપ્રસાદ જેવી હસ્તીઓ થઇ ગઇ એ રાજ્યમાં બુદ્ધિધનની કોઇ ખોટ નથી તેમ છતાં એ રાજ્ય આજે દેશના સૌથી પછાત રાજ્ય તરીકે નામના ધરાવે છે. અલબત્ત આજે નહીં તો કાલે બિહારીઓ દ્વારા પણ આ પ્રશ્ર પૂછાય એ શક્યતાને નકારી ન શકાય.   
પાલ, સુરત        – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top