સુરત રેલવે સ્ટેશનની સૌથી મોટી સમસ્યા છે તે એન્ટ્રી અને એકઝિટની. તેમાં પ્રવેશવા માટે અને બહાર નીકળવા માટે માત્ર પંદર ફૂટની એન્ટ્રી અને એક્ઝિટ છે. દરમિયાન છેલ્લા બે દાયકાથી કાર લઇને રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશવું હોય તો રિક્ષા અને અન્ય વાહનો હોવાને કારણે લગભગ અશકય થઇ જાય છે. તેને કારણે આખા સ્ટેશન માર્ગ પર વિકટ સમસ્યા સર્જાય છે. એક દાયકા પહેલા આ મામલે સ્ટેશન પાસેની વચ્ચેની દિવાલ તોડી નાંખવાનું નિયત કરાયું હતું. બાદમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનના નામે આ બેઝિક પ્રોજેકટ કાગળ પર રહી ગયો છે.
આ મામલો કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણા હતા ત્યારથી ચર્ચામાં છે. આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ પણ વારંવાર રજૂઆત કરી ચૂકયું છે. આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ વતી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ દિવાલ કાઢી નાંખવાની વાત દાયકા જૂની છે. પરંતુ તેનો અમલ કરવામાં આવે તો એન્ટ્રી અને એક્ઝિટની સમસ્યાનો નિકાલ આવી શકે છે. આ દિવાલ કાઢવામાં આવે તો આખું કેમ્પસનું સ્વરૂપ બદલાઇ જાય તેમ છે. જ્યાં સુધી સુરતને રેલવે ડિવિઝન આપવામાં નહીં આવે ત્યાં સુધી આ મોટી સમસ્યા રહે તેમ છે. કારણ કે નાની-નાની સમસ્યા માટે મુંબઈ સુધી દોડવું પડે છે. સુરતના રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ હવે આ મામલે કશું કરે તો સુરતને રેલવે ડિવિઝન મળી શકે અને મોટી સમસ્યાનો અંત આવે તેમ છે.
સુરત સ્ટેશન પાસે આ છે વિકટ સમસ્યા
- એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બોટલ નેક છે- આ બોટલનેક પર ટ્રાફિક જામ થાય છે- બે દાયકા આ જૂના પ્રશ્ન પર કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી- આ ઉપરાંત સ્ટેશન પર અપાયા છે બસ સ્ટોપ- તેમાં આ બસોને કારણે સ્ટેશનનો બસો મીટરનો વિસ્તાર ક્રોસ કરવો તે સૌથી કપરૂ છે.
શું કહે છે ડીઆરયુસીસી મેમ્બર
ડીઆરયુસીસી મેમ્બર સનીલ પટેલ અને હબીબ વોરાએ જણાવ્યું હતું કે, આ મામલાને રેલવે સત્તાધીશો ગંભીરતાથી લે તો વર્ષો જૂનો ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવી શકે છે.